બ્રિટનમાં લોકડાઉન ૧ જૂન સુધી લંબાવ્યું, પરંતુ છૂટછાટો ઘણી આપી

Tuesday 12th May 2020 16:37 EDT
 
 

લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કોરોના મહામારી સામે લડવામાં લોકડાઉનને વધુ મહત્ત્વ આપ્યું છે અને આંશિક છૂટછાટો સાથે પહેલી જૂન સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી છે. વિશ્વમાં કોરોના વાઇરસથી સૌથી પ્રભાવિત દેશોમાં ત્રીજા ક્રમે રહેલા યુકેમાં અત્યાર સુધીમાં ૩૧ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ૨૧૯,૦૦૦થી વધુ લોકો સંક્રમિત છે. આ સંજોગોમાં તેમણે કોવિડ-૧૯ના કેસમાં વધારાનું જોખમ લીધા વિના દેશને ધીમી ગતિએ સામાન્ય પરિસ્થિતિ તરફ લઈ જવા ત્રણ પગલાંના અભિગમની રૂપરેખા જાહેર કરી છે.
વડા પ્રધાન જ્હોન્સને કહ્યું હતું કે લોકડાઉનને સરળ બનાવવા માટે સરકાર કેટલીક યોજનાઓ પર કામ કરી રહી છે. આ સમય લોકડાઉનના અંતનો નહિ, પરંતુ ઉપાયો શોધવાનો છે. નવા લોકડાઉનમાં શક્ય હોય ત્યાં સુધી ઘરમાં રહી કામ કરવા, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ ટાળવા પર ભાર મૂકાયો છે. સૌથી નોંધનીય બાબત એ રહી છે કે તેમણે સ્ટે હોમના બદલે સ્ટે એલર્ટનું સૂત્ર જારી કર્યું છે.

કેટલાક નિયંત્રણ હળવા થયા

નર્સરીઝ અને કેટલીક પ્રાઈમરી શાળાઓને સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોના પાલનની ખાતરીના આધારે જૂન મહિનાથી ખોલવામાં આવશે, પરંતુ સેકન્ડરી સ્કૂલ્સ સપ્ટેમ્બર મહિના સુધી કાર્યરત થવાના અણસાર નથી. કેટલીક દુકાનો ખુલી શકે છે, પરંતુ રેસ્ટોરાં, બાર, કાફેઝ ક્યારે ખુલશે તે નિશ્ચિત નથી.

લોકોને કસરતો અને સૂર્યસ્નાન માટે સ્થાનિક પાર્ક્સમાં જવાની છૂટ અપાઈ છે. અંગત મિત્રો અને વ્યક્તિઓને ઘરની બહાર મળવાની પણ છૂટ છે. મહત્ત્વની બાબત એ છે કે સર્જિકલ અથવા મેડિકલ માસ્ક પહેરવાની જરૂર નથી, પરંતુ ચહેરા પર આવરણ કે સ્કાર્ફ સાથે શોપિંગ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપરાંત, સામાજિક અંતર જાળવી ન શકાય તેવાં બંધિયાર સ્થળોએ જઈ શકાશે. શારીરિક અંતર જાળવવાના નિયમોના ભંગ બદલ દંડમાં પણ વધારો કરાયો છે.

પાંચ-સ્તરીય એલર્ટ સિસ્ટમ

વડા પ્રધાને એક પાંચ-સ્તરીય એલર્ટ સિસ્ટમ રાખી છે જેની મદદથી સરકાર વૈજ્ઞાનિક ડેટાઓનો ઉપયોગ કરીને વાયરસના પ્રસાર-દરને મોનિટર અને ટ્રેક કરી શકે અને તેને ‘R’ દર એવું નામ આપવામાં આવ્યું છે. એલર્ટ સિસ્ટમના લેવલ અંગે જણાવતા તેમણે કહ્યું કે, ‘લેવલ-૧નો અર્થ એ થાય હવે બ્રિટનમાં બીમારી રહી નથી જ્યારે લેવલ-૫ સૌથી ગંભીર છે. લોકડાઉન દરમિયાન આપણે લેવલ-૪માં રહ્યા હતા અને હવે આપણે લેવલ-૩માં કદમ માંડવાની સ્થિતિમાં છીએ.’ જ્હોન્સને જણાવ્યું હતું કે, જે લોકો ઘરેથી કામ નથી કરી શકે તેમ ન હોય તેમને સોમવારથી ઓફિસ જવાની છૂટ મળશે.લોકો બુધવારથી વ્યાયામ અને રમતને લગતી ગતિવિધિઓ માટે બહાર જઈ શકશે, પરંતુ તેના માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે જરૂરી છે. તેમણે સ્થાનિક પાર્કમાં સુર્યસ્નાન કરવાની, ડ્રાઈવ કરીને કસરતો માટે બીજા સ્થળે જવાની અને ઘરના સદસ્યો સાથે એન્ગલિંગ, તળાવ-સરોવર કે નદીઓમાં સ્વિમિંગ, ટેનિસ અને ગોલ્ફ જેવી કેટલીક રમત રમવાની છૂટછાટ પણ આપી હતી.

સાયકલિંગ માટે પહેલ

ઉલ્લેખનીય છે કે બોરિસ સરકારે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન માટે નવી સાયકલિંગ પહેલ કરી છે. સરકાર સાયકલથી અવરજવર કરવાના અભિયાનને પ્રોત્સાહન આપશે. આ માટે બે બિલિયન પાઉન્ડનું બજેટ મંજૂર કર્યું છે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે જણાવ્યું છે કે તેનાથી પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમને મદદ મળશે, ભીડ પણ ઓછી થશે અને લોકોને શારીરિક લાભ પણ થશે.

લોકડાઉનમાં આંશિક છૂટછાટ વિશે જાણો...

• બે વર્ષથી ઓછી વયના બાળકો માટે ચહેરાના આવરણ લગાવવાના નથી. જોકે, મોટા બાળકો માટે તે જરૂરી છે.

• ગાર્ડન પબ્લિક સ્પેસ તરીકે ગણાતા ન હોવાથી મિત્રો કે સંબંધીઓને ત્યાં મળી શકાશે નહિ.
• વ્યાયામ માટે બહાર જઈ શકાશે, પરંતુ પ્લેગ્રાઉન્ડ, આઉટડોર જિમ્સ કે ટિકિટવાળા સ્થળોને મંજૂરી નથી. તમારા ઘરના સભ્યો કે બહારની એક વ્યક્તિ સાથે જ કેટલીક રમતોની છૂટ અપાઈ છે.
• અન્ન ઉત્પાદન, બાંધકામ, મેન્યુફેક્ચરિંગ અને લેબોરેટરીમાં સાયન્ટિફિક રિસર્ચ જેવા સેક્ટર ખુલ્લા કરી શકાશે.
• હોસ્પિટાલિટી અને બિનઆવશ્યક રીટેઈલ બંધ રહેશે.

• જો ચેપદર ઓછો રહેશે તો જૂન મહિનાથી પ્રાઈમરીઝ ખુલી શકે છે. પહેલા અને છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓ, સેકન્ડરીઝ પણ ખુલી શકે છે.

• શાળાઓ ખુલે તો બાળકોને કોરોનાના ભયે શાળાએ ન મોકલનાર પેરન્ટ્સને કોઈ દંડ નહિ કરાય.

• બાળકો માટેના પ્લેગ્રાઉન્ડ્સ હાલ બંધ જ રહેશે.

• મહત્ત્વના વર્કર્સ સહિત તમામે શક્ય હોય ત્યાં સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટને ટાળવું જોઈશે. ચાલતા, સાયકલ કે કારથી કામે જઈ શકે છે.

• ટ્રેન કે બસમાં જઈ શકાય, પરંતુ ચહેરા પર આવરણ સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોનું પાલન ફરજિયાત રહેશે.

• યુકેમાં હવાઈમાર્ગે આવતા તમામ લોકોને ૧૪ દિવસ ક્વોરેન્ટાઈન કરાશે.

• બિનઆવશ્યક રીટેઈલ ઓછા ચેપદર અને સોશિયલ ડિસ્ટન્સિંગના આધારે ૧ જૂનથી ખુલી શકે છે.

• લગ્નોની નાની પાર્ટીઝ માટે આ વર્ષના પાછળના સમયે છૂટ મળી શકે છે.

• હેર ડ્રેસર્સ અને બ્યૂટી સલૂન જેવી અંગત સેવા માટે લોકોએ ત્રીજા તબક્કા સુધી રાહ જોવી પડશે, જે ચોથી જુલાઈ અગાઉ શક્ય નહિ બને.

• પબ્સ, ક્લબ્સ, સિનેમા અને એકોમોડેશન્સ સૌથી છેલ્લે ખોલાશે.

• ચર્ચ સહિતના ધાર્મિક સ્થળો નજીકના ભવિષ્યમાં નહિ ખોલાય.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter