લંડનઃ દાયકાઓથી બ્રિટિશ સગીરાઓનું શોષણ કરતી પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગ્સનો વિવાદ ફરી એકવાર ઉગ્ર બન્યો છે. યુકેમાં એક પછી એક આવેલી સરકારોએ ગ્રૂમિંગ ગેંગ્સના ઇતિહાસને ધરબી રાખવાનો શક્ય એટલો પ્રયાસ કર્યો છે. ઘણા વર્ષોથી સત્તાવાળાઓ પર આ જધન્ય અપરાધ સામે આંખ આડા કાન કરવાના આરોપ મૂકાઇ રહ્યાં છે.
2010ના દાયકામાં કેટલાંક પ્રતિકાત્મક ખટલાને બાદ કરતાં આ મુદ્દો બ્રિટિશ જનતાના માનસપટ પરથી લગભગ ભૂંસાઇ ગયો હતો પરંતુ ઇલોન મસ્ક દ્વારા આ મુદ્દો ઉઠાવાયા બાદ ફરી એકવાર ગ્રૂમિંગ ગેંગ્સ સામે પગલાંની માગ બુલંદ બનવા લાગી છે. તેમણે તો 2008થી 2013 વચ્ચે ડિરેક્ટર ઓફ પબ્લિક પ્રોસિક્યુશન્સના પોતાના કાર્યકાળ દરમિયાન આ ગેંગ્સ સામે ખટલા ચલાવવામાં નિષ્ફળતા માટે વડાપ્રધાન કેર સ્ટાર્મરના રાજીનામાની પણ માગ કરી દીધી છે. જોકે ટીકાકારો મસ્કના ઇરાદાઓ પર સવાલ ઉઠાવી રહ્યાં છે અને સ્ટાર્મર સરકારને ઘેરવા માટે તેઓ આ મુદ્દાનો ઉપયોગ કરી રહ્યાંનો આરોપ મૂકી રહ્યાં છે.
બ્રિટિશ સગીરાઓના શોષણનો મામલો રોધરહામમાં એક દાયકા કરતાં વધુ સમય પહેલાં સામે આવ્યો હતો. ભારે ઉહાપોહ બાદ પ્રોફેસર એલેક્સિસ જેને આ મામલામાં તપાસ કરવાનું કામ સોંપાયું હતું. તેમના રિપોર્ટ પ્રમાણે 1997થી 2013ના 16 કરતાં વધુ વર્ષના સમયગાળામાં એકલા રોધરહામમાં 1400 સગીરાઓને પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગ્સ દ્વારા લક્ષ્યાંક બનાવાઇ હોવાનો દાવો કરાયો હતો. તેમ છતાં સત્તાવાળાઓ દ્વારા તેમના તારણો પર કોઇ પગલાં લેવાયાં નહોતાં.
ચાઇલ્ડ સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશન ટાસ્કફોર્સ દ્વારા છેલ્લે જારી કરાયેલા રિપોર્ટ અનુસાર વર્ષ 2023માં યુકેમાં બાળકો વિરુદ્ધના સેક્સ્યુઅલ અપરાધોની સંખ્યા 1.15 લાખ કરતાં વધુ રહી હતી. તેમાંથી 4228 કેસ ગ્રૂમિંગ ગેંગ્સ દ્વારા ગ્રુપમાં આચરાયા હોવાનું સામે આવ્યું હતું. ગ્રૂમિંગ ગેંગ્સ સામે પગલાં લેવા માટે એપ્રિલ 2023માં તત્કાલિન વડાપ્રધાન રિશી સુનાક દ્વારા આ ટાસ્ક ફોર્સની રચના કરાઇ હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, બાળકોના જાતીય શોષણના 26 ટકા કેસ પરિવારોમાં જ આચરાયાં હતાં જ્યારે 17 ટકા કેસમાં ગ્રૂમિંગ ગેંગ્સ સંડોવાયેલી હતી.
બ્રિટનમાં પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગ્સ એક અભિશાપ પૂરવાર થઇ રહી છે. એક પછી એક આવેલી સરકારોએ તો આ મુદ્દા પર કોઇ ધ્યાન આપ્યું નથી પરંતુ બ્રિટિશ મીડિયાએ પણ આ સંવેદનશીલ મામલા પર આંખ આડા કાન જ કર્યાં છે. જાણીતા બ્રિટિશ પોલિટિકલ સાયન્ટિસ્ટ મેથ્યૂ જેમ્સ ગૂડવિન કહે છે કે બ્રિટિશ મીડિયા ગ્રૂમિંગ ગેંગ્સ સ્કેન્ડલને પુરતું કવરેજ આપી રહ્યું નથી. 2011 સુધી મીડિયાએ ગ્રૂમિંગ ગેંગ્સ કટોકટીની ધરાર અવગણના કરી હતી.
ફરી એકવાર યુકેમાં પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગ્સ સામે પગલાંની માગ બુલંદ બની રહી છે. પરંતુ સ્ટાર્મર સરકાર આ મામલામાં હજુ શાહમૃગી વલણ અપનાવી રહી છે. વડાપ્રધાન સ્ટાર્મરે તો મસ્કના આરોપોને વાહિયાત ગણાવીને દેશવ્યાપી તપાસની માગ પણ નકારી કાઢી છે.