ભારતીય બેન્કો મને નાદાર જાહેર કરાવી ન શકેઃ વિજય માલ્યાની દલીલ

Wednesday 28th April 2021 05:35 EDT
 
 

લંડનઃ ભારતીય સ્ટેટ બેન્ક (SBI)ની આગેવાની હેઠળ ભારતીય બેન્કોના જૂથે લંડન હાઈ કોર્ટમાં૨૩ એપ્રિલ, શુક્રવારની સુનાવણી દરમિયાન ભાગેડુ લિકર બેરન વિજય માલ્યાને નાદાર જાહેર કરવા જોરદાર રજૂઆત કરી હતી. બંને પક્ષકારોએ ઈન્સોલવન્સી એન્ડ કંપનીઝ કોર્ટ (ICC)માં આખરી દલીલો કરી હતી. માલ્યા પર તેમની બંધ થયેલી કિંગફિશર એરલાઇન માટે લોનરુપે લીધેલી હજારો કરોડ રૂપિયાના ધિરાણનું બાકી લેણું બોલે છે.

સ્ટેટ બેન્કના નેતૃત્વમાં ભારતની ૧૩ નાણાકીય સંસ્થાએ માલ્યાને દેવાળિયો જાહેર કરવાની અરજી કરી છે. ઇનસોલ્વન્સી એન્ડ કંપનીઝ કોર્ટ સમક્ષ વર્ચ્યુઅલ સુનાવણી પછી જસ્ટિસ માઇકલ બ્રિગ્સે કહ્યું હતું કે અંતિમ દલીલો સાંભળીને આવનારા સપ્તાહમાં યોગ્ય સમયે ચુકાદો આપશે. ભારતીય બેન્કોનું કહેવું છે કે તેમને આ કેસમાં માલ્યાની ભારતમાં આવેલી સંપત્તિઓ પર આપવામાં આવેલી સિક્યુરિટીને છોડવા- જતી કરવાનો અધિકાર છે. સિક્યુરિટી જતી કર્યા પછી બેન્ક લંડનમાં આવેલી માલ્યાની સંપત્તિની મદદથી પણ દેવા વસુલી કરી શકે છે.

ભાગેડુ વિજય માલ્યાના વકીલોએ દલીલ કરી હતી કે માલ્યા પર જે બાકી લેણા છે, તે જનતાના નાણા છે આથી, બેન્ક માલ્યાને દેવાળિયો જાહેર ના કરી શકે. માલ્યાએ દાવો કર્યો હતો કે બેન્કો દ્વારા તેને દેવાળિયો જાહેર કરવા થયેલી અરજી કાયદાની મર્યાદામાં નથી. માલ્યાનું કહેવું હતું કે તેણે જે નાણા ધિરાણરુપે મેળવ્યા છે તે જનતાના નાણા છે. માલ્યાના વકીલ ફિલીપ માર્શલે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે ,’ભારતમાં સરકારી બેન્કોના નાણા ખાનગી નથી પણ જાહેર સંપત્તિ છે. તેવામાં બેન્કોને એકપક્ષી રીતે સિક્યુરિટી જતી કરવાનો અધિકાર નથી.’

આ કેસમાં થોડાક સપ્તાહમાં નિર્ણય આવી શકે છે. ભારત સરકાર છેતરપિંડી અને મનીલોન્ડરિંગ કેસમાં બ્રિટન સમક્ષ માલ્યાના પ્રત્યર્પણની માગણી કરી રહી છે. માલ્યા ભારતીય બેન્કોના રુપિયા ૯૦૦૦ કરોડથી વધુ ધિરાણનું બાકી લેણું ધરાવે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter