માલ્યા ભીંસમાંઃ લંડનસ્થિત સંપત્તિની જપ્તીને બ્રિટિશ કોર્ટની મંજૂરી

Saturday 07th July 2018 07:44 EDT
 
 

લંડનઃ ભારતીય બેન્કો સાથે ૯૦૦૦ કરોડ રૂપિયાની આર્થિક ગોબાચારી આચરવાનો સામનો કરી રહેલા વિજય માલ્યા સામે કાનૂની સકંજો મજબૂત બન્યો છે. અબજો રૂપિયાની લોન લઇને નાણાં પરત કરવામાં ઠાગાઠૈયા કરી રહેલા માલ્યા પાસેથી વસુલાતની માગ કરી રહેલી ૧૩ ભારતીય બેન્કોની તરફેણમાં બ્રિટિશ હાઇ કોર્ટે ચુકાદો આપ્યો છે. હાઇ કોર્ટે તેના એન્ફોર્સમેન્ટ અધિકારીને વિજય માલ્યાની લંડન નજીકની હર્ટફોર્ડશાયરમાં આવેલી સંપત્તિમાં પ્રવેશવાની પરવાનગી આપી દીધી છે. બ્રિટનમાં માલ્યા સામે કાનૂની જંગ છેડનાર ભારતના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના વરિષ્ઠ અધિકારીઓએ પણ કોર્ટના આ આદેશને આવકાર્યો છે.

લંડનની હાઈ કોર્ટે બ્રિટનમાં તેની તમામ સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે માલ્યાની મિલકતમાં ઘૂસવા માટે અધિકારીઓએ જો બળપ્રયોગ કરવો પડે તો તેની પણ છૂટ છે. હાઈ કોર્ટે ૧૩ ભારતીય બેન્કોના સંગઠનની અરજી પર આ ચુકાદો આપ્યો હતો. હાઈ કોર્ટના આદેશ બાદ યુકેના ઈડી અધિકારી ભાગેડુ માલ્યાના લંડન નજીક હર્ટફોર્ડશાયરની સંપત્તિની તપાસ કરી શકશે.
હાઇ કોર્ટે તેના આદેશમાં અધિકારી અને તેમના એજન્ટોને હાલ વિજય માલ્યા જ્યાં વસવાટ કરે છે તે વેલવિન-તેવિનના બ્રેમ્બલ લોજ અને લેડીવોક ખાતેના નિવાસસ્થાનોમાં પ્રવેશવાની પરવાનગી આપી છે. મતલબ કે, ભારતીય બેન્કો માલ્યા પર બાકી નીકળતા ૧.૧૪૫ બિલિયન પાઉન્ડની વસુલાત કરવા આ આદેશનો ઉપયોગ કરી શકે છે.
હાઇ કોર્ટના જસ્ટિસ બાયરને આપેલા આદેશ અનુસાર એન્ફોર્સમેન્ટ અધિકારી તેમના હાથ નીચે કામ કરતા એન્ફોર્સમેન્ટ એજન્ટો સાથે માલ્યાની લંડન નજીકના લેડીવોક, ક્વીન હૂ લેન, ટેવિન, વેલવિન, લેડીવોક અને બ્રેમ્બલ લોજના તમામ આઉટ બિલ્ડિંગમાં તલાશી લઇ શકશે અને માલ્યાના સામાનને જપ્ત કરી શકશે. એન્ફોર્સમેન્ટ અધિકારી અને તેમના એજન્ટો જરૂરી જણાશે તો સંપત્તિમાં પ્રવેશવા માટે બળપ્રયોગ પણ કરી શકશે.

ભારતીય બેન્કોનો પક્ષ મજબૂત

આ કેસના જાણકાર લીગલ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હાઇ કોર્ટનો નવો આદેશ માલ્યાની સંપત્તિઓમાં પ્રવેશવાની પરવાનગી આપે છે. જ્યારે બેન્કો માની રહી છે કે તેમની પાસે હવે જપ્તીના તમામ વિકલ્પો હોવાથી તેમનો પક્ષ મજબૂત છે. આ આદેશને પગલે હવે માલ્યાની સંપત્તિની તલાશી પણ લઇ શકાશે અને જપ્તી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને જ વિજય માલ્યાએ જણાવ્યું હતું કે, ભારતીય બેન્કોનું ચૂકવીવા દેવા હું મારી રૂપિયા ૧૩,૯૦૦ કરોડની સંપત્તિ વેચી દેવા તૈયાર છું.

માલ્યાને દર મહિને નિર્વાહ ભથ્થું

ફુલેકાબાજ વિજય માલ્યાને લંડનમાં દર મહિને ૬૫ લાખનું નિર્વાહભથ્થું મળી રહ્યું છે. લંડન કોર્ટમાં સુનાવણી દરમિયાન માલ્યાએ અપીલ કરી હતી ભારતમાંની તેની ૧૩,૯૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી છે અને આ રીતે તેની આવક બંધ થઈ હોવાથી નિર્વાહભથ્થું આપવામાં આવે. કોર્ટે આ દલીલ સ્વીકારીને માલ્યાને દર મહિને ૬૫ લાખનું નિર્વાહભથ્થું આપવાનો આદેશ આપ્યો હતો. તે સમયથી માલ્યાને નિર્વાહભથ્થું મળી રહ્યું છે.

૧૫૯ સંપત્તિની ઓળખ

બેંગ્લૂરુ પોલીસે પાંચમી જુલાઇએ દિલ્હીની પતિયાલા હાઉસ કોર્ટમાં માલ્યા અને યુનાઇટેડ બ્રેવરિઝની ૧૫૯ સંપત્તિની યાદીનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જોકે પોલીસે સાથોસાથ એમ પણ જણાવ્યું હતું કે ‘ફેરા’ ભંગ સંબંધે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા તેની વિરુદ્ધ તપાસ ચાલતી હોવાથી પોલીસ તેમાંથી કોઇ સંપત્તિ ટાંચમાં લઈ શકી નથી. બેંગ્લૂરુ પોલીસે ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દીપક સહરાવતને જણાવ્યું કે તે માલ્યાની સંપત્તિ જપ્ત કરી શકી નથી કેમ કે તેમાંથી અમુકને મુંબઈ ક્ષેત્રની ઈડીએ ટાંચમાં લીધી છે અને બાકી સંપત્તિ કાર્યવાહી હેઠળ છે. ઈડીના વિશેષ વકીલ એન. કે. મટ્ટાએ કોર્ટને કહ્યું કે એજન્સીને માલ્યાની એવી અન્ય સંપત્તિઓની ઓળખ કરવા માટે વધુ સમય જોઈશે જેને ટાંચમાં લઈ શકાય. કોર્ટે એજન્સીના આગ્રહને સ્વીકારી લેતા બેંગ્લૂરુ પોલીસને નિર્દેશ આપ્યો કે તે ૧૧ ઓક્ટોબર સુધી નવો રિપોર્ટ દાખલ કરે. જોકે કોર્ટે જણાવ્યું હતું કે, પોલીસ માલ્યાની સંપત્તિ જપ્ત કરી શકે નહીં.

માલ્યાને ભારતીય કોર્ટનું સમન્સ

ઉલ્લેખનીય છે કે મની લોન્ડરિંગના કેસની સુનાવણી કરતી વિશેષ અદાલતે ૩૦ જૂને વિજય માલ્યા સામે સમન્સ જારી કરીને તેને ૨૭ ઓગસ્ટે હાજર થવા કહેવાયું છે. બીજી તરફ, માલ્યાનું લક્ઝરી કોર્પોરેટ જેટ અંતે ૨૯ જૂને યોજાયેલી ચોથી હરાજીમાં વેંચાયું છે. આ જેટ ૩૪.૮ કરોડ રૂપિયામાં વેચાયુ હતુ. આ જેટનો રજિસ્ટ્રેશન નંબર વીઆઈપી એ-૩૧૯-૧૩૩-સી વીટી-વીજેએમ એમએસએન-૨૬૫૦ હતો. તેમાં 'વીજેએમ'નો અર્થ વિજય માલ્યા થાય છે. તેને અમેરિકાની એક એવિયેશન કંપનીએ ખરીદયું છે.

બે પૂર્વ ડેપ્યુટી ગવર્નરની પૂછપરછ

વિજય માલ્યા કેસમાં સીબીઆઈએ રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયા (આરબીઆઇ)ના બે પૂર્વ ડેપ્યુટી ગવર્નરની પૂછપરછ કરી છે. રૂપિયા ૬,૦૦૦ કરોડના કિંગફિશર એરલાઇન ડિફોલ્ટ કેસમાં સીબીઆઈએ આરબીઆઈના આ પૂર્વ અધિકારીઓને સવાલ કર્યો હતો કે, તેમણે શા માટે એરલાઇન સેક્ટરને રેગ્યુલેટરી છૂટછાટ આપી હતી. સીબીઆઇને શંકા છે કે આ મંજૂરી આપવામાં કોઇક પ્રકારે ગેરરીતિ આચરવામાં આવી છે.

કઈ ભારતીય બેન્કોનાં માલ્યા પાસે લેણાં?

• સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા • બેન્ક ઓફ બરોડા • કોર્પોરેશન બેન્ક • ફેડરલ બેન્ક લિ. • આઈડીબીઆઈ બેન્ક • ઈન્ડિયન ઓવરસિઝ બેન્ક • જમ્મુ-કાશ્મીર બેન્ક • પંજાબ નેશનલ બેન્ક • સ્ટેટ બેન્ક ઓફ મૈસૂર • યુકો બેન્ક • યુનાઇટેડ બેન્ક ઓફ ઈન્ડિયા • જેએમ ફાઇનાન્શિયલ એસેટ્સ


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter