બિઝનેસમેન સાબિર તાયુબનું અકસ્માતમાં મોત

Tuesday 22nd November 2016 13:19 EST
 
 

લેસ્ટરઃ વોરવિકશાયરમાં M45 માર્ગ પર મંગળવાર, ૧૫ નવેમ્બરના કાર અકસ્માતમાં લેસ્ટરશાયરના રોથલીના બિઝનેસમેન સાબિર તાયુબનું મોત નીપજ્યું છે. કિર્બી મુસ્લોમાં ફૂડ ડિસ્ટ્રિબ્યુશન ક્રાઉન ક્રેસ્ટના સ્થાપક રશિદ તાયુબના પુત્ર સાબિર નોટિંગહામશાયરમાં સર્ટ યુકે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર હતા. લેસ્ટરશાયર એશિયન બિઝનેસ એસોસિયેશનના પૂર્વ ચેરમેન ઉદય ધોળકિયાએ સાબિરના અકાળે મૃત્યુની ઘટનાને તેમના પરિવાર માટે મોટી ટ્રેજેડી ગણાવી હતી.

પાઉન્ડસ્ટ્રેચર ચેઈનની માલિક ક્રાઉન ક્રેસ્ટ કંપનીનું સંચાલન હાલ રશિદના ભાઈ અઝીઝ અને તેના પરિવાર હસ્તક છે. અઝીઝ તાયુબ અને તેમનો પરિવાર ૨૫૦ મિલિયન પાઉન્ડની સંપતિ સાથે મર્ક્યુરી રિચ લિસ્ટમાં ૧૧મા ક્રમે ચમક્યો છે.

સાબિર તાયુબના મૃત્યુની ઈન્ક્વેસ્ટ વોરવિકશાયરના કોરોનર શોન મેકગવર્ન સમક્ષ શુક્રવાર ૧૮ નવેમ્બરે યોજાઈ હતી. વોરવિકશાયર પોલીસ અકસ્માત સંબંધિત સંજોગોની વધુ તપાસ કરી શકે તે માટે ઈન્ક્વેસ્ટ મુલતવી રખાઈ હતી. તાયુબની મર્સિડિઝ કાર રોડ પરથી નીચે ઉતરી વૃક્ષ સાથે અથડાઈ હતી. પોલીસ અકસ્માત સમયે આ વિસ્તારમાં દેખાયેલી વ્હાઈટ અથવા સિલ્વર BMW કારના ડ્રાઈવરની શોધ કરી રહી છે. કોઈની પણ પાસે આ સંબંધિત માહિતી હોય તો વોરવિકશાયર પોલીસનો સંપર્ક સાધવા જણાવાયું છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter