મેચ ફિક્સિંગ કેસઃ બુકી ચાવલાનો ભારત પ્રત્યાર્પણનો માર્ગ મોકળો થયો

Friday 17th January 2020 07:21 EST
 
 

લંડનઃ ભારત સરકારના કાનૂન મંત્રાલય અને વિદેશ મંત્રાલયની મહેનત આખરે રંગ લાવી છે. લંડન હાઇ કોર્ટે ભારતમાં મેચ ફિક્સિંગના આરોપોનો સામનો કરી રહેલા બુકી સંજીવ ચાવલાના પ્રત્યાર્પણને પડકારતી અપીલ નકારી કાઢી છે. આમ હવે તેના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો થયો છે. વર્ષ ૨૦૦૦માં ક્રિકેટ મેચમાં ફિક્સિંગ કરવાના આરોપોનો સામનો કરી રહેલા બુકી સંજીવ ચાવલાએ પોતાના માનવાધિકારનો હવાલો આપીને પોતાના પ્રત્યાર્પણના પ્રયાસોને પડકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી ભારત છોડીને બ્રિટનમાં આશરો લઇ રહેલા સંજીવ ચાવલાએ ગયા વર્ષે બ્રિટન સરકારે જારી કરેલા તેના પ્રત્યાર્પણના આદેશ સામે અપીલ કરવાની પરવાનગી માગી હતી.
રોયલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ૧૬ જાન્યુઆરીએ કેસની સુનાવણી કરતા લોર્ડ જસ્ટિસ ડેવિડ બિન અને જસ્ટિસ ક્લાઇવ લુઇસે સ્પષ્ટ જણાવ્યું હતું કે, સંજીવ ચાવલાની અપીલ નકારી કાઢવા માટેના સંતોષકારક કારણો છે.
આમ હવે ભારત અને બ્રિટન વચ્ચેની પ્રત્યાર્પણ સંધિ અંતર્ગત બ્રિટનનું ગૃહ મંત્રાલય ૨૮ દિવસમાં ચાવલાને ભારત ખાતે પ્રત્યાર્પિત કરવાના કોર્ટ આદેશને પ્રમાણિત કરી દેશે. અત્યંત અસામાન્ય સંજોગો અંતર્ગત ચાવલા તેના પ્રત્યાર્પણ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે. જોકે હાઇ કોર્ટ દ્વારા જ સંજીવ ચાવલાની અપીલ ફગાવી દેવાઇ હોવાથી સુપ્રીમ કોર્ટમાં તેની અપીલ સ્વીકારાય તેવી સંભાવના ઘણી ઓછી છે. ચાવલાના વકીલોએ દલીલ કરી હતી કે, આદેશને પડકારવાનો અમારા અસીલને કાયદાકીય અધિકાર છે.

ફેબ્રુઆરી ૨૦૧૯માં આદેશ થયો હતો

બ્રિટનના તત્કાલીન ગૃહ પ્રધાન સાજિદ જાવિદે ફેબ્રુઆરી ૨૦૧૯માં સંજીવ ચાવલાના ભારત ખાતેના પ્રત્યાર્પણના આદેશ પર હસ્તાક્ષર કરી નાંખ્યા હતાં. જોકે સાથે સાથે જ તેને આ ચુકાદા સામે અપીલ કરવા ૫૦ દિવસનો સમય પણ આપ્યો હતો.

વાહિયાત દલીલો કોર્ટે ફગાવી

સંજીવ ચાવલાના વકીલો દ્વારા પ્રત્યાર્પણ સામે વાહિયાત વાંધા ઉઠાવાયા હતા, જેને કોર્ટે ફગાવી દીધા હતા. જેમાંનું એક કારણ એવું હતું કે દિલ્હીની તિહાર જેલમાં હિંસા અને અન્યાયનું ગંભીર જોખમ અમારા અસીલ સામે છે. જ્યારે બીજો મુદ્દો એવો ઉઠાવાયો હતો કે ભારતમાં ચાવલા પર પોલીસ કસ્ટડીમાં પણ હિંસા આચરવામાં આવે તેવી સંભાવના છે. ત્રીજો મુદ્દો એવો રજૂ થયો હતો કે તિહાર જેલમાં અમારા અસીલના માનવ અધિકારનું ઉલ્લંઘન થવાની પૂરી સંભાવના છે. જોકે હાઇ કોર્ટે આમાંના કોઇ મુદ્દાને ધ્યાને લીધા નહોતા.

ક્રોનિયેની સાંઠગાંઠમાં ફિક્સિંગનો આરોપ

જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૦૦માં દક્ષિણ આફ્રિકન ક્રિકેટ ટીમના તત્કાલિન કેપ્ટન હેન્સી ક્રોનિયે સાથે સંજીવ ચાવલાની ઓળખાણ કરાવાઇ હતી. ચાવલા અને બીજી એક અન્ય વ્યક્તિએ ક્રોનિયે ક્રિકેટ મેચ હારી જાય તો તગડી રકમ ચૂકવવાનો સોદો કર્યો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમ ભારત પ્રવાસે આવી હતી તે દરમિયાન જ ક્રોનિયેને નાણાં ચૂકવી દેવાયાં હતાં.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter