લંડનઃ યુકેમાં વંશીય લઘુમતી સમુદાયના મેડિકલ કર્મચારીઓની સંખ્યા શ્વેત મેડિકલ કર્મચારીઓથી પણ વધી ગઇ છે. દેશમાં મહિલા ડોક્ટરોની સંખ્યા પણ પહેલીવાર પુરુષો કરતાં વધુ થઇ છે. જનરલ મેડિકલ કાઉન્સિલ અનુસાર બ્રિટનમાં 3,30,000 મેડિકલ કર્મચારી કાર્યરત છે.
જીએમસીએ નવેમ્બર 2024માં પહેલીવાર જણાવ્યું હતું કે, યુકેમાં શ્વેત ડોક્ટરો કરતાં વંશીય લઘુમતી સમુદાયના ડોક્ટરોની સંખ્યા વધુ છે. 2016થી 2023 વચ્ચે વંશીય લઘુમતી સમુદાયના ડોક્ટરોની સંખ્યામાં 78 ટકા સુધીનો વધારો થયો હતો જ્યારે શ્વેત ડોક્ટરોની સંખ્યા આ સમયગાળામાં 10 ટકા વધી હતી.
જૂન 2016માં યુકેએ યુરોપિયન યુનિયન સાથે છેડો ફાડ્યા બાદ ભારત, પાકિસ્તાન, ઇજિપ્ત અને નાઇજિરિયાથી આવતા ડોક્ટરોની સંખ્યામાં મોટો વધારો થયો છે.
બીજીતરફ હંમેશા પુરુષોના આધિપત્યવાળો ગણાતા ડોક્ટરના વ્યવસાયમાં પહેલીવાર મહિલા ડોક્ટરોએ પુરુષ ડોક્ટરોને પાછળ પાડી દીધાં છે. યુકેમાં પહેલીવાર મહિલા ડોક્ટરોની સંખ્યા પુરુષ ડોક્ટરો કરતાં વધુ થઇ છે.
જીએમસીના આંકડા અનુસાર હાલ યુકેમાં 1,64,440 મહિલા ડોક્ટર સેવા આપી રહ્યાં છે જેની સામે રજિસ્ટર થયેલા પુકુષ ડોક્ટરની સંખ્યા 1,64,195 છે. યુકેના મેડિકલ પ્રોફેશનમાં હવે 50.04 ટકા મહિલા ડોક્ટર જ્યારે 49.96 ટકા પુરુષ ડોક્ટર છે.
વર્ષ 1858માં બ્રિટનમાં પહેલું મેડિકલ રજિસ્ટર શરૂ કરાયું ત્યારે તેમાં ફક્ત એક જ મહિલા ડોક્ટર એલિઝાબેથ બ્લેકવેલ નોંધાયા હતા અને તે પણ અમેરિકન હતાં. તે સમયે બ્રિટનમાં એકપણ મહિલાએ ડોક્ટરના વ્યવસાય માટે જરૂરી ડિગ્રી હાંસલ કરી નહોતી.