ડોગ £૧૬૦ની નોટ્સ ખાઈ ગયો, કઢાવવા £૧૩૦ ખર્ચવા પડ્યા!

Wednesday 08th May 2019 05:04 EDT
 
 

 લંડનઃ શ્વાનને પાળવાનું હવે સામાન્ય બની ગયું છે. જોકે, શ્વાનમાલિકોને વિચારતા કરી મૂકે તેવો કિસ્સો નોર્થ વેલ્સના લાન્ડુડનોમાં બન્યો છે. નવ વર્ષનો લેબ્રાડૂડલ ડોગ ઓઝી તેના માલિકના ૧૬૦ પાઉન્ડ ખાઈ ગયો. ખાતર પર દિવેલ જેવી વાત તો એ થઈ કે તેના પેટમાંથી આ નોટો કઢાવવા માલિકે ૧૩૦ પાઉન્ડ ખર્ચવા પડ્યા હતા.

નોર્થ વેલ્સના રહેવાસી જુડિથ (૬૪) અને નીલ રાઇટ (૬૬) પાલતુ શ્વાન ઓઝીને ઘરમાં જ રાખી બજાર ગયાં હતાં. તેમના લેટરબોક્સમાં ૨૦ પાઉન્ડની આઠ નોટ્સ સાથેનું કવર કોઈ મૂકી ગયું હતું તે ઓઝીએ રમતમાં પેટમાં પધરાવી દીધું. પતિ-પત્ની ઘેર પાછાં આવ્યાં ત્યારે તેમણે નોટ્સનાં ટુકડાં જોયાં. આ પછી, ઓઝીને વેટરનરી ડોક્ટર પાસે લઈ જવાયો અને તેના પેટમાંથી નોટ્સ કાઢવા માટે ૧૩૦ પાઉન્ડની તગડી ફી ચુકવવી પડી હતી.

આમ, તેમને કુલ ૨૯૦ પાઉન્ડનું નુકસાન ગયું. જોકે, ૧૬૦ પાઉન્ડમાંથી ૮૦ પાઉન્ડની નોટો બેંકમાંથી બદલી શકાઈ હતી. વેટરનરી પ્રેક્ટિસની પ્રવક્તાએ કહ્યું હતું કે શ્વાને ન ખાવાની ચીજોના કેસીસ તેમની પાસે આવે છે પરંતુ, ચલણી નોટ્સ ખાઈ ગયેલા શ્વાનનો પ્રથમ કિસ્સો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter