ભારતમાં શરણ આપવા MQMના નેતા અલ્તાફની મોદીને અપીલ

Tuesday 26th November 2019 08:29 EST
 
 

લંડનઃ પાકિસ્તાનમાં મુત્તાહિદા કોમી મૂવમેન્ટ (MQM) પાર્ટીના સ્થાપક અને ૧૯૯૨થી બ્રિટનમાં આશ્રય ધરાવતા અલ્તાફ હુસૈને તેમને સાથીઓ સહિત ભારતમાં શરણ અને નાણાકીય સહાય આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે. અલ્તાફ સામેબ્રિટનમાં રહી પાકિસ્તાનમાં આતંકવાદી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાના કેસ દાખલ છે. તેના વિરુદ્ધ ટ્રાયલ ચાલે ત્યાં સુધી ભારતમાં શરણની માગણી થકી અલ્તાફે જામીનની શરતોનો ભંગ કર્યો છે કે કેમ તેનું મૂલ્યાંકન ધારાશાસ્ત્રીઓ કરી રહ્યા છે.

બ્રિટનમાં અલ્તાફ સામે ત્રાસવાદને ઉત્તેજન સહિત કેટલાક દાખલ છે. હુસૈને ૨૦૧૬માં પાકિસ્તાનમાં પોતાના સમર્થકોને ઉશ્કેરણીજનક સંબોધન કર્યું હતું. આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ઉશ્કેરવાનો આરોપ છે. મેટ્રોપોલિટન પોલિસ કાઉન્ટર ટેરિઝમ્સ દ્વારા ૧૧ જૂને ધરપકડ પછી વેસ્ટમિન્સ્ટર કોર્ટે તેમને જામીન પર મુક્ત કર્યા હતા. તેમની સામેનો કેસ જૂન ૨૦૨૦માં ચાલશે અને ત્યાં સુધી કોર્ટની પરવાનગી વિના કશે પ્રવાસ કરી શકે તેમ નથી.

જામીનની શરતો હળવી બનાવાયા પછી પ્રથમ જાહેર સંબોધનમાં MQM ના નેતાએ કહ્યું હતું કે,‘ મારા પૂર્વજો ભારતમાં દફન કરાયા હોવાથી હું ભારતની મુલાકાત લેવા માગું છું. જો ભારતના વડા પ્રધાન મોદી મને ભારત આવવા દે અને મારા સાથીઓ સાથે મને શરણ આપે તો હું ભારત આવવા તૈયાર છું.’ હુસૈને મોદીને અપીલમાં જણાવ્યું છે કે ૨૦૧૭ની ૨૨ ઓગસ્ટ પછી કરાચીમાં તેની સંપત્તિ, ઘર અને ઓફિસો કબજે લેવાઈ છે. જો મોદી તેમને આશ્રય ન આપી શકે તો નાણાકીય મદદ કરી શકે તેમ પણ તેણે કહ્યું છે.

હુસૈનની MQM પાર્ટી પાકિસ્તાનમાં દક્ષિણના સિંધ પ્રાંતમાં વગશાળી છે તેમજ ભારતના ૧૯૪૭માં વિભાજન પછી પાકિસ્તાન ગયેલા મુખ્યત્વે ઉર્દુભાષી લોકોનું મજબૂત પ્રતિનિધિત્વ કરે છે. તેમનો પક્ષ કરાચી અને તેની આજુબાજુના વિસ્તારમાં ઘણો મજબૂત હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે અલ્તાફે સપ્ટેમ્બરમાં ભારતનું દેશભક્તિપૂર્ણ ‘સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા’ ગીત ગાયું હતું જેનો વીડિયો ઈન્ટરનેટ પર ભારે પ્રસાર પામ્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter