ડેવિડ કેમરને £૫૦૦ મિલિયન ‘યુકે-ચાઈના ફંડ’નું લોબીઈંગ કર્યું

Tuesday 14th November 2017 09:17 EST
 
 

લંડનઃ પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરને સત્તાકાળમાં ચીનનો પ્રવાસ ખેડ્યો ત્યારે તેમના મિત્ર અને પાર્ટીના પૂર્વ દાતા લોર્ડ ચાડલિંગ્ટન વતી ચીનના નાણા પ્રધાન અને નાયબ વડા પ્રધાન મા કાઈ સાથે કથિતપણે ૫૦૦ મિલિયન પાઉન્ડના ‘યુકે-ચાઈના ફંડ’ પ્રોજેક્ટ સંબંધે ચર્ચા કરી હતી. હવે કેમરને આ ઈન્વેસ્ટમેન્ટ ફંડમાં નોકરી મેળવવા વિશે વોચડોગની સલાહ માગી છે. બિઝનેસ સંપર્કો વધારવા માટે આ પ્રોજેક્ટ ઉભો કરાઈ રહ્યો છે.

કેમરનની ઓફિસે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટમાં ભૂમિકા ભજવવા સંબંધે પૂર્વ વડા પ્રધાને એડવાઈઝરી કમિટી ઓન બિઝનેસ એપોઈન્ટમેન્ટ્સમાં અરજી કરી છે. કોઈ પણ ભૂમિકા અંગે સંમતિ સધાય કે જાહેરાત થાય તે અગાઉ તમામ યોગ્ય પ્રક્રિયા અનુસરવામાં આવશે. પ્રવક્તાએ કહ્યું હતું કે યુકેની નોકરીઓ અને વેપાર સંપર્કો વધારવા યુકે-ચાઈના ફંડના વિચારને કેમરને જાહેરમાં આવકાર્યો હતો અને તેની સંભાવના ચકાસવા ૨૦૧૫માં ચીનનો સત્તાવાર પ્રવાસ ખેડ્યો હતો. પૂર્વ વડા પ્રધાનના ચીન પ્રવાસમાં લોર્ડ ચાડલિંગ્ટન પણ જોડાયા હતા.

૧૯૯૬માં ઉમરાવપદ મેળવનારા લોર્ડ ચાડલિંગ્ટને ૨૦૦૫માં કેમરનના નેતૃત્ત્વ અભિયાનમાં ૧૦,૦૦૦ પાઉન્ડ પણ આપ્યા હતા. તેઓ સૂચિત ફંડ પર ત્રણ વર્ષથી કામ કરી રહ્યા છે પરંતુ તે હજુ પ્રાથમિક તબક્કામાં જ છે. ગયા વર્ષે ઈયુ રેફરન્ડમના પગલે કેમરને વિટનીના સાંસદ તરીકે રાજીનામું આપ્યું હતું. કોર્પોરેટ પ્રવચનો આપવા ઉપરાંત, હાલ તેઓ ફાજલ સમયમાં સંસ્મરણો લખી રહ્યા છે, જે માટે તેમને ૮૦૦,૦૦૦ પાઉન્ડ ચુકવાશે તેમ કહેવાય છે. કેમરને તાજેતરમાં અમેરિકાની ફર્સ્ટ ડેટા કોર્પોરેશન કંપનીમાં સલાહકારની ભૂમિકા સ્વીકારી છે. જોકે, તેઓ ટોની બ્લેરની માફક વિદેશી સરકારોને સલાહ આપવાનું કાર્ય નહિ કરવા મક્કમ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter