બ્રિટનમાં ૫૦ ધનવાનોએ સૌથી વધુ ટેક્સ ભર્યો

Wednesday 29th January 2020 06:18 EST
 
 

લંડનઃ બ્રિટનમાં ગત વર્ષે રેવન્યુ અને કસ્ટ્મ્સને સોથી વધુ કુલ ૨.૫ બિલિયન પાઉન્ડ ટેક્સ ચૂકવનારા ૫૦ ધનવાન વ્યક્તિઓ અને પરિવારમાં હેરી પોટરની વિશ્વપ્રસિદ્ધ લેખિકા જેકે રોલિંગ્સ, વેક્યુમ ક્લીનર માંધાતા સર જેમ્સ ડાયસન, સ્પોર્ટસવેર બોસ સ્ટીફન રુબિન અને Bet365ના સ્થાપક ડેનીસ કોટ્સનો સમાવેશ થાય છે અને તેમની ચુકવણી ફેસબૂકે ચૂકવેલી રકમ કરતાં પણ વધુ છે.

સન્ડે ટાઈમ્સ ટેક્સ લિસ્ટ અનુસાર Bet365 ગેમ્બલિંગ સામ્રાજ્યના સ્થાપક અને જોઈન્ટ ચીફ એક્ઝિક્યુટિવ ડેનીસ કોટ્સ ૨૭૬ મિલિયન પાઉન્ડ ટેક્સ ચૂકવવા સાથે પ્રથમ ક્રમે છે જ્યારે, અગાઉના વર્ષે ૧૮૧.૬ મિલિયન પાઉન્ડના ટેક્સ બિલ સાથે પ્રથમ રહેલા સ્પોર્ટસવેર બોસ સ્ટીફન રુબિન આ વખતે ૧૪૩.૯ મિલિયન પાઉન્ડની ચૂકવણી સાથે બીજા ક્રમે છે. ફાઈનાન્સ ક્ષેત્રના લિઓની શ્રોડર અને પરિવારે ત્રીજા ક્રમે ૧૧૬.૮ મિલિયન પાઉન્ડનો ટેક્સ ચૂકવ્યો હતો. સર જેમ્સ અને પરિવારે ચોથા ક્રમે રહી ૧૦૩ મિલિયન પાઉન્ડ ટેક્સ ચૂકવ્યો છે જ્યારે લેખિકા રોલિંગ્સ ૪૮.૬ મિલિયન પાઉન્ડની ટેક્સ ચૂકવણી સાથે ૧૯મા ક્રમે છે. ફૂડ ક્ષેત્રમાં મૂળ ભારતીય રણજિત અને બલજિન્દર બોપારાન અને પરિવાર ૫૩ મિલિયન પાઉન્ડની ચૂકવણી સાથે ૧૫મા ક્રમે છે.

ટેક્સ લિસ્ટના સંપાદક રોબર્ટ વોટ્સે જણાવ્યું હતું કે સામાન્ય રીતે ધનવાનોને ટેક્સ ટાળનારા લોકો ગણવામાં આવે છે પરંતુ, આ ટેક્સ લિસ્ટમાં જે લોકોએ યુકેના જાહેર ફાઈનાન્સમાં દર વર્ષે લાખો પાઉન્ડનું યોગદાન આપ્યું છે. જો સુપર રિચ લોકો હિજરત કરી જાય તો જાહેર સેવાઓમાં ખાઈ વધી જાય અથવા લોકોએ વધુ ટેક્સ ભરવા તૈયાર રહેવું પડે. ટેક્સ લિસ્ટમાં કોર્પોરેશન ટેક્સ, ડિવિડન્ડ ટેક્સ. કેપિટલ ગેઈન્સ ટેક્સ, ઈન્કમ ટેક્સ અને પેરોલ ટેક્સનો સમાવેશ કરાયો છે.

ટેક્સ લિસ્ટમાં જંગી ટેક્સ ચૂકવનારા પ્રથમ ૧૦ ક્રમમાં ગેમ્બલિંગ સામ્રાજ્યના સ્થાપક ડેનીસ કોટ્સ અને પરિવાર (£૨૭૬ મિલિયન), સ્પોર્ટસવેર બોસ સ્ટીફન રુબિન (£૧૪૩.૯ મિલિ.), ફાઈનાન્સ ક્ષેત્રના લિઓની શ્રોડર અને પરિવાર (£૧૧૬.૮ મિલિ.), ઘરેલુ સરસામાન અને ટેકનોલોજી ક્ષેત્રના સર જેમ્સ ડાયસન અને પરિવાર (£૧૦૩ મિલિ.), ઓઈલ, ગેસ અને વાઈન ક્ષેત્રના કેરી અને ફ્રાન્કોઈસ પેરોડો અને પરિવાર (£૧૦૧.૩ મિલિ.), રીટેઈલિંગ ક્ષેત્રના ધ વોટસન પરિવાર (£૮૫ મિલિ.), ક્વીન કરતાં પણ વધુ જમીનના માલિક અને પ્રોપર્ટી ક્ષેત્રના માંધાતા ધ ડ્યૂક ઓફ વેસ્ટમિન્સ્ટર હ્યૂજ ગ્રોવનર (£૬૯.૩ મિલિ.), ડિસ્કાઉન્ટ સ્ટોર્સના ટોમ મોરિસ અને પરિવાર (£૬૭.૪ મિલિ.), હેજ ફંડના માંધાતા સર ક્રિસ હોન (£૫૮.૧ મિલિ.) અને બાંધકામ સામગ્રી ક્ષેત્રના લોર્ડ બામ્ફોર્ડ અને પરિવાર (£૫૮ મિલિ.)નો સમાવેશ થાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter