લંડનમાં પ્રોપર્ટી ખરીદનારા ભારતીયોની સંખ્યામાં ભારે ઉછાળો

Wednesday 20th November 2019 02:23 EST
 
 

લંડનનવી દિલ્હીઃ ભારતના પ્રોપ્રટી માર્કેટમાં ભલે તેજી ના હોય પરંતુ, વિશ્વના સૌથી મોટા શહેરો પૈકીના એક અને યુરોપની આર્થિક રાજધાની ગણાતા લંડનમાં પ્રોપર્ટી ખરીદનારા ભારતીયોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. લંડનની રિયલ એસેટ ફર્મના રિપોર્ટ પ્રમાણે જૂન ૨૦૧૯ સુધીના ગત ૧૨ મહિનામાં લંડનના પ્રાઈમ વિસ્તારોમાં પ્રોપર્ટી ખરીદનારા ભારતીયોની સંખ્યામાં ૧૧ ટકાનો વધારો થયો છે.

આ રિપોર્ટ પ્રમાણે ભારતીયો લંડનના મેફેર, બેલગ્રાવિયા, હાઈડ પાર્ક, મેરિલબોન અને સેન્ટ જોન્સ વૂડ જેવા વિસ્તારોમાં પ્રોપર્ટી ખરીદી રહ્યા છે. આની પાછળનુ એક કારણ લંડનમાં પ્રોપર્ટીની કિંમતોમાં થયેલો ઘટાડો પણ છે. રિપોર્ટ પ્રમાણે ઈયુ રેફરન્ડમ અને ઓક્ટોબર ૨૦૧૯ના ગાળામાં પ્રાઈમ વિસ્તારોમાં સમાવેશ પામતા સેન્ટ્રલ લંડનના વિસ્તારોની પ્રોપર્ટીના ભાવમાં લગભગ ૨૦ ટકાનો ઘટાડો થયો છે. જેનો ફાયદો ભારતીય ખરીદારોને થઈ રહ્યો છે.

પ્રોપર્ટી ખરીદનારા મોટાભાગના યુવા લોકો છે. લંડનમાં સુપર પ્રાઈમ વિસ્તારમાં પ્રોપર્ટી ખરીદનારા લોકોની સરેરાશ વય ઘટી રહી છે. હાલમાં ૭૩ ટકા ખરીદારોની વય ૫૦ વર્ષથી ઓછી છે. જાણકારોનુ માનવુ છે કે, ભારતીયો રોકાણ માટે પણ વિદેશમાં પ્રોપર્ટી ખરીદતા હોય તેવુ બની શકે છે. વિદેશના માર્કેટમાં ભાડું પણ વધારે છે અને ઓછા સમયમાં વધારે વળતર મળે છે.

ભારતીય રિઝર્વ બેન્કની લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) અનુસાર ભારતીયો દર વર્ષે ૨.૫૦ લાખ ડોલર વિદેશ મોકલી શકે છે. જોકે, કોઈ વ્યક્તિ પોતાના પરિવાર સાથે મળીને વિદેશમાં પ્રોપર્ટી ખરીદવા માંગે તો તે તેને વધારે રકમ વિદેશમાં મોકલવાની પરવાનગી મળતી હોય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter