યુકેના બજેટમાં £૨ બિલિયનનો ખર્ચકાપ અને જંગી ટેક્સવધારો?

Wednesday 13th October 2021 07:16 EDT
 

લંડનઃ ચાન્સેલર રિશિ સુનાક આ મહિનાના ઉત્તરાર્ધમાં રજૂ કરાનારા બજેટ અને સ્પેન્ડિંગ રીવ્યૂમાં ટોરી ચૂંટણી ઘોષણાપત્રથી વિપરીત ટેક્સવધારાનું જંગી પેકેજ રજૂ કરશે તેમ ઈન્સ્ટિટ્યૂટ ફોર ફિસ્કલ સ્ટડીઝ (IFS) દ્વારા જણાવાયું છે. જ્હોન્સન સરકારના લેવલિંગ અપ એજન્ડાને પાર પાડવા સુનાક સરકારી વિભાગોમાં ૨ બિલિયન પાઉન્ડનો કાપ મૂકવાના આયોજનની સાથોસાથ યુકેના ટેક્સબોજાને સૌથી ઊંચા સ્તરે લઈ જવાનું વિચારે છે.

ટેક્સમાં વધારાથી મળનારા ભંડોળથી ૧૯૮૫ પછી સરકારના ખર્ચને સૌથી ઊંચા સ્તરે લઈ જવામાં મદદ મળશે તો બીજી તરફ, વ્હાઈટહોલના અનેક વિભાગોના બજેટ્સમાં કાપ મૂકાશે તેમ પબ્લિક ફાઈનાન્સ માટેની સ્વતંત્ર થિન્કટેન્કનું કહેવું છે. IFSના કહેવા મુજબ લોકલ ગવર્મેન્ટ, ફર્ધર એજ્યુકેશન, પ્રિઝન્સ, અને કોર્ટ્સ જેવા ક્ષેત્રોમાં આગામી વર્ષના બજેટમાં બે બિલિયન પાઉન્ડથી વધુનો કાપ મૂકાશે.૨૦૧૦ના દાયકામાં આ બજેટ્સમાં નોંધપાત્ર કાપ મૂકાયા હતા અને વધુ કાપથી સરકારના મુખ્ય લેવલિંગ અપ હેતુ પાર પડશે નહિ. સરકારનો સમગ્રતયા ખર્ચ રાષ્ટ્રીય આવકના ૪૨ ટકા જેટલો રહેશે જે મહામારી અગાઉ કરતા બે ટકા વધુ હશે.

આમ છતાં, વૃદ્ધ થતી વસ્તીના દબાણોના કારણે તેમાંનો મોટા ભાગનો હિસ્સો આરોગ્ય પાછળ ખર્ચાશે જ્યારે વ્હાઈટહોલના અન્ય વિભાગો માટે ખર્ચામાં ઘણું ઓછું ભંડોળ રહેશે. IFSના કહેવા અનુસાર સરકારના ખર્ચ અને આવક વચ્ચેની ખાધ વર્તમાન નાણાકીય વર્ષ માટે આશરે ૧૮૦ બિલિયન પાઉન્ડનો અંદાજ મૂકાય છે જે ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટીની ૨૪૦ બિલિયન પાઉન્ડની સ્પ્રિંગ આગાહી કરતાં નોંધપાત્રપણે નીચી હશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter