લંડનઃ બ્રિટનમાં લગ્ન વિના જ સાથે રહેતા યુગલોની સંખ્યામાં મોટો વધારો થઇ રહ્યો છે. બ્રિટનમાં હવે લગ્ન વિના જ પરિવારનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. બ્રિટનમાં અંદાજિત કુલ 36 લાખ પરિવાર છે જેમાંથી 19 ટકા લગ્ન વિના જ સાથે રહેતા યુગલોના પરિવાર છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના જણાવ્યા અનુસાર છેલ્લા 10 વર્ષમાં આ પ્રકારના પરિવારોમાં 75 ટકાનો વધારો નોંધાયો છે.
નિષ્ણાતો આ માટે નિષ્ફળ જતા લગ્નજીવનોના વધતા દર, આર્થિક દબાણ અને લગ્ન વિનાના સંબંધોમાં કોઇ પ્રકારની સામાજિક જવાબદારી ન હોવાના કારણે યુવાઓ હવે લગ્ન કરવાનું ટાળી રહ્યાં છે.
હોલ બ્રાઇન ફેમિલી લોના મેનેજિંગ પાર્ટનર જેમ્સ બ્રાઉન કહે છે કે ઘણા વ્યક્તિ ભવ્ય લગ્ન કરવામાં માને છે. જોકે મેરેજ ફાઉન્ડેશનન હેરી બેન્સન કહે છે કે લગ્નના વધતા જતા ખર્ચ પણ આ માટે જવાબદાર છે. ઘણા યુવા કહે છે કે અમે લગ્નમાં ખોટા ખર્ચ કરવાના બદલે અમારા નાણા મકાન ભાડા અથવા તો બચત કરવામાં વાપરીશું. પાર્ટીઓ પાછળ ખર્ચ કરવાનો કોઇ અર્થ નથી.
ઓએનએસના આંકડા પ્રમાણે ગયા વર્ષે આ પ્રકારના પરિવારમાં 10 લાખનો વધારો થયો હતો. હાલ બ્રિટનમાં લગ્ન વિના જ સાથે રહેતા યુગલોના પરિવારની સંખ્યા 19.4 મિલિયન પર પહોંચી છે જે 2012માં 18.4 મિલિયન હતી.