યુકેમાં સૌથી ખરાબ મંદીની ચેતવણીઃ આશરે ૫૯૧,૦૦૦ બિઝનેસીસ દેવાળું કાઢશે?

Sunday 17th May 2020 01:48 EDT
 
 

લંડનઃ કોવિડ-૧૯ની ખતરનાક અસરો સ્પષ્ટ થતી જાય છે તેમ પરિવારોને અત્યાર સુધીની સૌથી ખરાબ મંદી માટે તૈયાર રહેવા ચેતવણી અપાઈ છે. વડા પ્રધાન લોકો ફરી કામે વળગે તેની યોજના જાહેર કરવા જઈ રહ્યા છે ત્યારે લોકડાઉનના કારણે અર્થતંત્રના વિશાળ ક્ષેત્રને જે ગંભીર નુકસાન થયું છે તેની વિગતો બહાર આવી રહી છે. કોવિડ-૧૯થી શેરબજારોમાં બિલિયન્સ પાઉન્ડનું ધોવાણ થયું છે. આ ઉપરાંત, રેઝોલ્યુશન ફાઉન્ડેશનનો આઘાતજનક રિપોર્ટ કહે છે કે આ વર્ષે યુવા બેરોજગારીમાં ૬૦૦,૦૦૦નો વધારો થઈ શકે છે. આંકડો વર્તમાન ૪૦૮,૦૦૦ના બમણાથી વધી એક મિલિયન પણ થવાનું જોખમ છે.

એક સર્વે અનુસાર રેસ્ટોરાંથી હોટેલ્સ અને એરલાઈન્સ સુધી તમામને સાંકળતા યુકેના મુખ્ય સર્વીસીસ સેક્ટર ભારે ઝડપે સંકોચાઈ ગયા છે. IHS Markit/CIPS પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (PMI) ફોર સર્વિસીસમાં ૫૦ ટકાથી નીચે હોય તે બધુ ધોવાણ ગણાય છે ત્યારે એપ્રિલ મહિના માટે ઈન્ડેક્સ ઘટીને ૧૩.૪ થયો હતો. આ સર્વે ૧૯૯૬માં શરુ કરાયો તે પછી આ સૌથી ખરાબ સ્કોર છે. છેલ્લે નવેમ્બર ૨૦૦૮ની કટોકટીમાં આ સ્કોર ૪૦.૧ રહ્યો હતો.

એક સમયે તેજીમાં રહેલી બ્રિટનની કાર ઈન્ડસ્ટ્રીને થયેલું ભારે નુકસાન પણ સ્પષ્ટ થયું છે અને એપ્રિલ મહિનામાં માત્ર ૪,૩૨૧ નવી કારનું વેચાણ થયું હતું. સોસાયટી ઓફ મોટર મેન્યુફેક્ચરર્સ એન્ડ ટ્રેડર્સ (SMMT)ના આંકડા મુજબ અગાઉના વર્ષની સરખામણીએ આ વેચાણ ૯૭ ટકા ઓછું છે અને ૧૯૪૬ પછી સૌથી તળિયે છે. લોકડાઉનના કારણે કાર શોરુમ્સ અને ફેક્ટરીઝ બંધ થઈ છે અને લોકો ઘરમાં પુરાયા છે. લાખો લોકોનો નિભાવ આ ઈન્ડસ્ટ્રી પર આધાર રાખે છે ત્યારે મહામારીની ખતરનાર અસર એ છે કે ૧૯૯૨માં યુકે ઈકોનોમી મંદીમાં હતી તે પછી ઓટો ઈન્ડસ્ટ્રી સૌથી ખરાબ વર્ષ તરફ આગળ વધી રહી છે.

યુકેમાં ૨૩ માર્ચથી લદાયેલા લોકડાઉનથી જીવલેણ કોવિડ-૧૯ના પ્રસારને અટકાવવામાં મદદ મળી છે પરંતુ, અર્થતંત્ર પેરાલસિસની દશામાં આવી ગયું છે અને ૧૦માંથી એક અથવા આશરે ૫૯૧,૦૦૦ બિઝનેસીસ દેવાળુ કાઢવાની હાલતમાં આવી ગયા છે. દેશના શેરબજારો ધોવાઈ ગયાં છે. ફેબ્રુઆરીની મધ્ય પછી બ્રિટનની લિસ્ટેડ ફર્મ્સના ૫૨૦ બિલિયન પાઉન્ડથી વધુ મૂલ્યનું ધોવાણ થયું છે. CEBR થિન્કટેન્કઅને પોલિંગ કંપની ઓપિનિયમનો રિપોર્ટ કહે છે કે જો લોકડાઉન હજુ એક મહિનો ચાલુ રહેશે તો ૨.૫ લાખથી વધુ કંપનીઓનું અસ્તિત્વ રહેશે નહિ. બીજી તરફનું જોખમ એ છે કે ઈન્ફેક્શન્સનું બીજું મોજું અને તેના પરિણામસ્વરુપ લોકડાઉન સમગ્ર બિઝનેસ કોમ્યુનિટી માટે વિનાશક નીવડશે. ૫૦૦થી વધુ ફર્મ્સના પોલિંગના આધારે આગાહી કરી છે કે ૧.૧ મિલિયન કંપનીઓ લોકડાઉનના વધુ ત્રણ મહિનામાં અસ્તિત્વ ગુમાવશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter