લંડનઃ દેશમાં કાર્યરત જનરલ પ્રેકટિશનરોએ હડતાળ પાડીને એનએચએસની કામગીરી ખોરવી નાખવાની ધમકી ઉચ્ચારી છે. ઇંગ્લેન્ડમાં જીપી સેવાઓ માટેના નવા કોન્ટ્રાક્ટના મામલે હડતાળ પર જવું કે નહીં તે અંગે બ્રિટિશ મેડિકલ એસોસિએશન સમગ્ર ઇંગ્લેન્ડના ફેમિલી ડોક્ટરો મધ્યે મતદાન કરાવી રહ્યું છે. આ હડતાળ અંતર્ગત જીપી દિવસના ફક્ત 25 દર્દીઓને ચકાસશે, તેમને વિધિવત જે કામ ન સોંપાયું હોય તે કરવાનો ઇનકાર કરશે અને દર્દીના શ્રેષ્ઠ હિતમાં દવા પ્રિસ્ક્રાઇબ કરવા માટેના નિયંત્રણોની અવગણના કરશે.
દેશના એક અગ્રણી જીપીએ જણાવ્યું હતું કે, જીપીની હડતાળ એનએચએસની કામગીરી સ્થહિત કરી શકે છે. જો કે અમે દર્દીઓને બલિનો બકરો બનાવવા માગતા નથી પરંતુ અમારી હડતાળ એનએચએસ ઇંગ્લેન્ડ, આરોગ્ય વિભાગ અને સોશિયલ કેર વિભાગની સામે હશે.
જો ફેમિલી ડોક્ટરો હડતાળની તરફેણમાં મતદાન કરશે તો 1 ઓગસ્ટથી હડતાળનો પ્રારંભ થશે અને તે મહિનાઓ સુધી ચાલી શકે છે. દેશમાં 1964થી જીપી હડતાળ પર ગયાં નથી. તેના કારણે 1965માં ફેમિલી ડોક્ટર ચાર્ટર જેવા સુધારા કરાયાં હતાં.