મની લોન્ડરિંગના કાવતરામાં બેન્કના પૂર્વ કર્મચારીને જેલ

Wednesday 20th December 2017 05:55 EST
 
 

લંડનઃ બાર્ક્લેઝ બેન્કની ઈલિંગ શાખામાંથી ૨.૫ મિલિયન પાઉન્ડની વધુ રકમના મની લોન્ડરિંગના કાવતરામાં ભાગ ભજવવા બદલ બેન્કના પૂર્વ કર્મચારી જીનલ પેઠાડને ૧૨ ડિસેમ્બરે ઓલ્ડ બેઈલી કોર્ટ દ્વારા છ વર્ષ અને ચાર મહિનાની જેલની સજા ફરમાવાઈ છે. એજવેરના નિવાસી જીનલે મોલ્ડોવાના સાયબર મની લોન્ડર્સ પાવેલ જિનકોટા અને આયન ટર્કાનના પર્સનલ બેન્ક મેનેજર તરીકે કામગીરી બજાવી હતી. પેઠાડે ૨૦૧૪-૨૦૧૬ના ગાળામાં મની લોન્ડરિંગના કાવતરામાં ભૂમિકાની કબૂલાત કરી હતી.

જીનલ પેઠાડે બે સાયબર અપરાધીઓ માટે બનાવટી ઓળખ ડોક્યુમેન્ટસના ઉપયોગથી ૧૦૫ બોગસ બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતા. બેન્કની ફાઈનાન્સિયલ સિસ્ટમની જાણકારી હોવાથી Dridex મેલાવેરથી ચોરાયેલા નાણા આ ખાતાઓમાં પહોંચ્યા અગાઉ બેન્કની સિક્યુરિટી પ્રક્રિયાઓથી બ્લોક ન થાય તેની જીનલે ચોકસાઈ રાખી હતી. આના પરિણામે અપરાધીઓ સરળતાથી રકમો ઈચ્છે ત્યાં ટ્રાન્સફર કરી શકતા હતા. આ ઉપરાંત, પોતાના પ્રયાસોની સાબિતીઓ પણ સાઈબર અપરાધીઓને આપી હતી.

નેશનલ ક્રાઈમ એજન્સીની તપાસના પગલે જિનકોટા અને ટર્કાનને આ ષડયંત્ર બદલ ઓક્ટોબર ૨૦૧૬માં જેલની સજા કરાઈ હતી અને પછીના મહિને પેઠાડની ધરપકડ થઈ હતી. તેના ઘરની તલાશીમાં ૪૦૦૦ પાઉન્ડથી વધુ રોકડ, સાત લક્ઝરી ઘડિયાળ અને ત્રણ મોબાઈલ ફોન્સ મળી આવ્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter