લંડનઃ ભારતીય ડાયસ્પોરાના નેતૃત્વમાં એડવોકસી ગ્રુપે સ્કોટલેન્ડ અને ભારતના શહેરો વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરવાની માગ સાથે એરલાઇન ઇન્ડસ્ટ્રીમાં લોબિંગ શરૂ કર્યું છે. એડિનબરો સ્થિત કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા ખાતે આયોજિત સમારોહમાં ઇન્ડો-સ્કોટ ડાયરેક્ટ અભિયાનનો વિધિવત પ્રારંભ કરાયો હતો. આ અભિયાન અંતર્ગત એડિનબરો અથવા ગ્લાસગોથી દિલ્હી અને મુંબઇ વચ્ચે સીધી ફ્લાઇટની માગ કરવામાં આવી રહી છે. આ ગ્રુપમાં અગ્રણી આઇટી કંપનીઓના પ્રતિનિધિઓ, ટુરિઝમ ઓપરેટરો અને શૈક્ષણિક સંસ્થાનો સામેલ થયાં છે.
એડિનબરો સ્થિત કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સ્કોટલેન્ડ અને ભારત વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટથી સાંસ્કૃતિક અને આર્થિક આદાન પ્રદાનને પ્રોત્સાહન મળશે અને બંને દેશના સમુદાયો વચ્ચેની નિકટતામાં વધારો થશે. જો આ પ્રકારની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવામાં આવશે તો પ્રવાસન, વેપાર અને શૈક્ષણિક સહકારને પણ વેગ મળશે.
એડવોકસી ગ્રુપના સ્થાપક સભ્ય પુનિત દ્વિવેદીએ જણાવ્યું હતું કે, ભારત અને સ્કોટલેન્ડ વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટનું એક ઉભરતું અને વિપુલ સંભાવનાઓ ધરાવતું માર્કેટ છે. સ્કોટલેન્ડમાં ભારતીય સમુદાયના લોકોની સંખ્યા, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.
આ ઇવેન્ટમાં સ્કોટલેન્ડની સરકાર, ટુરિઝમ ઉદ્યોગ અને એવિએશન ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યાં હતાં.