યુરોપિયન કોમ્યુનિટીઝ એક્ટ ૧૯૭૨ રદ થવા સાથે બ્રેક્ઝિટ પ્રક્રિયાનો આરંભ

Wednesday 21st August 2019 04:45 EDT
 
 

લંડનઃ બ્રેક્ઝિટ સેક્રેટરી સ્ટીફન બર્કલેએ આખરે બ્રિટનની ઈયુમાંથી બહાર નીકળવાની બ્રેક્ઝિટ પ્રક્રિયાના આરંભ માટેના સત્તાવાર આદેશ પર હસ્તાક્ષર કરી દીધા છે, જેના પગલે હાથ ધરાનારી પ્રક્રિયા બ્રિટનને યુરોપીય સંઘમાંથી બહાર લાવી દેશે. યુરોપિયન કોમ્યુનિટીઝ એક્ટ ૧૯૭૨ રદ કરવાના સત્તાવાર આદેશથી ૩૧ ઓક્ટોબરે બ્રિટનમાં યુરોપીય કાયદાઓના ન્યાયક્ષેત્રનો અંત આવશે. અગાઉ થેરેસા મેએે કોમેન્સમેન્ટ ઓર્ડર પર હસ્તાક્ષરનો ઇનકાર કરીને બ્રેક્ઝિટ હિમાયતીઓનો રોષ વહોરી લીધો હતો.

બ્રેક્ઝિટના પ્રખર હિમાયતી ટોરી સાંસદ બર્કલેએ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની ૩૧ ઓક્ટોબર સુધી સમજૂતી વિના પણ બ્રેક્ઝિટ માટેની પ્રતિબદ્ધતાને અનુકૂળ આદેશ પર હસ્તાક્ષર કરતાં જણાવ્યું હતું કે ‘પ્રસ્તુત આદેશ બ્રેક્ઝિટ માટેની બ્રિટનની કરો યા મરો જેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે. આ આપણા કાયદાનો અંકુશ સ્વહસ્તક લેવાની ઐતિહાસિક પળ છે.’ જ્હોન્સન ૩૧ ઓક્ટોબરની હેલોવિન સુધીની મુદત કોઈપણ પ્રકારે વધારવા ઇચ્છતા નથી. યુરોપીય વીથ્ડ્રોઅલ એક્ટ બ્રિટિશ સંસદમાં ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પસાર થઈ ચૂક્યો છે. પરંતુ તેને અમલમાં લાવવા ‘કોમેન્સમેન્ટ ઓર્ડર’ પર હસ્તાક્ષર થવા જરૂરી હતા.

નો-ડીલથી શું મુશ્કેલીઃ ઓપરેશન યલોહેમર

બ્રિટન કોઈ સમજૂતી વિના જ ઈયુમાંથી બહાર નીકળે તેના સંભવિત પરિણામો દર્શાવતા ‘ઓપરેશન યલોહેમર’ પર સરકારી રિપોર્ટ લીક થઈ જવાથી સનસનાટી મચી છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની ઓફિસે લીક દસ્તાવેજો અંગે કોઈ ટીપ્પણીનો ઈનકાર કર્યો છે. યુરોપીય સંઘ સાથે કોઈ સમજૂતી વિના બ્રેક્ઝિટના સંજોગોમાં બ્રિટનને ઇંધણ, આહારસામગ્રી, દવાઓના પુરવઠાની અછતનો સામનો કરવો પડી શકે છે. પોર્ટ્સ પર ચક્કાજામની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. ઈયુ દ્વારા બોર્ડર પોસ્ટ્સ પર ઈમિગ્રેશન તપાસો વધી જવાથી પ્રવાસીઓને વિલંબનો સામનો કરવો પડશે. બ્રિટિશ નોર્ધર્ન આયરલેન્ડ અને ઈયુના સભ્ય રિપબ્લિક આયરલેન્ડ વચ્ચે બોર્ડર પરના સખ્ત નિયમોના કારણે તકલીફ પડશે,

બ્રેક્ઝિટને પગલે ઇંગ્લિશ ચેનલને પાર કરી સાધનસામગ્રી લાવતી આશરે ૮૫ ટકા લોરીઝ ફ્રેન્ચ કાયદાના પાલન માટે તૈયાર નથી. તેને પગલે ત્રણ મહિના સુધી બંદરગાહ પર ટ્રાફિક જામ રહેવાની સંભાવના છે. યુકેમાં સમગ્રતયા ભારે અછત નહિ સર્જાયય પરંતુ, પ્રાપ્યતા અને પસંદગી ઘટવા સાથે ભાવવધારાનો સામનો કરવો પડશે. ‘નો બ્રેક્ઝિટ ડીલ’માં જે આફટરશોક્સ આવે તેમાં તદ્દન ખરાબ સ્થિતિ ના સર્જાય તો પણ ખરાબ પરિણામો તો ભોગવવા જ પડશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter