ભારતીયો માટે ટેક્સ અને વિઝા નિયમો સરળ બનાવવા યુકેને અનુરોધ

Wednesday 15th May 2019 02:56 EDT
 
(ડાબેથી) CFINના પેટ્રન અનિલ શર્મા, CFINના ટાયરેક્ટર-કોઓર્ડિનેશન નાયાઝ કાઝી, CFINના કો-ચેરમેન ડો. રેમી રેન્જર CBE, CFINના પેટ્રન ડો. અતુલ પાઠક, હોમ સેક્રેટરી સાજિદ જાવિદ, ભારતીય હાઈ કમિશનર રુચિ ઘનશ્યામ, ઉદ્યોગપતિ ગોપીચંદ હિન્દુજા અને CFINના પેટ્રન ડો. રવિ ગિડર
 

લંડનઃ કન્ઝર્વેટિવ ફ્રેન્ડઝ ઓફ ઈન્ડિયા (CFIN)ના આઠ મેએ યોજાએલા વાર્ષિક ભોજન સમારંભમાં યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર રુચિ ઘનશ્યામે ભારતીય પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓને દ્વિપક્ષીય સંબંધોમાં સંપૂર્ણ યોગદાન આપવામાં નડતરરુપ થતાં ટેક્સ અને વિઝાનિયમોના ધોરણોમાં વિચારણા કરવા બ્રિટિશ સરકારને અનુરોધ કર્યો હતો. માત્ર ટૂંકા સમય માટે બ્રિટન આવતા ભારતીય વ્યવસાયિકોએ પણ ટેક્સમાં ફરજિયાત ફાળો આપવો પડતો હોવાથી તેમને થતાં લાખો પાઉન્ડના નુકસાન અંગે ઘટતું કરવા હોમ સેક્રેટરી સાજિદ જાવિદને વિનંતી કરી હતી.

હાઈ કમિશનરે ગ્રાન્ટ થોર્ન્ટનના ‘ઈન્ડિયા મીટ બ્રિટન ટ્રેકર ૨૦૧૯’ ના તાજા આંકડાનો ઉલ્લેખ કરીને યુકેમાં ૨૦૧૯માં અગાઉની સરખામણીમાં ૮૪૨ ભારતીય કંપનીઓની થયેલી વૃદ્ધિ તરફ નિર્દેશ કરી આ બાબત ભારતીય વેપારીઓને બ્રિટનમાં કેટલો વિશ્વાસ છે તે દર્શાવતી હોવાનું કહ્યું હતું. તેઓ ભારત-યુકે આર્થિક સંબંધોમાં સકારાત્મક ગતિ વધારે છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે ભારતીયો માટે નેશનલ ઈન્સ્યુરન્સમાં બાવન સપ્તાહની છૂટ છે જ્યારે અન્ય દેશના નાગરિકો માટે ત્રણથી પાંચ વર્ષની છૂટ છે.

નેશનલ ઈન્શ્યોરન્સ યુકેના રહેવાસીઓ દ્વારા અપાતો કન્ટ્રીબ્યુટરી ટેક્સ છે જે તેમના જીવનના છેલ્લા તબક્કાઓમાં પેન્શનરૂપે પરત મળે છે. જોકે, સરકારી પેન્શન મેળવવાનો લઘુતમ સમયગાળો દસ વર્ષનો છે જેનો લાભ ટૂંકા સમય માટે આવેલા અથવા તો ઈન્ટ્રા કંપનીના કર્મચારીઓ લઈ શકતા નથી. આનો સીધો અર્થ એ છે કે તમારે તમામ રકમને જતી કરવી પડે છે જે યોગ્ય નથી. તેમણે ઉમેર્યું હતું કે, આના કારણે કર્મચારીઓના અંદાજિત ૨૦૦ મિલિયન અને નોકરીદાતાના ૨૩૦ મિલિયન પાઉન્ડનું નુકસાન થાય છે.

બીજો મુદ્દો ઉચ્ચ શિક્ષણ માટે યુકે યુનિવર્સિટીઓની પસંદગીમાં ભારતીય વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યાનો હતો. વિદ્યાર્થીઓ દ્વિપક્ષી સંબંધોને મજબૂત બનાવતો મહત્ત્વનો સ્રોત હોવાથી તેમની સંખ્યા વધારવાને પ્રોત્સાહક પગલાં લેવાં તેમણે બ્રિટિશ સરકારને જણાવ્યું હતું.

મુખ્ય મહેમાન અને હોમ સેક્રેટરી સાજિદ જાવિદે કહ્યું હતું કે ગયા વર્ષે બ્રિટનમાં અભ્યાસાર્થે આવતા વિદ્યાર્થીઓમાં ૩૫ ટકાનો વધારો થયો હતો. યુકે અન્ય કોઈ દેશની સરખામણીએ ભારતીય સ્કિલ્ડ વર્કર્સને વધુ વિઝા આપે છે. બ્રેક્ઝિટ પછીની ઈમિગ્રેશન નીતિ વધુ સરળ હશે તેમ પણ તેમણે કહ્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter