મેટ્રો બેન્કને હિસાબી ભૂલો બદલ £૫.૪ મિલિયનનો દંડ ફટકારાયો

Friday 31st December 2021 04:32 EST
 
 

લંડનઃ સિટી રેગ્યુલેટર્સે મેટ્રો બેન્કને હિસાબી ભૂલો બદલ ૫.૪ મિલિયન પાઉન્ડનો જંગી દંડ ફટકાર્યો છે. આ ભૂલોથી ધીરાણકાર બેન્ક ભારે અરાજકતામાં ફસાઈ હતી. ધ ટાઈમ્સના અહેવાલ મુજબ સ્ટોક માર્કેટમાં આની જાણ કરાય તેના મહિનાઓ પહેલા બેન્કના બોસીસને તેની જાણકારી અપાઈ હોવાનું બહાર આવ્યું છે.

બેન્ક ઓફ ઈંગ્લેન્ડની પ્રુડેન્શિયલ રેગ્યુલેશન ઓથોરિટીએ જણાવ્યું હતું કે મેટ્રો બેન્કે તેની મૂડીસ્થિતિના રેગ્યુલેટરી અહેવાલમાં યોગ્ય કૌશલ્ય, કાળજી અને ખંત સાથે કામગીરીની નિષ્ફળતા દર્શાવવા ઉપરાંત, વહીવટ અને નિયમનોમાં ખામી બદલ તેની પાસેથી

દંડ વસૂલાયો છે. આ નિષ્ફળતા મે ૨૦૧૬થી જાન્યુઆરી ૨૦૧૯ના ગાળા દરમિયાન હતી. લંડનમાં લિસ્ટેડ બેન્કે પ્રોફેશનલ બાય-ટુ-લેટ લોન્સ અને કોમર્શિયલ મોર્ગેજીસ દ્વારા સુરક્ષિત લોન્સ બાબતે એકાઉન્ટિંગ ભૂલો જાહેર કરીને શેરધારકોને ચોંકાવી દીધા હતા. આ ભૂલોના પરિણામે, મેટ્રો બેન્કે તેની રિસ્ક-વેઇટેડ એસેટ્સ (RWA)માં ૯૦૦ મિલિયન પાઉન્ડ વધારવા પડ્યા હતા અને તેની પાસે પૂરતી મૂડી ન હતી. પોતાની બેલેન્સ શીટને વ્યવસ્થિત કરવા બેન્કે શેરધારકો પાસેથી ૩૭૫ મિલિયન પાઉન્ડ એકત્ર કરવાની ફરજ પડી હતી. અમેરિકી એન્ટ્રેપ્રીન્યોર વર્નોન હિલ દ્વારા ૨૦૧૦માં સ્થાપિત બેન્કની નાણાકીય હાલત વિશે ચિંતાના કારણે કેટલા કસ્ટમરોએ તેમની ડિપોઝિટ્સ પાછી ખેંચવાનું પસંદ કર્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter