નો ડીલ બ્રેક્ઝિટ માટે તૈયારીઃ વધુ £૧ બિલિયનની ફાળવણી થઈ

Wednesday 07th August 2019 02:48 EDT
 
 

લંડનઃ ચાન્સેલર સાજિદ જાવિદે નો-ડીલ બ્રેક્ઝિટ સ્થિતિનો સામનો કરવાના ભંડોળમાં વધુ એક બિલિયન પાઉન્ડની ફાળવણી જાહેર કરી છે. નવી યોજનાઓ હેઠળ સમજૂતી વિનાના બ્રેક્ઝિટમાં ૫૦૦ બોર્ડર ફોર્સ ગાર્ડ્સ, દવાઓનો સંગ્રહ અને બિઝનેસીસને સહાય સહિત બાબતો પાછળનો ખર્ચ વધીને ૬.૩ બિલિયન પાઉન્ડ થશે. સરકારી વર્તુળોના જણાવ્યા અનુસાર જો ઈયુ સાથે સમજૂતી કરાશે તો પણ આ પ્રકારના આયોજનની આવશ્યકતા રહેશે. જોકે, ટીકાકારો આ પ્રકારના ખર્ચા માટે ઘણો ઓછો સમય રહ્યો હોવાનું જણાવી રહ્યા છે.

બ્રિટનને સમયસર ઈયુમાંથી બહાર લાવવાના સરકારના નિર્ધારના સંકેત તરીકે ચાન્સેલર જાવિદે સીમા પર અંકુશ વધારવા સહિત તાકીદની તૈયારીઓ માટેના ભંડોળ તરીકે ૨.૧ બિલિયન પાઉન્ડ રીલિઝ કરવાને મંજૂરી આપી છે. નો ડીલ પાછળ કુલ ૬.૩ બિલિયન પાઉન્ડ ખર્ચ મંજૂર કરાયો છે. સરકારની યોજના હેઠળ આ વર્ષમાં ૫૦૦ બોર્ડર ફોર્સ ગાર્ડ્સ, દવાઓનાં સંગ્રહ માટે વધુ ગોદામ, કેન્ટમાં વધારાના લોરી પાર્કિંગની વ્યવસ્થા, પાસપોર્ટ ઓફિસની ક્ષમતા વધારવા, બિઝનેસીસને તૈયારી માટે ૧૦૮ મિલિયન પાઉન્ડ, પ્રચાર અભિયાન માટે ૧૩૮ મિલિયન પાઉન્ડ તેમજ છેલ્લી ઘડીની તાકીદની પરિસ્થિતિઓ માટે એક બિલિયન પાઉન્ડના ખર્ચનો સમાવેશ થાય છે.

ચાન્સેલર જાવિદનો અભિગમ તેમના પુરોગામી ફિલિપ હેમન્ડથી તદ્દન અલગ છે, જેઓ મહત્ત્વના પ્રોજેક્ટ્સ માટે નાણા ફાળવવા માટે ધીમા હોવાની ટીકાઓ થઈ હતી. જાવિદે કહ્યું હતું કે, ‘બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળે તેના ગણતરીના દિવસો બાકી છે ત્યારે તૈયારીના આપણા આયોજનો ઝડપી બનાવવાનું મહત્ત્વનું છે. જો લોકશાહીવિરોધી બેકસ્ટોપ રદ કરતી સમજૂતી ન થઈ શકે તો સમજૂતી વિના જ બહાર નીકળીશું. આ ૨.૧ બિલિયન પાઉન્ડ આપણે સમજૂતી સાથે કે સમજૂતી વિના, ૩૧ ઓક્ટોબરે બહાર નીકળવા સજ્જ છીએ તેની ચોકસાઈ માટે છે.’


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter