પોઈન્ટ્સ આધારિત ઈમિગ્રેશન બિલ કોમન્સના પ્રથમ તબક્કામાં પસાર

Thursday 21st May 2020 11:53 EDT
 
 

લંડનઃ યુકેના વિવાદાસ્પદ પોઈન્ટ્સ આધારિત ઈમિગ્રેશન માટેના  બિલ ૧૮મે સોમવારે કોમન્સના પ્રથમ તબક્કામાં ૩૫૧ વિરુદ્ધ ૨૫૧ મત એટલે ૯૯ મતની બહુમતીથી પસાર કરી દેવાયું છે. હવે તે વધુ સંસદીય ચકાસણીમાંથી પસાર કરાશે. જો સમયાંતરે તેને શાહિ સંમતિ મળશે તો ૨૦૧૬ના રેફરન્ડમ દરમિયાન અપાયેલા વચનો અનુસાર ઈયુમાંથી મુક્ત અવરજવરના નિયમોને નાબૂદ કરશે. ભવિષ્યમાં બ્રિટનમાં કોણ આવી શકશે અને કોણ નહિ તે સમજાવતા માળખાની વિગતવાર જાહેરાત થવાની બાકી છે. ધ ઈમિગ્રેશન એન્ડ સોશિયલ સિક્યુરિટી કો-ઓર્ડિનેશન (ઈયુ વિથ્ડ્રોઅલ) બિલ ૨૦૨૦ પાંચ માર્ચે દાખલ કરાયું હતું.

કોમન્સમાં બીજા વાચનની ચર્ચામાં હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે, ‘આ બિલ ભવિષ્યની મોટી ભૂમિકા ભજવશે, તે મુક્ત અવરજવરનો અંત લાવશે અને નવી પોઈન્ટ્સ આધારિત ઈમિગ્રેશન સિસ્ટમ માટે માર્ગ મોકળો કરશે. કોરોના વાઈરસ કટોકટી પછી દેશને રીકવરીના તબક્કામાં આગળ વધારવા આપણે જરુર છે તેવા લોકોને મજબૂત, ન્યાયી અને સરળ સિસ્ટમ આકર્ષશે અને ઊંચા વેતનો, ઊચ્ચ કૌશલ્ય અને ઉત્પાદક અર્થતંત્રનો પાયો નાખશે.’ તેમણે ફાસ્ટ ટ્રેક NHS વિઝા વિશે જણાવ્યું હતું કે તેનાથી મેડિકલ પ્રોફેશનલ્સને હેલ્થ સર્વિસમાં કામ કરવાનું સરળ અને ઝડપી બનશે.

લેબર પાર્ટીએ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયન સ્ટાઈલની ઈમિગ્રેશન સિસ્ટમ કોરોના મહામારીમાં જીવનને જોખમમાં મૂકનારા ચાવીરુપ વર્કર્સને નુકસાન કરશે. કોવિડ-૧૯ મહામારીએ ‘અકુશળ’ ગણાવાયેલા લોકો તરફનો અભિગમ બદલી નાખ્યો હોવાના દાવાઓ વચ્ચે કેટલાક વરિષ્ઠ ટોરી સાંસદોએ જણાવ્યું હતું કે ૩૧ ડિસેમ્બર પહેલા નિયમો પસાર કરાવવાની ઉતાવળ અરાજકતા સર્જી શકે છે. પૂર્વ ટોરી ઈમિગ્રેશન મિનિસ્ટર કેરોલીન નોક્સે મુક્ત અવરજવરની તરફેણ સાથે કેર વર્કર્સના વિઝા લંબાવવા જોઈએ તેમ પણ જણાવ્યું હતું. બોરિસ જ્હોન્સન અને માઈકલ ગોવ દ્વારા ૨૦૧૬ના રેફરન્ડમ દરમિયાન ઓસ્ટ્રેલિયન સ્ટાઈલની પોઈન્ટ્સ આધારિત સિસ્ટમની રુપરેખા જાહેર કરાઈ હતી. સરકારે નવી સિસ્ટમ માટે ચોક્કસ ધોરણસરનું અંગ્રેજી બોલવાની કુશળતા, માન્ય એમ્પ્લોયર પાસેથી નોકરીની ઓફર તેમજ ૨૫,૬૦૦ પાઉન્ડના વેતનની મર્યાદા માટે પોઈન્ટ્સ આપવાની દરખાસ્તો કરેલી છે અને ઈમિગ્રેશન નિયમોમાં તેની વર્ષના અંત ભાગમાં જાહેરાત થઈ શકે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter