ભારત જીત્યું, પાકિસ્તાન હાર્યું નિઝામ ફંડના રૂ. ૩૦૬ કરોડ

Tuesday 08th October 2019 09:37 EDT
 
 

લંડનઃ યુકેના સૌથી લાંબા ચાલેલા કાનૂની જંગોમાં એક ‘નિઝામ ફંડ’ કેસનો આખરે ૭૧ વર્ષ પછી ૨૩ સપ્ટેમ્બરે અંત આવ્યો છે. ઈંગલેન્ડ અને વેલ્સ હાઈ કોર્ટે ૧૪૦ પાનાના ચુકાદામાં ૧૯૪૮થી ચાલતા કાનૂની જંગમાં હૈદરાબાદના સાતમા નિઝામ મીર ઉસ્માન અલીએ વર્ષો અગાઉ લંડનની નેશનલ વેસ્ટમિન્સ્ટર (નેટવેસ્ટ) બેન્કમાં મૂકેલા એક મિલિયન પાઉન્ડ પર પાકિસ્તાનનો દાવો ફગાવી ભારત અને નિઝામના વારસદારોની તરફેણનાં ચુકાદો આપ્યો છે.
‘હૈદરાબાદ ફંડ’ તરીકે પણ ઓળખાતી આ રકમ આજે વ્યાજ સાથે વધીને ૩૫ મિલિયન પાઉન્ડ (આશરે ૩૦૬ કરોડ રૂપિયા) થઈ છે. પાકિસ્તાને દાવો કર્યો હતો કે આ રકમ ભારતીય લશ્કર સામે હૈદરાબાદનું રક્ષણ કરવા માટે શસ્ત્રોના ઉપયોગ બદલ તેમ જ ગિફ્ટ તરીકે અપાઈ હતી. જ્યારે નિઝામના વંશજોએ દાવો કર્યો હતો કે આ નાણાં કાળજીપૂર્વક સાચવવા માટે અપાયા હતા. ચુકાદા પછી સિનિયર કાઉન્સેલ હરિશ સાલ્વેએ લંડનમાં જણાવ્યું હતું કે નિઝામના વારસદારો અને ભારત વચ્ચે થયેલા કરાર અનુસાર નાણાંની વહેંચણી કરાશે.

આ કેસમાં બે-ચાર નહીં, અનેક ચડાવઉતાર આવ્યાં છે. નિઝામે ૧૯૫૬માં આ ફંડ પરનો પોતાનો અધિકાર ભારતના રાષ્ટ્રપતિને સુપરત કર્યો હતો અને આ નાણાં મેળવવા ભારતની સાથે રહી જંગ આરંભ્યો હતો. જોકે, ૧૯૬૭માં તેમનું મૃત્યુ થયું હતું. પાકિસ્તાને ૧૯૪૮માં આ રકમ પોતાની હોવાનો દાવો કર્યો હતો અને ૧૯૫૪માં તે મુદ્દે લંડનની કોર્ટમાં કેસ કરાયો હતો. હવે તેનો ચુકાદો જાહેર કરાયો છે, જે મુજબ આ રકમ પર પાકિસ્તાનનો કોઈ હક્ક-દાવો નથી. ભારતનો અને નિઝામના વંશજોનો હક્ક છે.

પાકિસ્તાની હાઈ કમિશનરના ખાતામાં નાણાં

આઝાદી સમયે હૈદરાબાદ રાજ્યે ભારત સાથે જોડાણનો ઈનકાર કરીને પાકિસ્તાન સાથે જોડાવાની જાહેરાત કરી હતી. સરદાર પટેલની આગેવાનીમાં ભારત સરકારે હૈદરાબાદનું ભારતમાં જોડાણ કરાવવા ‘ઓપરેશન પોલો’ આદર્યું હતું.
‘ઓપરેશન પોલો’ વખતે ભારતીય લશ્કરની ટેન્કો ચારે તરફથી હૈદરાબાદને ભીંસમાં લેવા ધસી રહી હતી અને હૈદરાબાદના લશ્કરી દળોએ જનરલ જે. એન. ચૌધરી સમક્ષ શરણાગતિ સ્વીકારી લીધી ત્યારે કપરા કાળમાં પોતાની સંપત્તિ સુરક્ષિત રહે એ હેતુસર હૈદરાબાદના નિઝામ નવાબ મીર ઉસ્માન અલી ખાન સિદ્દિકીએ ૧૦,૦૦૭,૯૪૦ પાઉન્ડ અને નવ શિલિંગની રકમ વિદેશમાં સીધી જમા નહિ કરાવતા તે સમયના પોતાના દૂત અને લંડનસ્થિત નાણાંપ્રધાન મોઈન નવાઝ જંગને આપી હતી. મોઈન નવાઝ જંગે આ નાણાં લંડનસ્થિત પાકિસ્તાની હાઈ-કમિશનર હબીબ ઈબ્રાહિમ રહીમતુલ્લાહના ‘નેટવેસ્ટ’ બેન્કખાતામાં જમા કરાવ્યા હતા.
જોકે, પાછળથી નિઝામે કહ્યું કે આ રકમ તેની મંજૂરી વગર મોકલાઇ છે તેથી બેન્ક તે પાછી આપે. જોકે બેન્કે પૈસા આપવાનો ઇનકાર કરીને કહ્યું કે તે રકમ અન્ય ખાતામાં છે. બેન્કનું કહેવું હતું કે આ ફંડ પાકિસ્તાનના ખાતામાં જતી રહી છે તેથી તેમની મંજૂરી વિના આ પૈસા પાછા આપી શકાય તેમ નથી. શરણાગતિ સ્વીકાર્યા પછી નિઝામ દ્વારા નેટવેસ્ટ બેન્ક પાસે નાણાં પરત કરવાની માગણીની સામે પાકિસ્તાને પણ નાણાં પાછા માગ્યા હતા. બેન્કે નાણાં આપવા કરેલા ઈનકારથી નિઝામે બેન્ક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. આ દાવાને સાતમા નિઝામના બે પૌત્રો દ્વારા પડકારાયો હતો.

નિઝામના વંશજોને આ રકમની જાણ થતાં તેમણે રહમતુલ્લાહ પાસે નાણાં પરત માંગ્યા હતા. જોકે, રહમતુલ્લાહે આ નાણાં પાકિસ્તાનના થઈ ગયા હોવાનો જવાબ આપ્યો હતો. આ નાણાં પરત મેળવવા નિઝામના બે પુત્રો મુકર્રમ જાહ (આઠમા નિઝામ) અને તેના નાના ભાઈ પ્રિન્સ મુક્કફમ જાહ દ્વારા ૧૯૫૪માં કેસ દાખલ કરાયો હતો. નિઝામના વંશજો અને પાકિસ્તાન સરકાર વચ્ચે સાત દાયકાથી ચાલતા કેસમાં પાછળથી ભારત સરકાર પણ જોડાઈ હતી.
જો આ કેસમાં વિજય થાય તો નાણાંની વહેંચણી કેવી રીતે કરવી તે મુદ્દે આઠમા નિઝામ મુકર્રમ જાહ અને પ્રિન્સ મુક્કફમ જાહ તેમ જ ભારત સરકાર વચ્ચે ગયા વર્ષે જ સમાધાન થયું હતું. આ કેસમાં વિદેશી રાષ્ટ્ર સંકળાયેલું હોવાથી તેના પર ન્યાય આપી શકાય કે કે કેમ તેનો પર વિચાર કર્યો હતો. મિ. જસ્ટિસ માર્કસ સ્મિથે ચુકાદો આપ્યો હતો કે કોર્ટ આ વિવાદ પર ચુકાદો આપી શકે છે. નિઝામ આઠમા વતી કેસ લડતી પેઢીના પાર્ટનર અને ધારાશાસ્ત્રી પૌલ હેવિટે જણાવ્યું હતું કે, ‘આ વિવાદ ઉદ્ભવ્યો ત્યારે અમારા ક્લાયન્ટ બાળક હતા અને આજે ૮૦ વર્ષથી વધુ વયના છે. તેમના જીવન દરમિયાન આ વિવાદ ઉકેલાયો તે મોટી રાહત છે.’

બ્રિટનની હાઇ કોર્ટનો ચુકાદો

જજ માર્કસ સ્મિથે ચુકાદામાં જણાવ્યું છે કે ભારત દ્વારા હૈદરાબાદનો કબજો લેવાનો પ્રયાસ થતાં નિઝામે શસ્ત્રો ખરીદવા પાકિસ્તાનના બ્રિટનસ્થિત રાજદૂતને આ નાણાં મોકલી આપ્યાં હતાં. આ રકમમાંથી કેટલીક રકમ શસ્ત્રોની ખરીદી માટે ચૂકવાઇ હોવા છતાં આ નાણાં શસ્ત્રોની ખરીદી માટે હતાં કે પાકિસ્તાનને વળતર પેટે ચૂકવાયાં હતાં તે અદાલત સ્વીકારતી નથી. હૈદરાબાદના નિઝામના વારસો અને ભારત સરકાર સિવાય આ ભંડોળના કોઇ દાવેદાર હોવાની સંભાવના દૂર દૂર સુધી દેખાતી નથી. આવા સંજોગોમાં સાતમા નિઝામ આ રકમના હકદાર છે અને હવે તેમના વારસો અને ભારત સરકાર હકદાર છે. જસ્ટિસ માર્કસ સ્મિથે જણાવ્યું હતું કે નિઝામ સાતમાના વંશજો અને ભારતને નાણાં પરત મેળવવાનો અધિકાર છે. તેઓ કઈ રીતે વહેંચણી કરે તે બાબત હું તેમના પર છોડી દઉં છું.

