ભારત સાથે વેપાર અને સંરક્ષણ કરારો માટે યુકે તૈયારઃ લિઝ ટ્રસ

Wednesday 06th October 2021 04:37 EDT
 
 

લંડનઃ માન્ચેસ્ટરમાં કન્ઝર્વેટિવ પાર્ટીની વાર્ષિક કોન્ફરન્સનો રવિવારથી આરંભ થયો છે ત્યારે ફોરેન સેક્રેટરી તરીકે લિઝ ટ્રસે પ્રથમ ઈન્ટરવ્યૂમાં સ્પષ્ટ કર્યું છે કે યુકે વ્યૂહાત્મક ઈન્ડો-પાસિફિક ક્ષેત્રમાં ભારત સહિતના લોકશાહી દેશો સાથે ‘ઓક્સ- AUKUS’ની તરાહ પર વેપાર અને સંરક્ષણ સમજૂતીઓ કરવા માગે છે જેથી સત્તાવાદી દેશોની અસરને પડકારી શકાય.

પૂર્વ ઈન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી લિઝ ટ્રસે ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ(FCDO)માં પોતાની નવી ભૂમિકા સંભાળ્યા પછી પ્રથમ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ‘અમે વધુ આર્થિક અને સંરક્ષણ સમજૂતી માટે અમારા સહયોગી દેશો સાથે કાર્ય કરવા માગીએ છીએ. બે વર્ષ સુધી ટ્રેડ સેક્રેટરી રહ્યાં પછી એક વાતની મને જાણ થઇ છે કે વિશ્વના દેશો  બ્રિટન પર વિશ્વાસ કરે છે.’ ટ્રસે સન્ડે ટાઈમ્સને જણાવ્યું હતું કે ઈન્ડો-પાસિફિક ક્ષેત્રમાં વેપાર માર્ગો અને શિપિંગ રુટ્સના રક્ષણ માટે યુકે, ઓસ્ટ્રેલિયા અને યુએસ વચ્ચે ત્રિપક્ષીય સુરક્ષા સમજૂતી- AUKUS સધાઈ છે તેવી જ રીતે જાપાન, ભારત અને કેનેડા સાથે પણ આર્થિક અને સંરક્ષણ સમજૂતીઓ કરવા માગીએ છીએ. AUKUSને ઈન્ડો-પાસિફિક ક્ષેત્રમાં ચીનની વધતી તાકાતને ખાળવાની સમજૂતી તરીકે જોવાય છે.

ઉલ્લેખનીય છે કે યુકે કેબિનેટમાં બઢતી અગાઉ ઈન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી તરીકે લિઝ ટ્રસે ભારત સાથે ભાવિ ‘ફ્રી ટ્રેડએગ્રીમેન્ટ- FTA મુદ્દે ચર્ચાઓ હાથ ધરી હતી.

ટ્રસે વધુમાં જણાવ્યું હતું કે બ્રિટન દ્વેષીલા અને સત્તાવાદી દેશોના પ્રભાવને પડકારવા ‘સ્વાતંત્ર્યપ્રેમી’ લોકશાહીઓ સાથે ગઠબંધનો કરવા માગે છે અને સિક્યુરિટી સંધિઓ વેપારકરારોને આગળ વધારી શકે છે. તેમણે ‘કોમ્પ્રિહેન્સિવ એન્ડ પ્રોગ્રેસિવ એગ્રીમેન્ટ ફોર ટ્રાન્સ-પાસિફિક પાર્ટનરશિપ (CPTPP)’માં જોડાવા બ્રિટનની વિનંતીનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ પગલાં આ વિસ્તારમાં ચીનની વગને ખાળવા માટે છે તેવા પ્રશ્નના ઉત્તરમાં ટ્રસે જણાવ્યું હતું કે આ ‘સ્વતંત્રતાને આગળ વધારવા’ માટેના પગલાં છે. મુક્ત અને ખુલ્લા વેપારને સફળ થવા ઈચ્છતા દેશોને સાથે રાખવાની, આર્થિક તાકાતના નિર્માણની પોઝિટિવ રણનીતિ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter