લંડનઃ નફો નહીં કરવાની શરતે અપાયેલા કોન્ટ્રાક્ટમાંથી પણ સરકારની વિઝા સેવાઓ ચલાવતી કંપનીએ 13.6 મિલિયન પાઉન્ડનો નફો ઉલેચી લેતાં કંપનીના એક્ઝિક્યુટિવના રાજીનામાની માગ કરાઇ છે. આ એક્ઝિક્યુટિવ એથિક્સ માટેની સંસ્થામાં યુકેનું પ્રતિનિધિત્વ પણ કરી ચૂક્યા છે.
યુકેના વિઝા માટે અરજી કરતા લોકો માટે લાયકાત અને લેંગ્વેજ ટેસ્ટનું આયોજન કરતી કંપની એકટિસ છેલ્લા ઘણા વર્ષોથી આ કોન્ટ્ર્ક્ટમાંથી નફો કરતી હોવાનું સામે આવ્યું હતું. કંપનીએ જોકે સરકારને આ રકમ પરત તો કરી હતી અને ક્લાઉડ બેઇ યુન સહિતના સંખ્યાબંધ એક્ઝિક્યુટિવ અધિકારીઓએ કંપનીમાંથી રાજીનામા આપ્યાં હતાં.
કંપનીએ લેંગ્વેજ ટેસ્ટ માટે 2014માં સરકાર સાથે કરાર કર્યો હતો. કંપની સાથે શરત કરવામાં આવી હતી કે લેંગ્વેજ ટેસ્ટ સર્વિસમાંથી થનારો નફો તે ફરી તેમાં જ રોકશે પરંતુ કંપની તેમ કરવામાં નિષ્ફળ ગઇ હતી અને કરારનું ઉલ્લંઘન કર્યું હતું.