ભારતે ચુકાદાને આવકાર્યો

ભારતના વિદેશ મંત્રાલયે ભારતના દાવાને માન્ય રાખતા ચુકાદાને આવકાર્યો છે. વિદેશ મંત્રાલયના જાહેર નિવેદનમાં જણાવાયું છે કે, ‘યુકેની હાઈ કોર્ટે નિઝામ દ્વારા આ નાણાં મોકલવાનો ઉદ્દેશ્ય શસ્ત્રો ખરીદવાનો અથવા કોઇ ગિફ્ટ તરીકે આપવાનો હતો તેવો પાકિસ્તાનનો દાવો ફગાવી દીધો છે.
કોર્ટે ૭૦ કરતાં વધુ વર્ષ જૂના દસ્તાવેજોના વિશ્લેષણ પછી તેમજ લો ઓફ કન્સ્ટ્રક્ટિવ એન્ડ રિઝલ્ટિંગ ટ્રસ્ટ, ગેરવાજબી સંવર્ધન, ફોરેન એક્ટ ઓફ સ્ટેટ તેમજ લિમિટેશન ઓફ લિમિટ્સની વિચારણા પછી દૂરદર્શી ચુકાદો આપ્યો છે. ‘બુધવારના ચુકાદામાં યુકે હાઇ કોર્ટે ૧૯૪૮માં આ ફંડનો હક સાતમા નિઝામ પાસે હોવાનું કહ્યું અને તેમના પછી તેમના વારસદારો અને ભારતનો હક જણાવ્યો છે.’

પાકિસ્તાન ચુકાદાને ચકાસી રહ્યું છે

આ ચુકાદાથી નાખુશ પાકિસ્તાને જણાવ્યું છે તે જજમેન્ટમાં નિઝામે ‘ભારતીય આક્રમણ’થી બચવા પાકિસ્તાનના લંડનસ્થિત હાઈ કમિશનરને નાણાં ટ્રાન્સફર કરવા પડ્યા તે ‘ઐતિહાસિક સંદર્ભ’ને ધ્યાનમાં લીધો નથી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ‘પાકિસ્તાન વિસ્તૃત જજમેન્ટના તમામ પાસાને ઝીણવટપૂર્વક ચકાસી રહ્યું છે અને જે કાનૂની સલાહ મળશે તે અનુસાર આગળ કાર્યવાહી કરશે.’

હાઉસ ઓફ લોર્ડ્સે વિવાદિત રકમ ફ્રીઝ કરી

નિઝામ અને પાકિસ્તાન વચ્ચે કાયદાકીય લડાઈનો આ કેસ સૌ પહેલા ૧૯૫૪માં લંડનની હાઈ કોર્ટના ચાન્સેરી ડિવિઝન સમક્ષ આવ્યો હતો. હાઈ કોર્ટમાં આ મામલો પાકિસ્તાનની તરફેણમાં જતા, નિઝામે કોર્ટ્સ ઓફ અપીલમાં જવું પડ્યું હતું. અહીં નિઝામની જીત થઈ, પરંતુ પાકિસ્તાને આગળ વધીને હાઉસ ઓફ લોર્ડ્સમાં અપીલ કરી. પાકિસ્તાનની દલીલ હતી કે નિઝામ પાકિસ્તાન પર કોઈ પ્રકારનો કેસ ના કરી શકે કારણ કે પાકિસ્તાન સાર્વભૌમ દેશ છે. પાકિસ્તાને સાર્વભૌમ રક્ષણ (sovereign immunity)ની દલીલ કરી હતી જેને માન્ય રખાયા પછી ૬૦ વર્ષ સુધી કેસ લટકતો રહ્યો હતો.
હાઉસ ઓફ લોર્ડ્સે પાકિસ્તાનની તરફેણમાં ચુકાદો આપ્યો અને તેમની દલીલ યોગ્ય ઠેરવતા કહ્યું કે નિઝામ પાકિસ્તાન પર કેસ ના કરી શકે, પરંતુ આ સાથે હાઉસ ઓફ લોર્ડ્સે ૧૦ લાખ પાઉન્ડની વિવાદિત રકમ પણ ફ્રીઝ કરી દીધી હતી. આખરે ૨૦૧૩માં પાકિસ્તાને તેના સાર્વભૌમ રક્ષણનો અધિકાર પાછો ખેંચી નેટવેસ્ટ પાસેથી નાણાં મેળવવા કાનૂની કાર્યવાહી આરંભી હતી.

૨૦૧૩થી સુનાવણીનો ફરીથી આરંભ

પાકિસ્તાને આ ફંડ પર તેનો દાવો કરીને કેસની કાર્યવાહી આગળ વધારવા માટે ૨૦૧૩માં તેની સંપ્રભુતા પ્રતિરક્ષાને પરત ખેંચી લીધી હતી. આ કેસમાં ફરી પ્રક્રિયા શરૂ થયા બાદ નિઝામ પરિવાર અને ભારત સરકાર વચ્ચે આ મામલા સંદર્ભે એક કરાર થયો. જે અનુસાર ભારતે આ નાણાં પર નિઝામ પરિવારના દાવા મુદ્દે સમર્થન કર્યું હતું. યુકે હાઇ કોર્ટમાં પાકિસ્તાન સરકારનો દાવો ફગાવી દઈ આ ફંડ પર નિઝામ પરિવારનો હક્ક હોવાનું જણાવાયું છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter