પિતાના સ્મરણાર્થે અઠ્ઠાઇ તપ કરી ભવ્ય અંજલિ આપનાર પુત્રની અનુમોદના

કોકિલા પટેલ Wednesday 15th September 2021 10:21 EDT
 
 

જૈનોના પર્યુષણ પર્વની ઉજવણી દુનિયાભરમાં વસતા જૈનોએ તપ-જપ-ક્ષમાપનાની આપ-લે સહ કરી. આત્માની શુધ્ધિના આ પર્વ દરમિયાન અસંખ્ય નાની-મોટી તપસ્યાઓ અબાલવૃધ્ધ સૌ કોઇએ કરી. ખાસ કરીને કોરોનાના આ કપરા કાળમાં વિશ્વભરમાં સૌને શાતા મળે એવા ભાવ સેવ્યા. જીવદયા, માનવસેવા અને મૈત્રી ભાવનું ઝરણું વહાવવાનો પ્રભુ મહાવીરનો સંદેશો જીવનમાં ઉતારવા ઉત્સુકતા દાખવી. કોરોનાની વિદાય અને પુન: જનજીવન સામાન્ય બને એવી પ્રાર્થના જીનવર ભગવંતોને કરી. આ વર્ષે બ્રિટનમાં પણ મહદ્અંશે ઓનલાઇન ઉજવણી થઇ. માત્ર કોલીન્ડલના જૈન સેન્ટરમાં ભાવિકોએ સામૂહિક ઉજવણી ઉત્સાહભેર કરી હોવાના સમાચાર મળ્યા છે.

આ વર્ષની તપસ્યામાં અમારૂં ધ્યાન ખેંચે એવી તપસ્યા અમારા કન્સલ્ટીંગ એડીટર જ્યોત્સનાબહેન શાહના પુત્ર જીગરની રહી.

અમે એને નાનો હતો ત્યારથી ઓળખીએ. મને એ કોકી ફોઇથી સંબોધે.

હાલ એ KKR નામની મોટી અમેરિકન કંપનીમાં ઇન્ડીયાના લીગલ હેડની ઉંચી પોસ્ટ શોભાવી રહ્યો છે. કોરોનાને કારણે ઘરેથી જ કામ કરવાનું હોવાથી દોઢેક વર્ષથી લંડનમાં રહી ફરજ બજાવી રહ્યો છે. દરમિયાનમાં ગયા ઓક્ટોબર મહિનામાં

કુટુંબના મોભ સમા અને સમાજ, ગામ, સગાં-સંબંધી, મિત્રો અને ક્લાયન્ટો સહિત સૌ કોઇના લોકપ્રિય એવા શ્રી ડી.આર.શાહના અણધાર્યા અવસાનનો ગમ શાહ પરિવાર પર ફરી વળ્યો. અમારા ABPL પરિવારના સભ્ય તરીકે અમે પણ આ આઘાતજનક સમાચારથી ભારે વ્યથા અનુભવી.

સામાન્ય રીતે આપણે મૃતાત્માના શ્રેયાર્થે ભજન, દાન-પુણ્ય કરતા હોઇએ છીએ પરંતુ જીગરે એની વ્યવસાયીક ભારે વ્યસ્તતા વચ્ચે ય એના પિતાને ઉપવાસ કરી ભવ્ય અંજલિ આપી. ડી.આર.ના સ્મરણાર્થે પર્યુષણ પર્વમાં અઠ્ઠાઇ તપ (આઠ ઉપવાસ) ની આકરી તપસ્યા કરી પિતાપ્રેમનું ઉચ્ચ ઉદાહરણ પુરું પાડ્યું.પુત્ર હો તો આવા હો એવું કહેવાનું મન થાય.આજની યુવાપેઢીમાટે એ પ્રેરણાદાયી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter