પેપર બેન્કનોટ્સ બદલાવવા દોડધામ

30 સપ્ટેમ્બરથી બંધ થનારી £20 અને £50ની જૂની નોટ્સ

Wednesday 21st September 2022 06:33 EDT
 

લંડનઃ યુકેમાં 20 અને 50 પાઉન્ડની પેપર ચલણી નોટ્સ 30 સપ્ટેમ્બરથી બંધ થઈ રહી છે ત્યારે લોકોએ જૂની નોટ્સના બદલે નવી પોલિમેર બેન્કનોટ્સ મેળવવા બેન્ક ઓફ ઈંગ્લેન્ડ ખાતે લાઈનો લગાવી છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડના સિટી ઓફ લંડનસ્થિત થ્રેડનીડલ સ્ટ્રીટના વડામથકે નોટ્સ બદલાવવા લાંબી લાઈનો લાગશે તેવી ચેતવણી પણ લોકોને આપેલી છે.

જૂની ચલણી નોટ્સ બેન્કમાં રૂબરુ બદલાવવા માટે કોઈ સમયમર્યાદા રખાઈ નથી પરંતુ, આ નોટ્સ શોપ્સ અને ધંધાના સ્થળોએ સ્વીકારાશે નહિ તે હકીકતથી તેને બદલાવવા લાઈનો લાગી રહી છે. ભારે માંગના કારણે ગ્રાહકોએ હાલમાં એક કલાકથી વધુ સમય રાહ જોવી પડે તેમ હોવાનું પણ બેન્કની વેબસાઈટ પર જણાવાયું છે. વેબસાઈટ અનુસાર જે કાઉન્ટર પર નોટ્સ બદલાવી શકાય તે સવારના 9.30થી બપોરના 3 વાગ્યા સુધી જ ખુલ્લું રહે છે. આથી, બપોરના 2 વાગ્યા પછી આવનાર ગ્રાહકોને સેવા પૂરી પાડી શકાતી નથી.

બેન્ક ઓફ ઈંગ્લેન્ડના જણાવ્યા મુજબ જે લોકોને પેપર મનીનો તત્કાળ ઉપયોગ કરવાનો ન હોય તેઓઔ જૂની બેન્કનોટ્સ પોસ્ટ મારફત તેની ઓફિસો પર મોકલાવી શકે છે. યુકેની બહાર રહેતા લોકો સહિત જૂની બેન્કનોટ્સ ધરાવનારા લોકોએ બેન્કને સોશિયલ મીડિયા પર પ્રશ્ન કર્યો હતો કે તેમની પાસે કિંમત વિનાનું ચલણ પડી રહેશે કે કેમ. આની સામે બેન્કે ટ્વીટર પર જણાવ્યું હતું કે બેન્ક ઓફ ઈંગ્લેન્ડની તમામ સાચી નોટ્સ જે ચલણમાંથી પાછી ખેંચાઈ છે કે ટુંક સમયમાં પાછી ખેંચાનાર છે તે તમામની ફેસ વેલ્યુ યથાવત રહે છે અને લંડનમાં બેન્ક ઓફ ઈંગ્લેન્ડમાં તે બદલાવી શકાશે.

બેન્ક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા 2016માં પોલિમેર બેન્કનોટ્સ દાખલ કરાઈ હતી એને તે સાથે બ્રિટનમાં 320 વર્ષના પેપર મનીના સામ્રાજ્યનો અંત આવ્યો હતો. સૌપહેલા સર વિન્સ્ટન ચર્ચિલને દર્શાવતી 5 પાઉન્ડની નોટ બદલાઈ હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter