બર્મિંગહામથી અમૃતસરની એર ઈન્ડિયાની સીધી ફ્લાઈટ શરુ કરાશે

Wednesday 29th November 2017 07:46 EST
 
 

બર્મિંગહામઃ એર ઈન્ડિયાએ નવા વર્ષથી સપ્તાહમાં બે વખત બર્મિંગહામ એરપોર્ટથી અમૃતસરની ડાયરેક્ટ ફ્લાઈટ શરુ કરવાની જાહેરાત કરી છે. ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ ફોર બ્રિટિશ શીખ્સની અધ્યક્ષા અને બર્મિંગહામ એજબાસ્ટનના લેબર સાંસદ પ્રીત કૌર ગિલે ડાઈરેક્ટ ફ્લાઈટને સમર્થન આપ્યું હતું. બર્મિંગહામ એરપોર્ટથી દિલ્હી સુધીની રોજ સીધી ફ્લાઈટ જાય છે પરંતુ, અમૃતસરની સીધી ફ્લાઈટ શીખોમાં ભારે લોકપ્રિય બની રહેશે.

સાંસદ પ્રીત કૌર ગિલે અમૃતસર ફ્લાઈટને વાસ્તવિક બનાવવામાં મદદગાર નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સેક્રેટરી રાજીવ નારાયણ ચોબેની તાજેતરમાં મુલાકાત લીધી હતી. પ્રીત કૌર ગિલ સેન્ડવેલના કાઉન્સિલર હતાં ત્યારથી આ સીધી ફ્લાઈટ માટેના અભિયાનમાં જોડાયેલાં હતાં. બર્મિંગહામ એરપોર્ટ આ રુટ પર નોન-સ્ટોપ સર્વિસીસ આપનાર યુકેનું એકમાત્ર એરપોર્ટ બની રહેશે.

વેસ્ટ મિડલેન્ડ્સના કન્ઝર્વેટિવ મેયર એન્ડી સ્ટ્રીટે આ સેવાની જાહેરાતને આવકારી હતી. એર ઈન્ડિયા કોમર્શિયલ ડાયરેક્ટર પંકજ શ્રીવાસ્તવે કહ્યું હતું કે અમૃતસર માટે સીધી ફ્લાઈટની મિડલેન્ડ્સના લોકોની માગણીને ધ્યાનમાં રાખી શરુ કરાઈ છે. આ બે શહેરો વચ્ચે હવાઈ સંપર્ક સાધવાનો એર ઈન્ડિયાને આનંદ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter