બેન્કો લંડન છોડી ફ્રેન્કફર્ટ જાય તો £૭૦૦ બિલિયનનું નુકસાન

Monday 03rd December 2018 06:40 EST
 
 

લંડનઃ બ્રેક્ઝિટનો અમલ માર્ચ ૨૦૧૯થી થઈ રહ્યો છે ત્યારે મોટા ભાગની બેન્કો લંડન છોડી મુખ્ય નાણાકીય પ્રતિસ્પર્ધી ફ્રેન્કફર્ટમાં પોતાનું વડુ મથક સ્થાપે તેનાથી લંડનને ૭૦૦ બિલિયન પાઉન્ડનું નુકસાન જવાની સંભાવના છે. લોબી ગ્રૂપ ફ્રેન્કફર્ટ મેઈન ફાઈનાન્સના જણાવ્યા અનુસાર ઓછામાં ઓછી ૩૦ બેન્ક અને નાણાકીય સંસ્થાઓ તેમના ઈયુ હેડક્વાર્ટર્સ જર્મનીના આર્થિક મહાનગર ફ્રેન્કફર્ટમાં ખસેડી શકે છે.

બ્રેક્ઝિટના કારણે લોઈડ્સ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ અને ક્રેડિટ સ્યૂઈસ સહિતની બેન્કો ફ્રેન્કફર્ટમાં ઓફિસો ખોલવાનું આયોજન કરી રહી છે. અન્ય બેન્કો પણ અનેક શહેરોમાં પોતાની કામગીરી લઈ જઈ શકે છે. આગામી આઠ વર્ષમાં આશરે ૧૦,૦૦૦ નોકરી જર્મનીના પાંચમા ક્રમના શહેર ફ્રેન્કફર્ટમાં જઈ શકે છે.

ફ્રેન્કફર્ટ મેઈન ફાઈનાન્સના મેનેજિંગ ડાયરેક્ટર હબર્ટ્સ વાથે જણાવ્યું હતું કે, ‘નાણાકીય સંસ્થાઓ બ્રેક્ઝિટ આવવા વિશે સ્પષ્ટ જ છે. બ્રિટિશ પાર્લામેન્ટમાં બહુમતીની અચોકક્સતાના લીધે સમજૂતી વિનાના હાર્ડ બ્રેક્ઝિટની શક્યતા પણ નકારી શકાતી નથી. બીજી તરફ, યુકે પણ ઈયુમાં જ રહેશે તેને પણ સંપૂર્ણપણે નકારી શકાય નહિ. આથી, નાણાકીય સંસ્થાઓ પોતાનું આયોજન ગોઠવી રહી છે.’ બ્રેક્ઝિટ રેફરન્ડમ પછી તરત જ ૧૦,૦૦૦ જેટલી નોકરી ફ્રેન્કફર્ટમાં આવશે તેવી આગાહીને આ લોબી ગ્રૂપ વળગી રહ્યું છે. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter