કૌભાંડી નીરવ મોદીની લંડનમાં ધરપકડઃ કોર્ટે જામીન અરજી ફગાવી

Wednesday 20th March 2019 02:29 EDT
 
 

લંડનઃ પંજાબ નેશનલ બેન્કના ૧૩,૦૦૦ કરોડ રુપિયાના ફ્રોડના મુખ્ય આરોપી અને હીરાના વેપારી નીરવ દિપક મોદીની આખરે મંગળવાર, ૧૯મી માર્ચે સેન્ટ્રલ લંડનના હોલ્બોર્નમાંથી ધરપકડ કરવામાં આવી હોવાનું સ્કોટલેન્ડ યાર્ડે જણાવ્યું છે. એક નિવેદનમાં જણાવાયું હતું કે ભારતીય સત્તાવાળાઓ વતી તેની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ થોડા જ કલાકોમાં તેને વેસ્ટમિનસ્ટર કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાં કોર્ટે તેની જામીન અરજી ફગાવી દઇને કેસની આગામી સુનાવણી થતાં સુધી એટલે કે ૨૯ માર્ચ સુધી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારત સરકારે નીરવ મોદીના પ્રત્યાર્પણની વિનંતી કરી હતી જેના આધારે વેસ્ટમિન્સ્ટર કોર્ટે તેની ધરપકડનું વોરંટ ઈસ્યુ કર્યું હતું. બીજી તરફ, મુંબઈમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે નીરવ મોદીની માલિકીના ૧૭૩ પેઈન્ટિંગ્સ અને ૧૧ કારની હરાજી કરવાની પરવાનગી પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ કોર્ટ પાસેથી મેળવી છે. આ ઉપરાંત નીરવ મોદીની પત્ની એમી મોદી વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરંટ પણ ઈસ્યુ કરવામાં આવ્યું છે. ભારત સરકારે નીરવ મોદીનો પાસપોર્ટ રદ કર્યો હોવાં છતાં તે ઈન્વેસ્ટર ‘ગોલ્ડન વિઝા’ દ્વારા યુકેમાં પ્રવેશવામાં સફળ રહ્યો હતો.

કોઇ પણ ડર વિના લંડનના માર્ગો પર ફરી રહેલા ભાગેડું નીરવ મોદીની મુશ્કેલીમાં વધારો થાય તેવા અહેવાલમાં વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટ દ્વારા નીરવ મોદી વિરુદ્ધ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. લંડન પોલીસ કોઇપણ સમયે નીરવ મોદીની ધરપકડ કરી શકે તેમ છે. જોકે, ધરપકડ પછી નીરવ મોદી પાસે જામીનની અરજી કરવાનો વિકલ્પ રહેશે. આ મામલે એવી વિગતો સામે આવી રહી છે કે વેસ્ટમિન્સ્ટર કોર્ટના નિર્ણયના પગલે ભારતથી સીબીઆઇ અને ઇડીની ટીમ લંડન જવા માટે રવાના થશે. નીરવ મોદી મામલે સીબીઆઇ અને ઈડી સતત યુકે ઓથોરિટીઝ અને લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનના સંપર્કમાં છે.

અગાઉ, ભારતીય વિદેશ મંત્રાલયે પણ નીરવ મોદીના પ્રત્યાર્પણની કાર્યવાહી આરંભાઈ હોવાનું જણાવ્યું હતું. ઈડી એજન્સીને બ્રિટિશ હોમ ઓફિસ દ્વારા સૂચના અપાઈ હતી કે ભારતે ગયા વર્ષે મોકલેલી પ્રત્યાર્પણ વિનંતીને હોમ સેક્રેટરી સાજિદ જાવિદે સર્ટીફાય કરી છે, જે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટને મોકલી અપાઈ છે.

ઉલ્લેખનીય છે કે ભારતની પંજાબ નેશનલ બેન્કના ૧૩,૦૦૦ કરોડ લઇને ફરાર થઇ ગયેલા નીરવ મોદી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરાઈ હોવાં છતાં તે લંડનના રસ્તાઓ પર આરામથી લટાર મારતા નજરે ચડ્યો હતો. જોકે, વેસ્ટમિન્સ્ટર કોર્ટે આ મામલો ગંભીરતાથી લઈ નીરવ મોદી વિરુદ્ધ વોરંટ જાહેર કર્યું છે. ઈડી અને સીબીઆઈની ટીમ દ્વારા સત્તાવાર પુરાવાની સોંપણી પછી તેની આગામી સપ્તાહમાં ધરપકડ કરી કોર્ટ સમક્ષ લવાય તેવા અહેવાલ છે. નીરવ મોદી પાસે ટ્રાવેલ ડોક્યુમેન્ટ ન હોવાથી તે ફરી નાસી છૂટે તેવી શક્યતા નહિ હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.

તાજેતરમાં જ ધ ટેલિગ્રાફ અખબારના રિપોર્ટરની નજરે તે ચડી જતા તેને અનેક પ્રશ્નો કર્યા હતા પરંતુ, તેણે ‘નો કોમેન્ટ’ કહી તમામ સવાલના ઉત્તર ટાળ્યા હતા. મીડિયા અહેવાલો મુજબ ૭૩ કરોડના એપાર્ટમેન્ટમાં રહેતો નીરવ મોદી દર મહિને એપાર્ટમેન્ટનું ૧૭ હજાર પાઉન્ડ (અંદાજે ૧૫.૫ લાખ રૂપિયા) ભાડું ચૂકવે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારતીય સત્તાવાળાએ નીરવના ખાતાં સ્થગિત કરી દીધા છે પરંતુ, લંડનમાં નીરવને નેશનલ ઈન્સ્યોરન્સ નંબર પણ અપાયો હોવાથી તે અહીં કાયદેસર બિઝનેસ કરવાની સાથોસાથ ઓનલાઇન વ્યવહારથી બ્રિટિશ બેન્કના એકાઉન્ટનો પણ સરળતાથી ઉપયોગ કરી શકે છે. તેની ધરપકડ માટે ઈન્ટરપોલે રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરવા છતાં નીરવ લંડનમાં નવા નામે ડાયમંડનો ધમધોકાર બિઝનેસ કરી રહ્યો હોવાના પણ અહેવાલો છે.

હજારો કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપી નીરવ મોદી તપાસ એજન્સીઓની પકડથી બચવા બ્રિટનમાં વારંવાર પોતાનું ઠેકાણું બદલી રહ્યો છે. મોદીએ ઓછામાં ઓછા ત્રણ વાર તેની જગ્યા બદલી નાખી છે. તેણે તાજેતરમાં સેન્ટ્રલ બ્રિટનથી માન્ચેસ્ટર અને તે પછી લંડનમાં એક ફ્લેટમાં સ્થળાંતર કર્યું છે.

ઈડીએ મુંબઈ અને સુરતમાં નીરવ મોદીની આઠ કાર, એક પ્લાન્ટ, મશીનરી, જ્વેલરી, પેન્ટિંગ અને અન્ય સ્થાયી સંપત્તિ સહિત ૧૪૭.૭૨ કરોડ રૂપિયાની સંપત્તિ એટેચ કરી હતી, ઈડી દ્વારા વિદેશમાં પણ નીરવની પ્રોપર્ટી ટાંચમાં લેવાની કાર્યવાહી કરી છે, જેમાં હોંગકોંગમાં રૂપિયા ૨૫૫ કરોડની સંપત્તિનો સમાવેશ થયો હતો. આ અગાઉ, નીરવ અને પરિવારજનોની ૬૩૭ કરોડની પ્રોપર્ટી એટેચ કરાઈ હતી.

મોસ્ટ વોન્ટેડ કૌભાંડી નીરવ મોદીને આઠમી માર્ચે લંડનમાં જોવામાં આવ્યો ત્યારે તેણે દુર્લભ પક્ષી ગણાતાં શાહમૃગ-ઓસ્ટ્રીચના ચામડાંમાંથી બનેલું જેકેટ પહેર્યું હતું. ટેલીગ્રાફના રિપોર્ટ અનુસાર તેની કિંમત ૧૦,૦૦૦ પાઉન્ડ (અંદાજે ૯૧૧,૦૦૦ રૂપિયા) અંકાય છે


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter