યુરોપના રસ્તાઓ પર દોડશે રાજકોટની ઈલેક્ટ્રિક રિક્ષા

Wednesday 31st July 2019 10:42 EDT
 
 

રાજકોટઃ એક સમયે છકડો રિક્ષા થકી જેની ઓળખ હતી એવી રાજકોટની અતુલ ઓટો લિમિટેડની ઇલેક્ટ્રિક રિક્ષા હવે ટૂંક સમયમાં યુનાઇટેડ કિંગડમના માર્ગો પર દોડતી થઈ જશે. કંપનીએ થોડા સમય પહેલાં જ પોતાના વાહનો યુકેના ધારાધોરણ અનુસાર હોવાનું પુરવાર કરી દેતાં હવે અતુલ ઓટોને તમામ પ્રકારની મંજૂરી મળી ગઇ છે.
જો બધું સમુસૂતરું પાર પડ્યું તો બહુ નજીકના ભવિષ્યમાં યુકેના માર્ગો પર ‘મેઇડ ઇન ઇન્ડિયા’ની ઇલેક્ટ્રિક રિક્ષા દોડતી થઈ જશે. યુકેના બજારમાં કેવો પ્રતિસાદ મળે છે તેને ધ્યાનમાં લઇને એકાદ વર્ષ બાદ અતુલ ઓટો યુરોપના અન્ય દેશોમાં પણ રિક્ષા લોન્ચ કરવાની યોજના ધરાવે છે. અતુલ ઓટોનું એક પ્રોડક્શન યુનિટ અત્યારે રાજકોટમાં શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ ઝોનમાં ધમધમે છે જ્યારે કંપની તેનો બીજો પ્લાન્ટ ૪૦૦ કરોડ રૂપિયાના રોકાણ સાથે અમદાવાદ નજીક ચાંગોદાર ખાતે બનાવી રહી છે. આ નવા પ્લાન્ટમાં મોટા ભાગે ઈ-રિક્ષાનું ઉત્પાદન કરવામાં આવશે.
યુકેના પ્રોજેક્ટ વિશે અતુલ ઓટોના ચેરમેન અને મેને‌જ‌િંગ ડિરેક્ટર જયંતી ચાંદ્રાને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું હતું કે ઇલેક્ટ્રિક રિક્ષાની ભારતમાંથી યુરોપના બજારમાં નિકાસ થાય એવું પહેલી વાર થઈ રહ્યું છે. યુકે સરકારના તમામ નોર્મ્સ પરિપૂર્ણ કર્યા બાદ આવું કરવા માટે અમને મોકો મળ્યો છે. અમારા પ્રયત્નો રહેશે કે યુકેમાં પ્રવેશના પગલે પગલે આગામી એક વર્ષમાં અમે યુરોપનાં અન્ય બજારોમાં પણ પ્રવેશ કરી શકીશું.
જયંતીભાઇએ એમ પણ જણાવ્યું કે ભારતની તુલનાએ યુરોપમાં ઇલેક્ટ્રિક વ્હિકલ ૧૦ વર્ષ અગાઉ જ સ્વીકારાઈ ગયાં છે અને આથી જ ત્યાંનું બેકવર્ડ ઇન્ટિગ્રેશન અથવા તો ચાર્જિંગ નેટવર્ક ભારત કરતાં વધુ મજબૂત અને વ્યવસ્થિત છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter