રોયલ મેઈલ અને સેક્સી પત્ની ધરાવતા બિશપ

Wednesday 12th January 2022 06:12 EST
 
 

લંડનઃ ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના બિશપ ઓફ વર્સેસ્ટર ડો. જ્હોન ઈન્ગને રોયલ મેઈલ દ્વારા એક ક્રિસમસ કાર્ડ મળ્યું ત્યારે તેમને ભારે આશ્ચર્ય થયું હતું. તેમના એક મિત્રે બિશપનો પડકાર ઝીલીને પાઠવેલા કાર્ડમાં સરનામું ‘ધ લોર્ડ બિશપ અને તેમની સેક્સી પત્નીને મળે’ તેમ લખ્યું હતું અને આ કાર્ડ તેમને મળી પણ ગયું હતું. જોકે, ૬૬ વર્ષીય બિશપ અને તેમના ૫૨ વર્ષીય પત્ની હેલન કોલ્સ્ટોન-ઈન્ગે આ ઘટનાને હળવી રમૂજ જ ગણાવી હતી.

બિશપ ઓફ વર્સેસ્ટર ડો. જ્હોન ઈન્ગને તેમના મિત્રે ક્રિસમસ કાર્ડ પાઠવ્યું હતું અને રોયલ મેઈલ દ્વારા શું સરનામું કરવું તેવો પ્રશ્ન કરાયો ત્યારે બિશપે હળવાશથી ‘બિશપ ઓફ વર્સેસ્ટર એન્ડ હીઝ સેક્સી વાઈફ H-J’ લખવા કહી દીધું હતું . બિશપે જણાવ્યું હતું કે મારી સૂચના અનુસરાશે તેવી ધારણા ન હતી પરંતુ પત્ર આવ્યો ત્યારે હું રોયલ મેઈલથી ભારે ઈમ્પ્રેસ થયો હતો.’ રોયલ મેઈલે તેમની રમૂજભરી સૂચનાનું અક્ષરસઃ પાલન કર્યું હતું.

હેલન કોલ્સ્ટોન-ઈન્ગે કહ્યું હતું કે ‘આ પત્રે મને હસાવી દીધી હતી. હવે મારે એવું જીવન જીવવું પડશે (સેક્સી વાઈફ)’. બિશપ ઈન્ગે ટ્વીટમાં આ પત્રના સરનામાની તસવીર સામેલ કરી લખ્યું છે કે,‘ગુડ ઓલ્ડ રોયલ મેઈલ. આ સલામત મળી ગયેલ છે.’ આ ટ્વીટને ઘણા લાઈક્સ પણ મળ્યાં છે.

બિશપની પહેલી પત્ની ડેનિસનું ૫૧ વર્ષની વયે કેન્સરથી ૨૦૧૪માં અવસાન થયું ત્યારે તેમની ૧૫ અને ૧૦ વર્ષની બે દીકરી હતી. બિશપે પત્નીના મૃત્યુ પછી આસિસ્ટેડ ડાઈંગનો વિરોધ કરતો આર્ટિકલ પણ લખ્યો હતો. તેમણે પાદરીઓની કોન્ફરન્સમાં વર્તમાન પત્ની સાથે એંગેજમેન્ટની જાહેરાત કરી હતી. દંપતીએ તાજેતરમાં જ ચોથી મેરેજ એનીવર્સરીની ઉજવણી કરી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter