ત્રણમાંથી એક બ્રિટિશ બિઝનેસની કામગીરી વિદેશ ખસેડવા તૈયારી

ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડાયરેક્ટર્સ (IoD)ના ૧૨૦૦ સભ્યનો સર્વે ઃઆ કંપનીઓ માને છે કે બ્રેક્ઝિટથી તેમની યુકેની કામગીરી સામે જોખમ ઉભું થઈ શકે

Wednesday 06th February 2019 02:02 EST
 
 

લંડનઃ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડાયરેક્ટર્સ (IoD)નો તેના ૧૨૦૦ સભ્યનો સર્વે કહે છે કે નો-ડીલ અથવા હાર્ડ બ્રેક્ઝિીટની સંભાવના ધ્યાનમાં રાખી બ્રિટનની ઓછામાં ઓછી ૨૯ ટકા કંપની કે પેઢી પોતાની અંશતઃ કામગીરી વિદેશ ખસેડવાનું આયોજન કરી રહી છે અને કેટલાકે તો સ્થળાંતર કરી પણ દીધું છે. ૩૦,૦૦૦ બિઝનેસીસનું પ્રતિનિધિત્વ કરતી IoD દ્વારા ચેતવણી અપાઈ છે કે આ કંપનીઓ માને છે કે બ્રેક્ઝિટથી તેમની યુકેની કામગીરી સામે જોખમ ઉભું થઈ શકે છે.

પાર્લામેન્ટમાં મડાગાંઠનો ઉકેલ ન આવે તો નો-ડીલ બ્રેક્ઝિટની શક્યતા વધી જશે તે જોઈ ૧૦માંથી એક કંપનીએ તો યુકેની બહાર તેમની કામગીરી ખસેડી લીધી છે. મોટા ભાગની કંપનીઓ યુરોપિયન યુનિયનની બહાર પોતાની ઓફિસો ખોલવા વિચારી રહી છે. પાનાસોનિક અને સોની જેવી મોટી કંપનીઓએ તેમના યુરોપિયન હેડક્વાર્ટર્સ યુકેથી બહાર યુરોપમાં અન્યત્ર ખસેડી લીધાં છે, પરંતુ હવે નાની કંપનીઓ પણ આવી યોજના અમલમાં મૂકી રહી છે.

કંપની ડાયરેક્ટર્સ સર્વે અનુસાર ૧૧ ટકા કંપનીએ સ્થળાંતર પ્લાન અમલી બનાવી દીધા છે અને પાંચ ટકા બ્રેક્ઝિટ સંદર્ભે તેનું આયોજન કર્યું છે, જ્યારે વધુ ૧૩ ટકા કંપની યુકેમાંથી બહાર જવા સક્રિય વિચારણા કરી રહી છે. નિકાસ કરતી બે તૃતીઆંશ કંપનીઓ દ્વારા આ પગલું લેવાવાની વધુ શક્યતા છે. બ્રિટિશ ચેમ્બર ઓફ કોમર્સે પણ જણાવ્યું છે કે બ્રેક્ઝિટની ખરાબ અસરોનો સામનો કરવા હજારો પેઢીઓ તેમની કામગીરી વિદેશ ખસેડવા અથવા માલસામાનનો સંગ્રહ કરવા સજ્જ થઈ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter