બ્રિટિશ એરવેઝના પાઈલટ્સની હડતાળઃ ૧૫૦૦ ફ્લાઈટ રદ થતાં ત્રણ લાખ પ્રવાસી રઝળી પડ્યા

Wednesday 11th September 2019 03:33 EDT
 
 

લંડનઃ યુકેની સૌથી મોટી એરલાઇન્સ બ્રિટિશ એરવેઝ (BA)ના ૧૦૦ વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી બે દિવસની હડતાળના કારણે ૧,૫૦૦થી વધારે ફ્લાઇટ રદ કરી દેવાઈ છે, જેની અસર ત્રણ લાખ પ્રવાસીઓને થઈ રહી છે. પગાર અને ભથ્થાંમાં કાપ મુકી દેવાતાં એરવેઝના ૪,૩૦૦ જેટલા પાઇલટ્સે નવ અને દસ સપ્ટેમ્બર એમ બે દિવસની હડતાળ પર ઊતરવાનું પસંદ કર્યું હતું. બ્રિટિશ એરવેઝે તેના પેસેન્જર્સને બે દિવસ એરપોર્ટ પર નહિ આવવા અપીલ કરી હતી. જો તેમની ફ્લાઈટ બુક કરાયેલી હોય તો યોજના અનુસાર પ્રવાસ થઈ શકશે નહિ તેમ પણ જણાવાયું હતું. ફ્લાઈટેસની અરાજકતાના કારણે પ્રવાસીઓને તેમના વેકેશન રદ કરવાની ફરજ પડી હતી.

બ્રિટિશ એરવેઝ અને તેના ૪,૩૦૦ પાઇલટ વચ્ચે ગત થોડા સમયથી પગારવધારા અંગે વિવાદ ચાલી રહ્યો છે. બ્રિટિશ એરવેઝ દ્વારા ઓફર કરાયેલા ત્રણ વર્ષ માટે ૧૧.૫ ટકાના પગારવધારા અને એક ટકાના બોનસને બ્રિટિશ એરલાઈન પાઈલટ્સ એસોસિયેશન (Balpa)એ ફગાવી દીધો હતો. BAના ચીફ એક્ઝિક્યુટિવ એલેક્સ ક્રુઝે જણાવ્યું હતું કે એલાવન્સીસ અને બોનસીસ સાથે કેપ્ટન્સ માટે સરેરાશ પેકેજ ૨૦૦,૦૦૦ પાઉન્ડથી વધી જશે. જોકે, પાઈલટ્સ ૧૫ ટકાનો વધારો માગી રહ્યા છે. એરલાઈન દ્વારા જણાવાયું છે કે પાઈલટ્સ એસોસિયેશન વધારાના ૫૦ મિલિયન પાઉન્ડના બોનસ અને સુવિધાઓની માગણી કરી રહેલ છે. જો વિવાદ નહિ ઉકેલાય તો ૨૭ સપ્ટેમ્બરે પણ ફરી હડતાળ પાડવામાં આવશે. જો આમ થશે તો, ક્રિસમસના સમયમાં વધુ હડતાળ પડી શકે છે.

બ્રિટિશ એરવેઝ દિવસમાં ૮૫૦ ફ્લાઇટનું સંચાલન કરે છે. પાઇલટની હડતાલને પગલે એરવેઝને ૭૫૦ કરોડનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હીથ્રો અને ગેટવિક એરપોર્ટ્સ પર ફ્લાઈટ્સ ખોરવાઈ જવાની સૌથી વધુ શક્યતા છે. બ્રિટિશ એરવેઝે કોઈ પણ પ્રકારની માફી માગવાના સ્પષ્ટ ઈનકાર સાથે ધમકી આપતાં કહ્યું હતું કે હડતાળ ચાલુ રહી તો પાઇલટ અને તેમના પરિવારને મળતી મફત મુસાફરીની સુવિધા બંધ કરી દેવાશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter