લોકડાઉનનો અંત, પાર્ટીટાઈમ શરુઃ વેક્સિન સર્ટિફિકેટ જરુરી

Wednesday 21st July 2021 05:05 EDT
 
 

લંડનઃ ઈંગ્લેન્ડમાં મધ્યરાત્રિએ ૧૯ જુલાઈના આરંભ સાથે જ લોકડાઉન નિયંત્રણોનો અંત આવ્યો હતો. નવા વર્ષના આગમનનો માહોલ રચાયો હોય તેમ બ્રિટિશરો નાઈટ ક્લબ્સમાં આખી રાત ‘ફ્રીડમ ડે’ને ઉજવવા ડાન્સની રમઝટ બોલાવવા પહોંચી ગયા હતા. નાઈટ ક્લબ્સે નિયંત્રણો ઉઠાવી લેવાયાના પગલે મધ્યરાત્રિએ તેમના દ્વાર ખોલી લાઈનોમાં કલાકોથી ઉભા રહેલા આઝાદીપ્રેમીઓને ખુલ્લા દિલે આવકાર્યા હતા. બાર અને પબ્સ પણ ખુલી ગયા હતા અને બ્રિટિશરોએ ૧૦ મિલિયન પિન્ટ્સ શરાબ ઢીંચ્યો હતો.

દેશની ૧૨,૦૦૦ નાઈટ ક્લબ્સ આશરે દોઢ વર્ષ કરતાં વધુ સમયથી બંધ હતી અને પાર્ટી માણનારાઓ પણ ૧૮ મહિનાના લોકડાઉનમાં ડાન્સવિહોણા રહ્યા હતા. લોકોએ નાઈટ ક્લબ્સની બહાર કલાકે લાઈનો લગાવી હતી અને ૧૨ના ટકોરે ૧૯ જુલાઈના આરંભ સાથે ક્લબ્સ ખુલે તેની સેકન્ડન્સ ગણતા રહ્યા હતા. મહામારીના ગાળામાં પુખ્ત વયના થઈ ગયેલા હજારો બ્રિટિશ યુવાનોના ટોળાં બંધનાવસ્થાના અંત સાથે નાઈટલાઈફનો પ્રથમ આસ્વાદ માણવા ઉમટી પડ્યા હતા.

નોર્થ લંડનની EGG, મિનિસ્ટ્રી ઓફ સાઉન્ડ, ફેબ્રિક અને E1 નાઈટ ક્લબ્સ, ન્યૂકેસલની પાવરહાઉસ નાઈટ ક્લબ, લિવરપૂલની G-Bar નાઈટ ક્લબ, ડોરસેટમાં મૂન એકર, લીડ્ઝની બાર ફાઈબર, સાઉથ શિલ્ડ્સની ઈન્ડસ્ટ્રી સહિત નાઈટ ક્લબ્સની બહાર ભારે ભીડ લાગી હતી. આ સ્થળોએ ‘ફ્રીડમ પાર્ટીઝ’ના આયોજનો કરાયા હતા.

નાઈટ ક્લબ્સમાં પ્રવેશઃ વેક્સિન સર્ટિફિકેટ જરુરી

ઈંગ્લેન્ડમાં રાતોરાત નાઈટ ક્લબ્સ સહિત ભીડભાડવાળી જગ્યાઓમાં પ્રવેશ માટે નાટ્યાત્મક પગલાંરુપે વેક્સિન પાસપોર્ટ્સ આવશ્યક બનાવી દેવાયાં છે. ૧૬ મહિના પછી ખોલાયેલી નાઈટ ક્લબ્સમાં ભારે ભીડ સર્જાયાના પગલે આવી જાહેરાત કરાઈ છે જેનો ટોરી બેકબેન્ચર્સ અને મનોરંજન સેક્ટર દ્વારા ભારે વિરોધ કરાયો છે. ફ્રાન્સના નિયમની માફક ઈંગ્લેન્ડમાં સપ્ટેમ્બરના અંતથી નાઈટ ક્લબ્સ વેક્સિન નહિ લેનારા ગ્રાહકોને પ્રવેશ નહિ આપે. યુવાવર્ગ વેક્સિન લે તે માટે આ પગલું લેવાયું હોવાનું કહેવાય છે. ૩૦ વર્ષથી ઓછી વયના ૩ મિલિયન વયસ્કોએ વેક્સિન લેવાનો ઈનકાર કર્યો છે. ભારે ભીડ જામે છે તેવા અન્ય સ્થળોએ પણ આ નિયમ લાગુ પડશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter