મેરેથોન દોડનો લાભ લઈ જ્વેલર્સમાંથી £૫૦૦,૦૦૦ના હીરા અને રત્નોની લૂંટ

Monday 01st April 2019 05:24 EDT
 
 

લંડનઃ બહુ જાણીતી હેટોન ગાર્ડેન સ્ટાઈલમાં લૂંટારાઓએ લંડનની ફ્લીટ સ્ટ્રીટમાં આવેલા જ્વેલર્સ જ્યોર્જ એટેનબરો એન્ડ સન્સમાંથી આશરે ૫૦૦,૦૦૦ પાઉન્ડના મૂલ્યના હીરા અને રત્નોની લૂંટ ચલાવી હતી. એક તરફ, ૨૪ માર્ચ, રવિવારે લંડન હાફ મેરેથોનનું આયોજન કરાયું હતું તેના શોરબકોરનો લાભ લઈ લૂંટારું ગેન્ગે નજીકની વિલિયમ હિલ બેટિંગ શોપ સાથે જોડાયેલા ગુપ્ત પેસેજવેમાં દીવાલ તોડી જ્વેલર્સ શોપમાં ઘૂસણખોરી કરી હતી.

સોમવારે વહેલી પરોઢના બે વાગ્યાના સુમારે પોલીસને એલર્ટ કરવામાં આવી ત્યારે તો લૂંટને ઘણા કલાક વીતી ગયા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે લૂંટનું આયોજન ભારે કાળજીપૂર્વક કરાયું હતું. મેટ્રોપોલીટન પોલીસે એન્ટિક જ્વેલરી શોપમાંથી અંદાજે ૫૦૦,૦૦૦ પાઉન્ડના મૂલ્યોના રત્નોની લૂંટ થઈ હોવાની જાહેરાત કરી હતી. અગાઉ, અખબારી અહેવાલોએ એક મિલિયન પાઉન્ડની ચોરી થયાનું જણાવ્યું હતું.

હજારો જોગર્સ દોડી રહ્યા હતા ત્યારે દર્શકો દ્વારા તેઓને ચીઅર-અપ કરવામાં થતાં ઘોંઘાટના કારણે લૂંટ સમયે થતો અવાજ દબાઈ ગયો હોવાનું મનાય છે. પોલીસની ફ્લાઈંગ સ્ક્વોડના ડિટેક્ટિવ્ઝ અને ફોરેન્સિક તપાસનું કાર્ય સોમવારની મોડી રાત સુધી ચાલુ કહ્યું હતુ. જોકે, આ વિશે કોઈ ધરપકડ થયાનું બહાર આવ્યું નથી.

ડિટેક્ટિવ સુપ્રિન્ટેન્ડન્ટ સિમોન મોરિંગે જણાવ્યું હતું કે ‘આ દુઃસાહસપૂર્ણ ચોરી છે અને શકમંદોએ ચોકસાઈપૂર્વક આયોજન કર્યું હોવાનું સ્પષ્ટ જણાય છે. સ્ટોરમાં પ્રવેશવા તેઓએ દીવાલ તોડી હતી. હાલના તબક્કે શકમંદોએ ઉપયોગમાં લીધેલી પદ્ધતિઓ વિશે વધુ વિગતો આપી શકાય તેમ નથી. જોકે, ફ્લાઈંગ સ્કવોડે ૨૦૧૫ની બહુચર્ચિત હેટોન ગાર્ડેન લૂંટ સહિતની અત્યંત આયોજિત ચોરીઓ પકડી પાડી હતી તેની નજીક આવે તેવી આ લૂંટ નથી. અંદાજે ૫૦૦,૦૦૦ પાઉન્ડનું નુકસાન છે.’

એક થિયરી છે કે ગેન્ગે નજીકની ઈમારતની દીવાલમાં ડ્રીલિંગ કરીને જ્વેલરી શોપમાં પ્રવેશ કર્યો હતો. બીજી થિયરી મુજબ, ચોરોએ ફાયર એસ્કેપ દ્વારા મુખ્ય બિલ્ડિંગમાં પ્રવેશ લીધો હતો અને લેટર બોક્સમાંથી અંદર જવાનું દ્વાર ખોલ્યું હતું. એમ પણ કહેવાય છે કે લૂંટારુ ગેન્ગે તેનું પગેરું મેળવી ન શકાય તે માટે વિલિયમ હિલ બેટિંગ શોપના સીસીટીવી કેમેરા પર સફેદ રંગ લગાવી દીધો હતો.

હેટોન ગાર્ડેન સ્ટાઈલમાં લૂંટ એટલે શું?

લંડનના હેટોન ગાર્ડેન એરિયામાં એપ્રિલ ૨૦૧૫ના ઈસ્ટર બેન્ક હોલીડે વીકએન્ડમાં હેટોન ગાર્ડેન સેફ ડિપોઝિટ કંપનીમાં ભારે લૂંટ ચલાવાઈ હતી. આ સેફ ડિપોઝિટ કંપની અંડરગ્રાઉન્ડ હોવાથી ચોરી કે ધાડનું કોઈ જોખમ ન હોવાનું મનાતું હતું. ઈંગ્લિશ કાયદાના ઈતિહાસમાં આ સૌથી મોટી લૂંટ તરીકે ગણાવાઈ છે. નોંધવાની બાબત એ છે કે આ લૂંટ ચલાવનાર ચાર અપરાધી તો રીઢા ગુનેગાર હતા અને અગાઉ પણ સોનાની ચોરીઓ સાથે સંકળાયેલા હતા. આઠ વૃદ્ધ લૂંટારાએ સેફ વોલ્ટની ૨૦ ઈંચ જાડી દીવાલમાં ઈન્ડસ્ટ્રીયલ પાવર ડ્રીલથી મોટું બાકોરું પાડ્યું હતું. આ ચોરીના આયોજનના ભાગરુપે નજીકની કિંગ્સવે અંડરગ્રાઉન્ડમાં ભારે આગ લગાવી લોકોનું ધ્યાન ત્યાં દોરવામાં આવ્યું હોવાનું પણ મનાયું હતું. સોનાની રિંગ્સ, ડાયમન્ડ્સ, ઝવેરાત સહિત ચોરી કરાયેલા કિંમતી માલસામાનનું કુલ મૂલ્ય ૧૩.૬૯ મિલિયન પાઉન્ડ હોવાનું કહેવાયું હતું પરંતુ, ગેન્ગ દ્વારા તેને પાણીના મૂલે વેચી દેવાયો હતો. જોકે, તેમાંથી આશરે ૪.૩૨ મિલિયન પાઉન્ડનો કિંમતી સામાન પરત મેળવી શકાયો હતો અને તેમાંથી પણ ૩.૬ મિલિયન પાઉન્ડના કિંમતી દરદાગીના તેમના માલિકોને પરત આપી શકાયા હતા. સામાનને નુકસાન થયું હોવાથી ઓળખી શકાયો નહિ અને તદુપરાંત, કેટલાક માલિકો પોતાનો સામાન લેવા આગળ આવ્યા ન હતા. આ ચોરીથી સૌથી વધુ નુકસાન તો હેટોન ગાર્ડેન સેફ ડિપોઝિટ કંપનીને થયું અને ધંધો બંધ થઈ જતાં કંપનીએ નાદારી નોંધાવવી પડી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter