ડ્રાઈવિંગ કાયદાઓ અને નિયમોમાં થોડા ફેરફારો અમલી બનાવાયા

Wednesday 07th April 2021 03:09 EDT
 
 

લંડનઃ આ મહિના એટલે કે એપ્રિલ ૨૦૨૧થી વ્હીકલ એક્સાઈઝ ડ્યૂટી (VED)થી માંડી પરચેઝ ટેક્સ ચેન્જિંગ સહિતના ડ્રાઈવિંગ કાયદાઓ અને નિયમોમાં થોડા ફેરફારો અમલમાં આવ્યા છે. વાહન હંકારતી વેળાએ મોબાઈલ ફોનનો ઉપયોગ પ્રતિબંધિત કરાયો છે. ફ્યૂલ ટેક્સમાં કોઈ ફેરફાર નથી પરંતુ, રોડ ટેક્સમાં કાર્બન એમિશન્સના ધોરણે ફેરફાર લાગુ કરાશે.

સમગ્ર દેશના વાહનચાલકોને ડ્રાઈવિંગ કાયદાઓ અને નિયમો વિશેની જાણકારી તાજી કરી લેવા અપીલ કરવામાં આવી છે. વાહન હંકારતી વેળાએ મોબાઈલ ફોન ઉપકરણ અને પોર્ટેબલ ઈલેક્ટ્રિકલ્સ સંબંધિત નિયમો પણ બદલાયા છે.

મોબાઈલ ફોન પર પ્રતિબંધઃ વાહન હંકારતી વેળાએ મોબાઈલ ફોનનો ઉપયોગ કરનારાઓ સામે નવા કડક નિયમો લાગુ કરાયા છે. ડ્રાઈવિંગ સમયે મોબાઈલ ફોન પકડી રાખવા બદલ ૨૦૦ પાઉન્ડનો દંડ તેમજ છ પેનલ્ટી પોઈન્ટ્સનું જોખમ રહેશે. અગાઉ, ડ્રાઈવિંગ કરતી વખતે તસવીરો ખેંચવા કે વીડિયો લેવાની છૂટ મળતી હતી તે બંધ કરી દેવાઈ છે.

પેવમેન્ટ પાર્કિંગઃ હાલ લંડનમાં પેવમેન્ટ પર પાર્કિંગ કરવાનું ગેરકાયદે છે. તેને સમગ્ર દેશમાં લાગુ કરાય તેવા અહેવાલો છે. નિયમભંગ કરનારાને ૭૦ પાઉન્ડ સુધીનો દંડ થઈ શકશે.

કાર ટેક્સઃ વાહનચાલકોએ યુકેના માર્ગો પર વાહન ચલાવવા માટે વધુ રોડ ટેક્સ ભરવો પડશે. તમારી કાર કેટલો કાર્બન ડાયોક્સાઈડ પેદા કરે છે તેના પર કિંમતનો આધાર રહેશે. જે કાર શૂન્ય ગ્રામ પ્રતિ લિટર CO2 બહાર ફેંકશે તેમના માટે ટેક્સ શૂન્ય રહેશે પરંતુ, પેટ્રોલ, ડિઝલ અને કેટલીક હાઈબ્રીડ કાર (૧ ગ્રામથી ૫૦ ગ્રામ પ્રતિ કિલોમીટર)ના માલિકોએ ૧૦ પાઉન્ડ, ૫૧ ગ્રામથી ૭૫૦ ગ્રામ પ્રતિ કિલોમીટર એમિશન માટેના ૨૫ પાઉન્ડ પ્રથમ ૧૨ મહિના માટે ચૂકવવાના થશે.

બેનિફિટ ઈન કાઈન્ડ ફરી લાગુઃ ડ્રાઈવર્સે પોતાના વાહનના ઉપયોગ કરવા માટે વાર્ષિક ૩૯૦ પાઉન્ડ જેટલી રકમ ચૂકવવાની થશે. Benefit in Kind નિયમ ફરી લાગુ કરાવાથી આવકના દર અને વાહનના મૂલ્યના આધારે ૧ ટકાનો ચાર્જ ભરવાનો થશે જે, ૨૦૨૨માં વધીને ૨ ટકા થવાની શક્યતા છે.

ડ્રાઈવિંગ લેસન્સઃ ૧૨ એપ્રિલથી ડ્રાઈવિંગ લેસન્સનો ફરી આરંભ કરાશે અને પ્રેક્ટિકલ ડ્રાઈવિંગ ટેસ્ટ્સ વહેલામાં વહેલા ૨૨ એપ્રિલથી શરુ થઈ શકે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter