લંડન
વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, જાન્યુઆરી મહિનામાં અર્થતંત્રમાં અપેક્ષા કરતાં વધુ વૃદ્ધિ દર્શાવે છે કે આત્મવિશ્વાસ પાછો ફરી રહ્યો છે. તાજેતરમાં જારી કરાયેલા આંકડા દર્શાવે છે કે સરકાર સાચી દિશામાં કામ કરી રહી છે અને સરકારે તેની નીતિઓને વળગી રહેવાની જરૂર છે.
માંદગીના બિછાને પડેલા યુકેના અર્થતંત્રમાં નવી શક્તિનો સંચાર થયો છે. ક્રિસમસ પહેલાં અર્થતંત્રમાં નોંધાયેલી પીછેહઠ બાદ નવા વર્ષમાં જાન્યુઆરી માસમાં યુકેના જીડીપીમાં 0.3 ટકાનો વધારો થયો છે. સર્વિસ સેક્ટરમાં આવેલી તેજીના પગલે અર્થતંત્રને રાહત મળી છે. આગામી બજેટ પહેલાં અર્થતંત્રના આરોગ્ય અંગેની સમીક્ષા કરતાં ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સે જણાવ્યું હતું કે, એજ્યુકેશન, હેલ્થ અને રિક્રિએશન સેક્ટરોમાં પ્રવૃત્તિઓના પુનઃસંચારના કારણે અર્થતંત્રમાં વેગ જોવા મળી રહ્યો છે. મેન્સ ફૂટબોલ વર્લ્ડકપ બાદ પ્રિમિયર લીગના પ્રારંભે પણ અર્થતંત્રને નવો વેગ મળ્યો હતો. એનએચએસમાં લાંબા વેઇટિંગ લિસ્ટના કારણે લોકો સારવાર માટે પ્રાઇવેટ જીપી અને હેલ્થ સર્વિસ તરફ વળતાં આ સેવાઓએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે.
આર્થિક નિષ્ણાતોનો અંદાજ હતો કે જાન્યુઆરીમાં જીડીપીમાં 0.1 ટકાનો વધારો થઇ શકે છે. ડિસેમ્બર 2022માં જીડીપીમાં 0.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે તેમનું માનવું છે કે યુકેનું અર્થતંત્ર અન્ય જી-7 દેશોની સરખામણીમાં હજુ ઘણું પાછળ છે અને 2023ના પ્રથમ 6 મહિનામાં મંદીનું જોખમ હજુ રહેલું છે. અર્થતંત્રમાં કોરોના મહામારી પહેલાંના સ્તર કરતાં 0.2 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
યુકેના અગ્રણી અર્થશાસ્ત્રી યાએલ સેલ્ફિને જણાવ્યું હતું કે, જથ્થાબંધ વીજળીની ઓછી કિંમત અર્થતંત્રને વધુ વેગ આપશે પરંતુ ગ્રાહકો દ્વારા થતો ખર્ચ નબળો રહેવાના કારણે આગામી છ મહિનામાં મંદીને ખાળવા માટે આ પુરતું નથી. મોટાભાગના સમીક્ષકો હળવી મંદીનો અંદાજ માંડી રહ્યાં છે.
ઓએનએસના ડિરેક્ટર ડેરેન મોર્ગને જણાવ્યું હતું કે, શાળાઓમાં વિદ્યાર્થીઓની વધેલી હાજરી, પ્રિમિયર લીગ ક્લબોમાં નવા સંચાર અને પ્રાઇવેટ હેલ્થ પ્રોવાઇડર્સના કારણે જાન્યુઆરીમાં અર્થતંત્રમાં વેગ જોવા મળ્યો હતો.