લંડનઃ લેસ્ટરના એક પાર્કમાં એક પુરુષે એક મહિલા પર બળાત્કાર કરી તેની વીડિયો ક્લિપ્સ અન્ય લોકોને મોકલી આપી હતી. ગગનદીપ ગુલાટી નામના આરોપીને અદાલત દ્વારા 6 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે. સપ્ટેમ્બર 2024માં 20 વર્ષીય ગુલાટી લેસ્ટરના જ્યુબિલી સ્ક્વેર ખાતે એક યુવતીને મળ્યો હતો અને તેને ફોસલાવીને નજીકના કેસલ ગાર્ડન પાર્કમાં એકાંતવાળી જગ્યાએ લઇ ગયો હતો. ત્યાં તેણે યુવતી પર બળાત્કાર ગુજારી વીડિયો બનાવ્યાં હતાં. પોલીસના જણાવ્યા અનુસાર ગુલાટીએ વીડિયો ક્લિપ્સ અન્ય લોકોને મોકલી આપી હતી.
ડિટેક્ટિવ કોન્સ્ટેલ મેટ સ્મિથે ગુલાટીનું ઘર શોધી કાઢ્યું હતું અને ફૂટેજ પરથી તેની ઓળખ કરીને ધરપકડ કરી હતી. ગુલાટી પર બળાત્કાર અને અશ્લિલ દ્રશ્યો મોકલવાના આરોપ મૂકાયા હતા. ગુલાટીએ એવો દાવો કર્યો હતો કે બળાત્કાર પીડિતાએ અગાઉ તેના પર સેક્સ્યુઅલ એસોલ્ટનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
લેસ્ટર ક્રાઉન કોર્ટ દ્વારા 28 માર્ચના રોજ સુનાવણીમાં ગગનદીપ ગુલાટીને દોષી ઠેરવી 6 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી હતી. ગગનદીપનો આજીવન માટે સેક્સ ઓફેન્ડર લિસ્ટમાં પણ સમાવેશ કરાયો છે.