બ્રિટિશ ટેલિકોમનો ખર્ચકાપઃ યુકેમાં ૨૭૦ ઓફિસ બંધ થશે

Wednesday 12th June 2019 03:22 EDT
 
 

લંડનઃ ટેલિકોમ જાયન્ટ બ્રિટિશ ટેલિકોમ (BT) તેના ખર્ચામાં કાપ મૂકવાની યોજના સાથે ૨૦૨૩ સુધીમાં સમગ્ર યુકેમાં તેની ૩૦૦માંથી ૨૭૦ ઓફિસ બંધ કરશે. એટલે કે, માત્ર ૩૦ ઓફિસ કાર્યરત રખાશે. જોકે, તેનો દાવો છે કે આના કારણે કોઈ નોકરી ગુમાવવી પડશે નહિ. બ્રિટિશ ટેલિકોમ તેની ખર્ચકાપ યોજના અંતર્ગત હાલ હજારો નોકરીઓમાં કાપ મૂકી રહી છે.

નબળાં નાણાકીય દેખાવથી મુશ્કેલીમાં મૂકાયેલી બ્રિટિશ કંપની તેના ખર્ચમાં ૧.૫ મિલિયન પાઉન્ડનો ઘટાડો કરવા માગે છે.ગયા વર્ષે મે મહિનામાં કંપનીએ ૪૦૦૦ કામદારની છટણી કરવાની જાહેરાત કરી હતી. ગયા મહિને કંપનીએ ૧૩,૦૦૦ નોકરીમાં કાપ અને સેન્ટ પોલ ખાતે તેના લંડન હેડક્વાર્ટર્સને બંધ કરવાની જાહેરાત કરી છે. તે આ ઈમારત ૨૦૦ મિલિયન પાઉન્ડથી વધુ કિંમતે વેચવા ધારે છે.

કંપની ભવિષ્યમાં ચાવીરુપ સ્થળો તરીકે બેલફાસ્ટ, બર્મિંગહામ, બ્રિસ્ટોલ, કાર્ડિફ, એડિનબરા, ઈપ્સવિચ, લંડન અને માન્ચેસ્ટરને રાખશે. તેની વર્તમાન ૩૦૦ ઓફિસોમાં આશરે ૫૨,૦૦૦ લોકો કામ કરે છે. બ્રિટિશ ટેલિકોમે જણાવ્યું છે કે તેના ભાવિ ૩૦ સેન્ટર્સની આધુનિક ઈમારતોમાં કોર્પોરેટ ઓફિસીસ, કોન્ટાક્ટ સેન્ટર્સ અને સ્પેશિયાલિસ્ટ સાઈટ્સનો પણ સમાવેશ કરાશે અને યુકેમાં આ પ્રકારની સૌથી મોટી યોજના બની રહેશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter