વળતો વેક્સિન પ્રહાર

ભારતે બ્રિટનના પ્રવાસી માટે ક્વોરન્ટાઇન ફરજીયાત કર્યું

Thursday 07th October 2021 04:13 EDT
 
 

લંડનઃ ભારતમાં ઉત્પાદિત કોવિશિલ્ડ રસી અને તે પછી કોવિડ વેક્સિન સર્ટિફિકેટના મુદ્દે ભારતીય પ્રવાસીઓ સાથે ભેદભાવ દર્શાવનારા બ્રિટન સાથે ‘શઠં પ્રતિ શાઠ્યમ’નો વ્યવહાર દર્શાવીને ભારતે કડક વલણ અખત્યાર કર્યું છે.
ભારત સરકારે બ્રિટનથી આવતા તમામ પ્રવાસીઓ માટે ભારતમાં ૧૦ દિવસના ફરજિયાત ક્વોરન્ટાઈનનો નિયમ લાગુ કર્યો છે. બ્રિટિશરોએ ભારત પ્રવેશના ૭૨ કલાક પહેલાંનો RT-PCR રિપોર્ટ સાથે રાખવો પડશે અને ૧૦ દિવસના ક્વોરેન્ટાઈન ગાળામાં બે વખત રિપોર્ટ કરાવવો પડશે. આ નિયમ સોમવાર ૪ ઓક્ટોબરથી અમલી બનાવાયો છે. ઉલ્લેખનીય છે કે ભારતીય પ્રવાસીઓ માટે યુકેના પ્રવાસ નિયમો પણ આ જ તારીખથી અમલી બન્યા છે. બીજી તરફ, બ્રિટિશ સરકારે ભારતના વેક્સિન સર્ટિફિકેટને માન્ય રાખવા બાબતે ચર્ચા ચાલી રહી હોવાનું સ્પષ્ટ કર્યું છે. ભારતમાં ઉત્પાદિત કોરોના વેક્સિન કોવિશિલ્ડના બે ડોઝ લેવાં છતાં સર્ટીફિકેટને માન્યતા નહિ આપનારા બ્રિટન તરફ ભારત સરકારે આકરું વલણ દર્શાવી દેશમાં આવનારા બ્રિટિશ પ્રવાસીઓ માટે ૧૦ દિવસ સુધી ક્વોરન્ટાઈન રહેવાનો નિર્ણય અમલમાં મૂક્યો છે.

ભારતમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવા છતાં ભારત સહિત અનેક દેશોના રહેવાસીઓ માટે વિવાદાસ્પદ અને ભેદભાવપૂર્ણ નિયમ તેમજ ભારતની કોરોના વેક્સિન સર્ટિફિકેટને માન્ય નહિ રાખવાના બ્રિટનના વલણના જવાબમાં ભારતે ‘જેવાં સાથે તેવાં’ની નીતિ અપનાવતા આ પગલું ઉઠાવ્યું છે.
ભારત આવતા પ્રવાસીઓ માટે નિયમો
ભારતે જાહેર કરેલા નિયમ ૪ ઓક્ટોબરથી લાગુ કરાયા છે જે હેઠળ કોઈ પણ દેશની નાગરિક્તા ધરાવનાર લોકોને કોઈ છૂટછાટ નહિ અપાય. આ સિવાય ભારત આવવા માટે કેટલાક નિયમો નિશ્ચિત કરાયા છે. જેમ કે,
• બ્રિટનથી આવતા દરેક પ્રવાસીએ ૧૦ દિવસ ક્વોરન્ટાઈન રહેવું પડશે એટલું જ નહિ, તેના માટે વેક્સિનેશન સ્ટેટસની કોઈ જોગવાઈ રખાઈ નથી.
• બ્રિટિશ પ્રવાસીએ કોરોના વેક્સિનના બે ડોઝ લઈ લીધા હશે તો પણ તેણે ક્વોરન્ટાઈન રહેવું પડશે.
• બ્રિટનથી આવનારા પ્રવાસીઓ માટે પ્રવાસના ૭૨ કલાક પહેલાં સુધીનો કોરોના RT-PCR ટેસ્ટ રિપોર્ટ તેની પાસે રાખવો પડશે.
• પ્રવાસના પ્રારંભ પહેલા એર સુવિધા પોર્ટલ પર સેલ્ફ ડેકલેરેશન ફોર્મ રજૂ કરવું પડશે. • પ્રવાસના ૭૨ કલાક પહેલાં કરાવેલો નેગેટિવ RT-PCR ટેસ્ટ રિપોર્ટ સાચો હોવાનું પણ ડેકલેરેશન આપવું પડશે.
• ખોટો રિપોર્ટ રજૂ કરનારની સામે ફોજદારી રાહે પગલાં લેવાશે.
• આ સિવાય એરપોર્ટ પર પહોંચ્યા પછી પણ RT-PCR ટેસ્ટ કરાશે. ભારત આવ્યાના ૮ દિવસ પછી ફરી એક વખત પ્રવાસીએ આ ટેસ્ટમાંથી પસાર થવું પડશે.
• ભારત આવ્યા પછી ઘર અથવા સંબંધિત સરનામા ખાતે ૧૦ દિવસ સુધી ક્વોરન્ટાઈનમાં રહેવું જરૂરી પડશે.
• આઇસોલેશનમાં રખાયેલા પ્રવાસીઓ પર નિયમિત નજર રખાશે.
બ્રિટનથી આવનારા ભારતીયો પોતાના નિવાસે ક્વોરન્ટાઇન થઇ શકશે તેથી તેમને વધારાનો કોઇ ખર્ચ નહિ થાય પરંતુ, જેમની પાસે ઘર અથવા અન્ય સ્થળ નથી તેમણે સ્વખર્ચે હોટેલમાં ક્વોરેન્ટાઇન રહેવું પડશે.
બ્રિટનના ભેદભાવપૂર્ણ પગલાંથી વિવાદ
ઉલ્લેખનીય છે કે બ્રિટિશ કંપની એસ્ટ્રેઝેનેકા દ્વારા જ વિકસાવાયેલી કોવિડ વેક્સિનનું ભારતમાં ઉત્પાદન સીરમ ઇન્સ્ટિટયુટ ઓફ ઈન્ડિયા દ્વારા કોવિશિલ્ડ નામથી કરાય છે.
આમ છતાં, બ્રિટને કોવિશિલ્ડનો માન્યતાપ્રાપ્ત વેક્સિન્સમાં સમાવેશ કર્યો ન હતો. કોવિશિલ્ડના બે ડોઝ લીધા હોવાં છતાં, ભારતીય સહિતના પ્રવાસીઓ માટે ૧૦ દિવસનું ક્વોરન્ટાઈન ફરજિયાત બનાવાયું હતું.
ભારતના ભારે વિરોધ અને વળતા પગલાંની ચેતવણી પછી બ્રિટિશ સરકારે કોવિશિલ્ડ વેક્સિનને તો માન્યતા આપી પરંતુ, ટેકનિકલ વાંધો ઉઠાવતાં કોરોના વેક્સિન સર્ટિફિકેટમાં વિશ્વાસ નહિ હોવાનું જણાવ્યું હતું. આમ વેક્સિનને માન્યતા પછી પણ ભારતીયોની મુશ્કેલી યથાવત જ રહી હતી.
૭૦૦ પેસેન્જરને ક્વોરન્ટાઈન કરાયા
કોરોના ગાઇડલાઇનના અમલ સાથે જ ભારતે સોમવારે બ્રિટનથી આવેલા ૭૦૦ મુસાફરોને ૧૦ દિવસ માટે ક્વોરન્ટાઈન કરી દીધા હતા. એટલું જ નહીં, બધાના ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટ કરાયા હતા. ભારતથી વેક્સિન લઇને બ્રિટન પહોંચતા મુસાફરોના વેક્સિન સર્ટિફિકેટ માન્ય ગણાતા નહોતા. એટલું જ નહીં, તેમને ક્વોરન્ટાઈન કરીને ફરીથી વેક્સિન લેવા જણાવાતું હતું. ભારત સરકારે આ નિયમોમાં અન્ય દેશોના નાગરિકો અપાય છે તેવી છૂટછાટની રજૂઆત કરી હતી, છતાં બ્રિટને કડક વલણ જાળવી રાખ્યું હતું. આખરે ભારતે પણ જેવા સાથે તેવાની નીતિ અપનાવી હતી. ભારતે નવા નોટિફિકેશનથી નવો નિયમ લાગુ કર્યો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter