યુકે પાસે ભારતને મદદ કરવા વેક્સિનનો વધારાનો જથ્થો જ નથી

Tuesday 04th May 2021 17:10 EDT
 

લંડનઃ વિશ્વમાં સૌથી વધુ કોરોના વાઈરસ સંક્રમિત અને મિત્ર દેશ ભારતને મુશ્કેલ સમયમાં બ્રિટને કોરોનાની વેક્સિન નહિ મોકલવાનો નિર્ણય કર્યો છે. ભારતને વેક્સિનના જથ્થા સહિત મેડિકલ સહાય મોકલવાના દબાણ વચ્ચે યુકે દ્વારા જણાવાયું છે કે હાલ તેની પાસે ભારતને મોકલી શકાય તેવો વેક્સિનનો વધારાનો જથ્થો નથી. જોકે, બ્રિટને ભારતને વેન્ટિલેટર્સ અને ઓક્સીજન કન્ટેઈનર્સ મોકલી આપ્યા છે

હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે જણાવ્યું હતું કે યુકે જ કોરોનાની ઘાતકી લહેરનો સામનો કરી રહ્યો છે અને દેશભરમાં વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. યુકે તેના નાગરિકોને કોરોનાની વેક્સિન આપવાને પ્રાથમિકતા આપી રહ્યું છે.  ભારત જેવા જરુરિયાત ધરાવતા દેશોને વેક્સિનનો જથ્થો પુરો પાડવા માટે હાલ અમારી પાસે વેક્સિનનો કોઈ વધારાનો પુરવઠો ઉપલબ્ધ નથી.

ભારતમાં કોરોનાની બીજી લહેરના સંદર્ભમાં વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના પ્રવક્તાએ કહ્યું હતું કે, અમારી પાસે વેક્સિનનો સરપ્લસ જથ્થો નથી અને કોવેક્સ ઈનિશિયેટિવ હેઠળ અન્ય દેશોને વેક્સિન મોકલવા પણ અમે પ્રતિબદ્ધ છીએ. પરંતુ, આ પ્રક્રિયાની નિરંતર સમીક્ષા કરવામાં આવી રહી છે. યુકે ૪૯૫ ઓક્સિજન કન્ટેઈનર્સ, ૨૦૦ વેન્ટિલેટર્સ સહિતના આવશ્યક મેડિકલ સપ્લાયનો જથ્થો મોકલી રહ્યું છે જેથી કરીને ભારતમાં તેની અછત દૂર કરી શકાય.

ભારતમાં કોરોના વાઈરસની બીજી ઘાતક લહેરમાં સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. આ સ્થિતિમાં અમેરિકા, રશિયા, કેનેડા, સાઉથ કોરિયા, ન્યૂ ઝીલેન્ડ અને યુએઈ સહિતના દેશો ઓક્સિજન ટેન્ક્સ, સિલિન્ડર્સ અને કન્સ્ટ્રેટર્સ સહિત મેડિકલ સપ્લાયની મદદ સાથે આગળ આવ્યા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter