લંડનઃ યુકેના નોર્ધમ્પટનશાયર ખાતે હર્ષિતા બ્રેલાની પતિ દ્વારા કરાયેલી હત્યા માટે દહેજની માગ જવાબદાર હોવાનો આરોપ મૂકાયો છે. હર્ષિતા બ્રેલાની મોટી બહેન સોનિયા બ્રેલાએ જણાવ્યું હતું કે, પંકજ લામ્બાના પરિવારે અમારી પાસે દહેજની માગ કરી હતી. અમે લગ્નપ્રસંગે સોનુ અને નાણા દહેજ પેટે આપ્યાં હતાં. તેમ છતાં વધુ દહેજની માગ થઇ રહી હતી. મને શંકા છે કે દહેજ માટે જ મારી બહેનની હત્યા કરવામાં આવી છે.
સોનિયા બ્રેલાએ જણાવ્યું હતું કે, 22 માર્ચ 2024ના રોજ મારી બહેનના લગ્ન પંકજ લામ્બા સાથે થયા હતા. તે સમયે અમે મોટા પ્રમાણમાં દહેજ આપ્યું હોવા છતાં પંકજ ખુશ નહોતો. તે અમારી પાસે વધુ દહેજની માગ કર્યા કરતો હતો.
તેમણે જણાવ્યું કે જ્યારે અમને હર્ષિતાના નિધનના સમાચાર મળ્યા ત્યારે અમે પંકજના પરિવાર સાથે વાત કરી હતી પરંતુ તેમને કોઇ પ્રકારની ચિંતા જ નહોતી. અમને એમ લાગી રહ્યું છે કે મારી બહેનની હત્યાની જાણ પંકજે તેના પરિવારને પહેલેથી કરી દીધી હતી.
હર્ષિતાએ જણાવ્યું હતું કે, હર્ષિતાએ 29 ઓગસ્ટના રોજ ઘરેલુ હિંસા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી તેમ છતાં પંકજના પરિવારના સભ્યો અમારા ઘરે આવ્યા હતા અને દહેજની માગ કરી હતી. મારા પિતાએ તેમને નાણા આપવા માટે કેટલીક સંપત્તિ વેચી દીધી હતી. અમે તેમને કહ્યું હતું કે અમે ફેબ્રુઆરી સુધીમાં તમને નાણા આપી શકીશું.
હર્ષિતા બ્રેલાની ગળુ દબાવીને હત્યા કરાઇ હતીઃ પોસ્ટમોર્ટમ રિપોર્ટ
લંડનના ઇલફોર્ડ ખાતે પત્ની હર્ષિતા બ્રેલાનો મૃતદેહ કારમાં છૂપાવીને ફરાર થઇ જનાર પતિ પંકજ લામ્બાએ તેનું ગળુ દબાવીને હત્યા કરી હતી તેમ પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું. પોલીસનું માનવું છે કે પંકજ લામ્બાએ હર્ષિતાની હત્યા કરી હતી અને ત્યારબાદ તેના મૃતદેહને નોર્ધમ્પટનશાયરના કોર્બીથી ઇસ્ટ લંડનના ઇલફોર્ડ ખાતે કારની ડેકીમાં મૂકીને લઇ આવ્યો હતો. ડિટેક્ટિવોનું માનવું છે કે હર્ષિતાનો મૃતદેહ મળ્યાના 4 દિવસ પહેલાં એટલે કે 10 નવેમ્બરના રોજ હત્યા કરાઇ હતી.
મુખ્ય શંકાસ્પદ પંકજ લામ્બા દેશ છોડીને ફરાર થઇ ગયો હોવાનું મનાય છે. હાલ તે ક્યાં છે તેની જાણકારી નથી. 13 નવેમ્બરના રોજ પોલીસ કર્મચારીઓ હર્ષિતાની ખબર અંતર જાણવા માટે કોર્બી સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતા પરંતુ તેમને હર્ષિતા ન મળતાં તેમણે લાપતા વ્યક્તિનો કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી.