મેગનને માત્ર ૧ પાઉન્ડનું વળતરઃ પ્રાઈવસી કેસમાં ડચેસનો વિજય

Tuesday 11th January 2022 16:46 EST
 
 

લંડનઃ ડચેસ ઓફ સસેક્સ મેગન મર્કેલને તેની પ્રાઈવસી પર આક્રમણના કેસમાં હાઈ કોર્ટ અને કોર્ટ ઓફ અપીલમાં વિજય મળ્યા પછી નુકસાનના વળતર તરીકે માત્ર ૧ પાઉન્ડની રકમ મળશે. જોકે, મેગને ઓગસ્ટ ૨૦૧૮માં તેના પિતાને લખેલા પત્રોનો અંશ પ્રકાશિત કરવાના મુદ્દે મેગનના કોપીરાઈટનો ભંગ કરવા બદલ અખબારો જાહેર નહિ કરાયેલી રકમો ઉપરાંત,મેગનના કાનૂની ખર્ચનો હિસ્સો પણ ચૂકવશે. મેઈલ ઓન સન્ડે અને મેઈન ઓનલાઈને હાઈ કોર્ટ જજના રુલિંગને સ્વીકારી લીધું છે. જોકે, મુખ્ય પ્રકાશક એસોસિયેટેડ ન્યૂઝપેપર્સ દ્વારા ગત મહિને આ કેસમાં સુપ્રીલ કોર્ટમાં અપીલની તૈયારી દર્શાવાઈ હતી.

હાઈ કોર્ટના જાહેર કરાયેલા દસ્તાવેજોમાં નુકસાની વળતરની રકમનો ઉલ્લેખ કરાયો છે. મેઈલ ઓન સન્ડે અને મેઈન ઓનલાઈન અખબારોને ડચેસના તેમના પિતા સાથે સંબંધો સહિતના મુદ્દાઓ પર ડચેસના પાંચ મિત્રોએ ૨૦૧૯માં પીપલ મેગેઝિનને ઈન્ટરવ્યૂઝ આપ્યા હતા તેમના નામ પણ જાહેર નહિ કરવા જણાવાયું છે. અખબારોએ તેમના ફ્રન્ટ અને હોમપેજ પર પ્રાઈવસી કેસમાં તેમની હાર થઈ હોવાનું જાહેર કરવું પડશે. ડચેસને જે નાણાકીય ચૂકવણી થશે તે ચેરિટીઝને આપી દેવાશે તેમ પણ ડચેસ ઓફ સસેક્સના પ્રવક્તાએ જાહેર કર્યું હતું.

મેગને પિતા થોમસ મર્કેલને પાઠવેલા હસ્તલિખિત પત્રના પાંચ અંશ પ્રસિદ્ધ થવાની બાબતે પ્રકાશક એસોસિયેટેડ ન્યૂઝપેપર્સ સામે દાવો માંડ્યો હતો કે પ્રકાશકે ખાનગી માહિતીનો દુરુપયોગ કરવા ઉપરાંત, તેમના કોપીરાઈટ પર તરાપ મારી છે અને ડેટા પ્રોટેક્શન એક્ટનો ભંગ કર્યો છે. ફેબ્રુઆરી ૨૦૨૧માં ડચેસનો પ્રાઈવસી કેસમાં ટ્રાયલ વિના જ હાઈ કોર્ટમાં વિજય થયો હતો. એસોસિયેટેડ ન્યૂઝપેપર્સે તેની વિરુદ્ધ અપીલથી ટ્રાયલ યોજવાની માગણી કરી હતી. જોકે, ડિસેમ્બરમાં પ્રકાશકોની અપીલ ફગાવી દેવાઈ હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter