લંડનઃ ક્રિસમસની શોપિંગ સીઝન મંદ રહેતાં બ્રિટનના મોટા રિટેલર્સે ચેતવણી આપી છે કે આ વર્ષે ઊંચા કરવેરા અને એમ્પ્લોયમેન્ટ કોસ્ટના કારણે હજારો નોકરીઓમાં કાપ મૂકવાની ફરજ પડશે. હાઇ સ્ટ્રીટ પર હવે વેપાર કરવો મુશ્કેલ બની રહ્યો છે. બ્રિટિશ રિટેલ કોન્સોર્ટિયમના આંકડા અનુસાર ઓક્ટોબરથી ડિસેમ્બરના ગોલ્ડન ક્વાર્ટરમાં વેચાણના આંકડામાં મોટો ઘટાડો થયો છે.
2023ની સરખામણીમાં વર્ષ 2024માં કુલ વેચાણમાં ફક્ત 0.7 ટકાનો જ વધારો થયો છે. જે દર્શાવે છે કે પરિવારો ખરીદી કરવામાં પાછી પાની કરી રહ્યાં છે. ઊંચી કિંમતો અને ફુગાવાના ઊંચા દરના કારણે વેચાણમાં ઘટાડો થયો છે.
બાર્કલેના રિપોર્ટ પ્રમાણે ડિસેમ્બરમાં કન્ઝ્યુમર કાર્ડ સ્પેન્ડિંગમાં કોઇ વૃદ્ધિ જોવા મળી નથી. પરિવારો હવે જીવનજરૂરિયાતની વસ્તુઓની ખરીદીમાં પણકાપ મૂકી રહ્યાં છે. પબ અને રેસ્ટોરન્ટમાં જવાનું પણ ટાળી રહ્યાં છે.
કોન્સોર્ટિયમના ચીફ એક્ઝિક્યુટિવ હેલેન ડિકિન્સને જણાવ્યું હતું કે, રિટેલર્સ સામે નવું વર્ષ નવા પડકારો લઇને આવશે. કરવેરામાં વૃદ્ધિને કારણે તેમણે 7 બિલિયન પાઉન્ડનો વધારાનો ખર્ચ વહન કરવો પડશે. બ્રિટિશ ઇકોનોમીમાં વ્યાપી રહેલી મંદીના સંકેતો વચ્ચે સ્ટાર્મર સરકાર પર પણ દબાણ વધી રહ્યું છે. 2024ના બીજા 6 માસિકમાં આર્થિક વૃદ્ધિ સ્થગિત થઇ ગઇ હતી.