બ્રિટિશ ઈતિહાસમાં સૌથી કઠોર લોકડાઉનઃ ઘર બહાર જવાની બંધી

લોકોને ઘરમાં જ રહેવા વડા પ્રધાનનો અનુરોધઃ બ્રિટનના શાંતિ કે યુદ્ધકાળમાં સૌથી કઠોર તાળાબંધીની જાહેરાતઃલગભગ ૮૧૦૦ લોકો કોરોના વાઈરસથી ચેપગ્રસ્ત બન્યા છે અને ૪૨૫ જેટલા પેશન્ટના મોતઃ

Wednesday 25th March 2020 01:05 EDT
 
 

લંડનઃ જીવલેણ કોરોના વાઈરસ કટોકટીને આગળ વધતી જોઈને વડા પ્રધાન બોરિસ જ્હોન્સને બ્રિટનના શાંતિ કે યુદ્ધકાળમાં સૌથી કઠોર તાળાબંધીની જાહેરાત કરી છે. લોકોની સ્વતંત્રતા પર કાપ મૂકાયો છે અને હવે તેઓ માત્ર ફૂડ અને તબીબી સારવાર મેળવવા બહાર જઈ શકશે. આ ઉપરાંત, દિવસમાં એક વખત કસરત અથવા આવશ્યક કામકાજ માટે બહાર નીકળી શકાશે. બેથી વધુ વ્યક્તિ એકત્ર થઈ શકશે નહિ. આ નવા નિયમોનું ઉલ્લંઘન કરનારાને પોલીસ દ્વારા ભારે દંડનો સામનો કરવો પડશે. બ્રિટિશરોએ અગાઉ જાહેર કરાયેલા લોકડાઉન નિયમો અને પ્રતિબંધોને અવગણ્યા હોવાથી સંપૂર્ણ તાળાબંધી જાહેર કરવાની ફરજ પડી હતી. યુકેમાં લગભગ ૮૧૦૦ લોકો કોરોના વાઈરસથી ચેપગ્રસ્ત બન્યા છે અને ૪૨૫ જેટલા પેશન્ટના મોત નીપજ્યા છે. યુકેનો મૃત્યુઆંક માત્ર ૨૪ કલાકમાં ૫૪ વધી ગયો હતો.

એમ પણ કહેવાય છે કે યુરોપીય દેશોની માફક લોકડાઉનના ગંભીર પગલાં નહિ લેવાય તો બળવો થઈ શકે તેવી ચર્ચા વચ્ચે વડા પ્રધાનને આ પગલા લેવાની ફરજ પડી હતી. લેબર સાંસદ અને ડોક્ટર રોશેના અલીન-ખાને ચેતવણી આપી હતી કે વડા પ્રધાન જ્હોન્સનનું હળવાશપૂર્ણ વલણ વધુ મોત નોંતરશે.

વડા પ્રધાન જ્હોન્સને લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી રહ્યા નથી કોરોના વાઈરસનો ચેપ દિવસરાત વધતો જાય છે તે નિહાળી નવા લોકડાઉનની નાટ્યાત્મક જાહેરાત કરી છે. વડા પ્રધાને સોમવાર, ૨૩ માર્ચે જાહેરાત કરી હતી કે લોકો માત્ર ખોરાક સહિતની ચીજવસ્તુઓની ખરીદ, મેડિકલ ટ્રીટમેન્ટ, હળવી કસરત જેવા અતિ આવશ્યક કારણોસર જ ઘરની બહાર નીકળી શકશે. તેમણે એમ પણ કહ્યું હતું કે અનિવાર્ય હોય તો જ લોકોએ કામે જવા માટે ટ્રાવેલ કરવી જોઈએ. તેમણે કહ્યું હતું કે પ્લેગ્રાઉન્ડ્સ અને ચર્ચીસની સાથોસાથ જીવનજરૂરી ચીજવસ્તુઓ નહિ વેચતી દુકાનો પણ તત્કાળ બંધ કરી દેવાઈ છે. પોલીસને નવા અસાધારણ નિયમોનું પાલન કરાવવા દંડ અને ધરપકડ સહિતની વિશેષ સત્તાઓ પણ આપવામાં આવી છે. નવા પગલાં ઓછામાં ઓછાં ત્રણ સપ્તાહ અમલી રહેશે તેમ જણાવાઈ રહ્યું છે. જોકે, સરકારના જ નિષ્ણાતો જણાવે છે કે પરિસ્થિતિના કારણે એક વર્ષ સુધી પણ અમલ કરવો પડે.

સામાજિક કાર્યક્રમો પર પ્રતિબંધ

રાષ્ટ્રજોગ સંબોધન કરતા જ્હોન્સને જણાવ્યું હતું કે લોકોને મારો એક જ સંદેશો છે કે ઘરમાં જ રહેજો. NHS બોજા હેઠળ ભાંગી ન પડે તે માટે પારિવારિક મિલન સમારંભો, લગ્નો, બેપ્ટિઝમ્સ, અને અન્ય સામાજિક મેળાવડા બંધ રાખવા પડશે. અંતિમ સંસ્કાર વિધિને માત્ર નિકટના સ્વજનોની હાજરી સાથે કરી શકાશે.

તેમણે કહ્યું હતું કે મોટા ભાગના લોકો અગાઉના નિયમોનું પાલન કરતા હતા પરંતુ ઘણાએ તેની કોઈ કદર કરી નથી. હજુ વધારે કડક પગલાંની જરૂર પડી છે. લોકોએ આવશ્યક પુરવઠા, તબીબી સહાય માટે જ બહાર જવાનું રહેશે. દિવસમાં એક વખત કસરત માટે પાર્ક્સમાં જઈ શકાશે પરંતુ, પોલીસ પાર્ક્સનું પણ પેટ્રોલિંગ કરશે. જે લોકો નિયમોનું પાલન નહિ કરે તો તેમને દંડ કરવાનું અને એકત્ર ભીડને વિખેરી નાખવાની સત્તા પોલીસને અપાયેલી છે.

વડા પ્રધાનને બ્રિટિશ ઈતિહાસમાં સૌથી કઠોર પગલાં જાહેર કરવાની ફરજ પડી હતી કારણકે વારંવારની વિનંતીઓ છતાં, બ્રિટિશરોએ સામાજિક સંપર્કો ઘટાડવાના કોઈ પ્રયાસો કર્યા ન હતા. લંડનના પાર્ક્સ અને ટ્યૂબ સ્ટેશનોએ બ્રિટિશ નાગરિકોની ભીડ સતત દેખાતી રહી હતી.  લંડન યુકેમાં રોગચાળો વધવાનું મુખ્ય કેન્દ્ર ગણાઈ રહ્યું છે. લાખો લોકોને ઘરમાં જ રહેવાની વિનંતી કરતો સંદેશો સરકાર તરફથી મોકલાઈ રહ્યો છે.

આ રહી નવા નિયમોની જોગવાઈઓ....     

આ કારણોથી જ ઘરમાંથી બહાર જઈ શકાશેઃ • પાયાની જરૂરિયાતો માટે જ ખરીદી અને તે પણ વાંરંવાર નહિ • દિવસમાં એક જ પ્રકારની કસરત કરવાની છૂટ • તબીબી આવશ્યકતા અથવા સારસંભાળ પૂરી પાડવા તે અસલામત વ્યક્તિની મદદ કરવા માટે • જ્યાં અતિ આવશ્યક કે અનિવાર્ય હોય ત્યાં જ કામકાજ માટે ઘેર આવવા-જવા પ્રવાસ 

પ્રતિબંધ શેના પર આવ્યો?ઃ •  મિત્રોને મળવાનું બંધ • જેની સાથે ન રહેતા હો તેવા સગાંને મળાશે નહિ • અંતિમવિધિ સિવાય તમામ લગ્નો, બેપ્ટિઝમ્સ અને સામાજિક કાર્યક્રમો • બેથી વધુ વ્યક્તિ એકઠી થઈ નહિ શકે 

આ બધુ બંધ રહેશેઃ • બીનજરૂરી ચીજવસ્તુઓ વેચતી તમામ દુકાનો • તમામ લાઈબ્રેરીઓ, પ્લેગ્રાઉન્ડ્સ, આઉટડોર જીમ્સ અને ધાર્મિક પૂજાસ્થાનો

આ તો ખુલ્લાં રહેશેઃ • પાર્ક્સ પરંતુ પોલીસનું પેટ્રોલિંગ રહેશે

પોલીસને સત્તા અપાઈઃ • એકત્ર લોકોને વિખેરવાની • નિયમભંગ કરનારાને દંડ અને ધરપકડ

અન્ય કયા પ્રીમાઈસિસ બંધ કરાવાશે

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સામાજિક જાહેર સ્થળોને બંધ કરી દેવા આદેશ આપી દીધો છે. આદેશના પરિણામે • ફૂડ અને ડ્રિન્ક્સ પીરસતાં સ્થળો • પબ્સ, બાર અને ક્લબ્સ • સિનેમાગૃહો, થીએટર્સ, કોન્સર્ટ અને બિન્ગો હોલ્સ • સ્પા, ઈનડોર આનંદપ્રમોદ અને જીમ્સ • કેસીનોજ અને બેટિંગ શોપ્સ • મ્યુઝિયમ્સ અને ગેલેરીઝ સહિતના ક્ષેત્રોને અસર થશે.

વડા પ્રધાન જ્હોન્સને પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું હતું કે લાઈન્સસિંગ ઓથોરિટીઝ આવશ્યક તમામ કરશે. અમે તેનો સખતાઈથી અમલ કરાવીશું. વાસ્તવમાં લોકોએ જ NHSના રક્ષણ અને જિંદગીઓને બચાવવા શું જરૂરી છે તે સમજવું જોઈશે.

એન્ટિ સોશિયલ બીહેવિયર, ક્રાઈમ એન્ડ પોલિસીંગ એક્ટ ૨૦૧૪ અન્વયે પોલીસ અને લોકલ ઓથોરિટીઝને ઉપદ્રવ કરતા અને અરાજકતામાં કેન્દ્રીય ભૂમિકા ભજવતી જણાય તે લાઈસન્સ ધરાવતી પ્રીમાઈસીસ બંધ કરાવી દેવાની સત્તા છે. આના પરિણામે, સરકારી આદેશનું પાલન નહિ કરનારી કોઈ પણ ડ્રિન્કિંગ શોપ્સ કે સ્થળને પોલીસ બંધ કરાવી દે તેવી શક્યતા છે.

 

--------------------------------------------------------------

કેટલાક દેશોના મહત્ત્વના આંકડા

દેશ                 કેસ           મોત           સાજા થયા

ચીન              ૮૧૨૧૮      ૩૨૮૧         ૭૩૬૫૦

ઈટાલી           ૬૯૧૭૬      ૬૮૨૦        ૮૩૨૬

યુએસ            ૫૪૮૬૭      ૭૮૨           ૩૭૮

સ્પેન            ૪૨૦૫૮      ૨૯૯૧      ૩૭૯૪

જર્મની          ૩૨૯૯૧      ૧૫૯        ૩૨૫૦

ઈરાન          ૨૪૮૧૧      ૧૯૩૪      ૮૯૧૩

ફ્રાન્સ           ૨૨૩૦૪       ૧૧૦૦      ૩૨૩૧

સ્વિટ્ઝર્લેન્ડ     ૯૮૭૭        ૧૨૨         ૧૩૧

દ. કોરિયા       ૯૧૩૭        ૧૨૬         ૩૭૩૦

યુકે              ૮૦૭૭        ૪૨૨         ૧૩૫

નેધરલેન્ડ્સ     ૫૫૬૦        ૨૭૬         ૦૨

ઓસ્ટ્રીઆ       ૫૨૮૩        ૨૮           ૦૯

બેલ્જિયમ       ૪૨૬૯        ૧૨૨         ૪૬૧

કેનેડા            ૨૭૯૨        ૨૬           ૧૧૨

બ્રાઝિલ          ૨૩૪૭        ૪૬           ૦૨

સ્વીડન         ૨૨૯૯        ૪૦           ૧૬

તુર્કી              ૧૮૭૨        ૪૪           ૦૦

જાપાન         ૧૧૯૩        ૪૩           ૨૮૫

પાકિસ્તાન       ૯૭૨           ૦૭           ૧૮

ગ્રીસ             ૭૪૩           ૨૦           ૨૯

ઈન્ડોનેશિયા    ૬૮૬           ૫૫           ૩૦

ફિલિપાઈન્સ    ૫૫૨           ૩૫           ૨૦

ભારત         ૫૬૨           ૧૧           ૪૦

ઈરાક          ૩૧૬           ૨૭           ૭૫

----------------

કુલ    ૪૨૨૮૨૯          ૧૮૯૦૭    ૧૦૯૧૦૨


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter