લંડનઃ જે માતાને દીકરીએ કિડનીનું દાન આપીને જીવન બચાવ્યું તે જ માતાએ દીકરી પર ખટલો માંડી દીધો છે. ડો. સોનિયા બેઇન્સે તેમની માતા કેમિલા બેઇન્સને કિડનીનું દાન આપ્યું હતું પરંતુ હવે તેઓ માતા દ્વારા દાખલ કરાયેલા 1 મિલિયન પાઉન્ડના ખટલાનો સામનો કરી રહ્યાં છે. કેમિલા બેઇન્સે સોનિયા અને શાર્ન પર 8 લાખ પાઉન્ડના મકાન અને 3,40,000 પાઉન્ડની રોકડ અંગે દાવો ઠોક્યો છે. કેમિલાનો આરોપ છે કે તેમના ડિવોર્સ બાદ તેમણે તેમની દીકરીઓને હંગામી ધોરણે જાળવણી માટે સંપત્તિની માલિકી ટ્રાન્સફર કરી હતી.
અદાલતમાં સુનાવણી દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે કેમિલા બેઇન્સ ઘણા લાંબા સમયથી બીમાર રહેતા હતા અને તેમના પર 3 વાર કિડની ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરાઇ હતી. છેલ્લે તેમની દીકરી સોનિયાએ કિડનીનું દાન આપ્યું હતું. સોનિયા ફૂટબોલ એસોસિએશન ટીમના ડોક્ટર છે.
સોનિયા અને શાર્નના વકીલોએ અદાલતને જણાવ્યું હતું કે, કેમિલા મરણપથારી પર હતા ત્યારે દીકરીએ કિડનીનું દાન આપીને જીવન બચાવ્યું હતું.