લોર્ડ હેઈન સાથે સંકળાયેલા સાઉથ આફ્રિકન ટાયકૂન મોતીની ધરપકડ

Wednesday 29th August 2018 02:11 EDT
 
 

લંડનઃ પૂર્વ લેબર કેબિનેટ મિનિસ્ટર લોર્ડ પીટર હેઈન સાથે સંકળાયેલા વિવાદાસ્પદ સાઉથ આફ્રિકન બિઝનેસમેન ઝુનૈદ મોતીની ધરપકડ કરાઈ છે અને મ્યુનિકની કોર્ટમાં તેની સામે ટ્રાયલ ચાલશે. રશિયન સરકાર દ્વારા ઈન્ટરપોલની રેડ નોટિસ હેઠળ ૧૯ ઓગસ્ટે જર્મની છોડી રહેલા ઝુનૈદની અટકાયત કરાઈ હતી. સાઉથ આફ્રિકામાં ઉછરેલા લોર્ડ હેઈન બિઝનેસમેન ઝૂનૈદના કોર્પોરેટ જૂથ મોતી ગ્રૂપના સલાહકાર તરીકે કામ કરવા બદલ ટીકાનો ભોગ બનેલા છે.

બોગસ માઈનિંગ સોદામાં રશિયન નાગરિક એલિબેક ઈસાયેવ સાથે કથિત છેતરપીંડી અને ૨૭ મિલિયન પાઉન્ડના ગુલાબી ડાયમન્ડની ચોરીના ગુનામાં રશિયા દ્વારા ઝુનૈદ મોતી વિરુદ્ધ ઈન્ટરપોલ રેડ નોટિસ જારી કરાઈ હતી. મોતીના ધારાશાસ્ત્રી અલરિચ રાઉક્સે જણાવ્યું હતું કે કથિત આરોપો ઉપજાવી કાઢેલા અને મોતી પાસેથી નાણા પડાવવા રશિયન માફિયાની રણનીતિના ભાગરુપે છે. તેમણે ઉમેર્યું હતું કે ગત વર્ષના ઓગસ્ટથી રશિયન માફિયાના દુબઈમાં રહેતા સભ્ય દ્વારા મોતીને બનાવટી અને દગાબાજીના સંખ્યાબંધ દાવાઓના શિકાર બનાવાયા છે.

ગુનાખોરીના આક્ષેપો ધરાવતા બિઝનેસ ટાયકૂન સાઉથ આફ્રિકાના પ્રમુખ રામફોસા અને ઝિમ્બાબ્વેના પ્રમુખ મ્નાન્ગાગ્વા સહિત આફ્રિકન નેતાઓની નિકટ રહેલા છે. આ નેતાઓએ મોતીની કંપની આફ્રિકન ક્રોમ ફિલ્ડ્સને ખાણોનો સોદા કરાવવામાં મદદ કરી હોવાનું કહેવાય છે. મોતી વિરુદ્ધ ૨૦૧૨માં સશસ્ત્ર લૂંટ અને હત્યાના ષડયંત્રના આરોપો સહિતનો કેસ સાઉથ આફ્રિકાની કોર્ટે ફગાવી દીધો હતો.

પાંચ મહિના અગાઉ, ૬૮ વર્ષીય લેબર લોર્ડ હેઈનને મોતી ગ્રૂપના બોર્ડમાં સ્પેશિયલ એડવાઈઝર અને એક્સ-ઓફિસિયો મેમ્બર તરીકે નિયુક્ત કરાયા હતા. લોર્ડ હેઈન અને મોતીએ ઝિમ્બાબ્વેનાં રોબર્ટ મુગાબેના શાસનના પૂર્વ વરિષ્ઠ સભ્યો સાથે ઈન્વેસ્ટમેન્ટ્સની તક વિશે ચર્ચાઓ કરી હતી અને તેમની સામે પાખંડી હોવાના આક્ષેપ કરાયા છે.

લોર્ડ હેઈને જણાવ્યું હતું કે,‘હું મોતી ગ્રૂપમાં સલાહકારની ક્ષમતાએ બિઝનેસ અને પોલિટિક્સમાં સહભાગી પારદર્શીતા સાથે કંપની અને તેની લીડરશિપ સાથે કામ કરું છું.’


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter