ડ્રાઈવર સાવધાન, હવે ફોનને અડશો તો પણ £૨૦૦નો દંડ!

Wednesday 06th November 2019 02:09 EST
 
 

લંડનઃ ગ્રેટ બ્રિટનના માર્ગો પર વાહન હંકારતી વખતે ડ્રાઈવરના હાથમાં ફોન રાખવાનું પણ ગેરકાયદે બનશે. જો ડ્રાઈવરના હાથમાં મોબાઈલ ફોન હોવાનું પકડાશે તો ૨૦૦ પાઉન્ડનો દંડ ભરવાનો થશે અને છ પોઈન્ટ્સ લાગુ કરાશે. આવા ડ્રાઈવરને પકડવા નવા HD ટ્રાફિક કેમેરા ગોઠવાઈ રહ્યા છે. બેદરકાર ડ્રાઈવર્સ વાહન હંકારતી વખતે વાતચીત અથવા ટેક્સ્ટિંગ કરતા હોય તેનાથી અકસ્માતોના કારણે મોતની સંખ્યા વધી જવાથી ૨૦૧૭માં નવા કાયદા દાખલ કરાયા હતા.

આ કાયદાઓમાં છીંડા હોવાથી વાતચીત કે ટેક્સ્ટિંગ કરતા ડ્રાઈવર્સ સામે જ કાનૂની પગલાં લઈ શકાતાં હતાં. જે ડ્રાઈવર મ્યુઝિક પ્લે લિસ્ટ જોતા હોય કે ફોટો લેતા હોય તેમની સામે સજાના પગલાં લઈ શકાતાં ન હતા. જોકે, કાયદામાં નવા સુધારાથી સોશિયલ મિડિયાનું બ્રાઉઝિંગ કરતા હોય કે લોકેશન મૂકતા હોય તે સહિતના કોઈ પણ કારણસર હાથમાં ફોન રાખનારા ડ્રાઈવરે ૨૦૦ પાઉન્ડના દંડ અને છ પોઈન્ટ્સનો સામનો કરવાનો થશે.

ડ્રાઈવરે કયા કારણથી હાથમાં ફોન રાખ્યો હતો તે પૂરવાર કરવાનું પોલીસ માટે લગભગ અશક્ય બની જતું હતું તે આ સુધારાથી સરળ બની જશે. માર્ગ અકસ્માત પછી વાહન હંકારતી વખતે ફોનથી વીડિયો ઉતારનારા ડ્રાઈવર રામસે બારેટોને ગત વર્ષે મેજિસ્ટ્રેટ્સ દ્વારા દોષી ઠરાવાયા હતા પરંતુ, હાઈ કોર્ટે ગત જુલાઈમાં તેમને મુક્ત કરતા જણાવ્યું હતું કે કાયદામાં ડ્રાઈવિંગ કરતી વેળાએ વીડિયો ઉતારવા સામે પ્રતિબંધ નથી.

RACના સર્વે મુજબ લાખો ડ્રાઈવર વાહન હંકારતી વેળાએ મોબાઈલનો ઉપયોગ કરે છે જેનાથી તેમનું ધ્યાન ભટકાય છે અને અકસ્માતનું જોખમ વધે છે. ડ્રાઈવરોમાં ૩૫ ટકાની વય ૨૫ વર્ષથી ઓછી હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter